Tue Aug 18 2026

Logo

‘વંદે માતરમ્’ પર જોર પણ સંસ્કૃત ભાષા પર કેમ નહીં?

2026-08-17 08:33:00
Author: Bharat Bharadwaj
Article Image

 

 

 

એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજ

 

આખા દેશે પૂરા જોશ અને પરંપરા સાથે એંસીમા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી નાખી. સ્વાતંત્ર્ય દિને આપણા વડા પ્રધાન લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરે એ પરંપરા જળવાઈ ને દેશભરમાં લોકોએ પણ ઉત્સાહથી ઉજવણી કરી. આ વખતની ઉજવણીમાં એક નવી વાત ‘વંદે માતરમ્’નું આખું ગાન છે. લાલ કિલ્લા ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો પ્રારંભ જ ‘વંદે માતરમ્’ના ગાન સાથે થયો. અત્યાર લગી દેશમાં ‘વંદે માતરમ્’ના શરૂઆતના બે અંતરા ગવાતા હતા. તેના બદલે આખું ‘વંદે માતરમ્’ ગવાયું અને આઝાદી દિનની ઉજવણીમાં એક નવી ગૌરવપૂર્ણ પરંપરા શરૂ થઈ.

 

બંકિમચંદ્ર ચેટરજીએ 1870ના દાયકામાં રચેલું ‘વંદે માતરમ્’ સંસ્કૃત અને સંસ્કૃતમય બંગાળી ભાષામાં રચાયેલું છે. 1882માં બંકિમચંદ્રની અમર બંગાળી નવલકથા ‘આનંદમઠ’માં પ્રકાશિત કરાયેલા ગીતના પહેલા બે અંતરા સંપૂર્ણપણે સંસ્કૃતમાં છે. એ પછી ક્યાંક ક્યાંક બંગાળી શબ્દો છે પણ ગીતનું વ્યાકરણ સંસ્કૃતમાં છે તેથી ગીત સંસ્કૃત ભાષાનું જ છે. અંગ્રેજો સામેની લડતમાં ‘વંદે માતરમ્’નું યોગદાન બહુ મોટું છે. માતૃભૂમિને માતા ગણાવતું આ ગીત ભારતીયતામાં તરબોળ કરી દેનારું છે.

 

‘વંદે માતરમ્’ ભારતની આઝાદીની લડતનું એક ગૌરવશાળી પ્રકરણ છે તેથી આ ગીત આખું ગાવું જ જોઈએ પણ સવાલ એ છે કે, આપણે જે ગાઈ રહ્યા છીએ તેનો અર્થ શો થાય છે તેની કેટલાં લોકોને ખબર પડતી હશે ? સામાન્ય લોકોની વાત છોડો પણ આપણી સરકારમાં બેઠેલા લોકોમાંથી પણ કેટલાંને ‘વંદે માતરમ્’ આખા ગીતનો અર્થ ખબર હશે ? મોદી સરકારમાં તો કદાચ બે-ચાર વિદ્વાન લોકો નીકળી પણ આવે પણ ગુજરાત સરકારમાં તો ‘વંદે માતરમ’નો શબ્દશ: અનુવાદ કરી બતાવે ને લોકોને સમજાવી શકે એવો કોઈ વિરલો દેખાતો નથી.

 

આપણી સંસદમાં આખું ‘વંદે માતરમ્’ ગીત ગવાયું પણ ત્યાં પણ આ જ હાલત છે. આખી સંસદમાંથી માંડ 5 ટકા સાંસદ એવા હશે કે જેમને ‘વંદે માતરમ્’ નો અર્થ ખબર હશે, બાકીના 95 ટકા તો હઈસો હઈસોમાં જોડાઈ ગયેલા જ છે. મોટા ભાગના સાંસદોને તો વરસોથી ગવાતા બે અંતરા ગાતાં પણ જીભે ગોટા વળી જાય છે ત્યારે આખું ગીત ગાય એવી આશા તો રખાય જ નહીં. ‘વંદે માતરમ્’ ગવાતું હતું ત્યારે ખાલી ખાલી હોઠ ફફડાવીને દેખાડો કરી લીધો પણ અલગ-અલગ બોલાવીને ગવડાવો તો ભાજપના 240 સાંસદોમાંથી જ માંડ પાંચ-દસ એવા નીકળે કે જે આખું ‘વંદે માતરમ્’ ગાઈ શકે.

 

આ વાત કોઈને નીચા દેખાડવા માટે નથી કરી પણ ભારતમાં શું વાસ્તવિકતા છે તેનો અહેસાસ કરાવવા કરી છે. ભારતમાં 99 ટકા લોકોને આખું ‘વંદે માતરમ્’ નથી આવડતું કે આખા ગીતનો અર્થ ખબર નથી તેમાં તેમનો વાંક નથી. આ દેશમાં શિક્ષણની વ્યવસ્થા છે તેમાં ‘વંદે માતરમ્’ની મૂળ ભાષા સંસ્કૃતને કોઈ સ્થાન જ નથી તેથી લોકોને ક્યાંથી ’વંદે માતરમ’ આવડે કે તેનો અર્થ ખબર હોય ?

 

સંસ્કૃત હિંદુઓની ભાષા ગણાય છે. કૉંગ્રેસ પર તો હિંદુ વિરોધી હોવાનું લેબલ લાગેલુ છે તેથી કૉંગ્રેસ તો સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપે એવી આશા ના જ રખાય પણ હિંદુવાદી ભાજપે પણ સંસ્કૃત ભાષાને મહત્ત્વ આપ્યું છે ખરું? બિલકુલ નથી આપ્યું. શિક્ષણ રાજ્ય સરકારનો વિષય છે તેથી ભાજપ શાસિત રાજ્યોમાં તો સંસ્કૃતનું શિક્ષણ ફરજિયાત કરી જ શકાય પણ ગુજરાત સહિતનાં ભાજપ શાસિત રાજ્યોમાં સંસ્કૃત ફરજિયાત નથી તેના પરથી જ ભાજપ માટે હિંદુત્વની મૂળભૂત બાબતો કેટલી મહત્ત્વની છે તેની ખબર પડી જાય.

 

આદિત્યનાથ હિંદુત્વના ઝંડાધારી છે પણ ઉત્તર પ્રદેશમાં પણ સંસ્કૃતનું શિક્ષણ ફરજિયાત નથી. બીજાં બધાંની વાત છોડો પણ મોદી સરકારે નવી શિક્ષણ નીતિ બનાવી તેમાં પણ સંસ્કૃત તો ક્યાંય છે જ નહીં. ભાજપ સરકારે હિંદી થોપવા માટે છેક પૂંછડા લગીનું જોર લગાવી દીધું પણ સંસ્કૃતનું શિક્ષણ ફરજિયાત કરવાની તો કોઈ વાત જ નથી.

 

ભાજપને ‘વંદે માતરમ્’ પર હેત ઉભરાય છે કેમ કે મુસ્લિમોનો એક મૂરખ વર્ગ ‘વંદે માતરમ્’નો વિરોધ કરે છે. ‘વંદે માતરમ્’નું ગાન ઈસ્લામ વિરોધી હોવાનો બકવાસ કરનારા બડફાઓના કારણે ભાજપને ‘વંદે માતરમ્’નો ઉપયોગ મુસ્લિમ વિરોધી પ્રચાર કરવાની તક મળે છે. જાવેદ અખ્તર જેવા કેટલાક શાણા મુસ્લિમો કહી કહીને થાકી ગયા કે, ‘વંદે માતરમ્’માં કશું ઈસ્લામ વિરોધી નથી પણ મુસલમાનોમાં પણ ધર્મના નામે લોકોને ગેરમાર્ગે દોરીને પોતાની દુકાન ચલાવનારા નમૂના છે જ તેથી એ લોકો ‘વંદે માતરમ્’ ઈસ્લામ વિરોધી હોવાનું હાંકે રાખ્યે છે તેથી ભાજપ ‘વંદે માતરમ્’ મુદ્દે મુસ્લિમોને ધોયા કરે છે.

 

ભાજપના મુસ્લિમોના વિરોધ પર કેન્દ્રિત હિંદુત્વના ચાહકો ઝૂમી ઊઠે છે તેથી ભાજપ ‘વંદે માતરમ્’ના પ્રચારમાં અતિ ઉત્સાહ બતાવે છે પણ એટલો જ ઉત્સાહ ‘વંદે માતરમ્’ની મૂળ ભાષા સંસ્કૃતને જીવંત કરવા માટે નથી બતાવતો. ગુજરાતમાં તો છેલ્લાં 30 વર્ષથી ભાજપનું શાસન છે પણ રાજ્યમાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ ફરજિયાત નથી.

 

ભાજપ તો રાજકીય પક્ષ છે તેથી રાજકીય ફાયદા વિશે જ વિચારે પણ હિંદુઓને પોતાને પણ પોતાનાં મૂળિયાંને જાળવવામાં રસ નથી. સંસ્કૃત પહેલાં પણ સામાન્ય લોકોની બોલચાલની ભાષા નહોતી તેથી લોકો સંસ્કૃતમાં વાતચીત કરે એવી અપેક્ષા નથી પણ દેશમાં દરેક વ્યક્તિ સંસ્કૃત સમજી શકે એટલું જ્ઞાન તો હોવું જ જોઈએ. ખાસ કરીને હિંદુઓને તો આ જ્ઞાન હોવું જ જોઈએ કેમ કે હિંદુ સંસ્કૃતિનાં તમામ પુસ્તકો સંસ્કૃતમાં છે. આયુર્વેદ અને યોગ સહિતનું આજના સમયમાં અત્યંત ઉપયોગી જ્ઞાન પણ સંસ્કૃતમાં છે ને દુનિયાની કોઈ ભાષામાં ના લખાયું હોય એવું મહાનતમ સાહિત્ય પણ સંસ્કૃતમાં છે. સંસ્કૃતનો ખજાનો કદી ખૂટે નહીં એટલો વિશાળ છે પણ હિંદુઓને તેની જ પડી નથી.

 

દુનિયાનું એક સનાતન સત્ય એ છે કે, જે પ્રજા પોતાનાં મૂળિયાં જે ભાષામાં હોય તેને તરછોડી દે એટલે પોતાની મૂળ ઓળખ ગુમાવી બેસે છે. ધર્મ, સંસ્કૃતિ, પરંપરાઓ સહિતની બાબતો પર પણ બની બેઠેલા ઠેકેદારોના આશ્રિત થઈ જાય છે. એ લોકો મનફાવતું અર્થઘટન કરે તેને ઘેટાંના ટોળાની જેમ અનુસરવું પડે. મુસ્લિમોમાં એવું થયું જ છે. પવિત્ર કુરાને શરીફ સહિતનાં મુસ્લિમોનાં ધાર્મિક પુસ્તકો અરબીમાં છે. ભારત સહિતના કરોડોની મુસ્લિમ વસતી ધરાવતા દેશોમાં સામાન્ય લોકોને અરબી આવડતી જ નથી તેથી મુલ્લા-મૌલવીઓ જે અર્થઘટન કરે તેને માનવું પડે. તેના કારણે મુસ્લિમ સ્ત્રીઓને સાવ નીચલી પાયરીએ ઉતારી દેતાં ઘણાં દૂષણો મુસ્લિમ સમાજમાં ઘૂસી ગયાં. 

પયગંબર સાહેબે કહ્યું કે કર્યું નહોતું કે કુરાનમાં લખાયું નથી એવાં ઘણાં તૂત ઈસ્લામમાં ઘૂસી ગયાં. હિંદુઓ સંસ્કૃતને નહીં જાણે તો તેમની હાલત પણ આવી જ થશે ને અત્યારે તેની શરૂઆત થઈ જ ગઈ છે.