(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકારના આદેશ બાદ વડોદરા મહાનગર પાલિકાએ લગભગ 12 વર્ષ બાદ શહેરમાં રખડતા શ્વાનોની નવેસરથી ગણતરી શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મનપા દ્વારા હાથ ધરવામાં આવનાર આ સર્વેનો હેતુ વર્ષોથી નસબંધી અભિયાન છતાં શહેરમાં રખડતા શ્વાનોની વસ્તી વધી છે કે ઘટી તે અંગે નક્કર માહિતી એકઠી કરવાનો હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતો.
મળતી વિગતો અનુસાર, મનપા તંત્ર જીપીએસ અને ગુગલ મેપિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્વે કરવા જઈ રહ્યું છે, જેમાં ટીમો શહેરના વિવિધ ભાગોમાં રખડતા શ્વાનોનું સ્થાન અને વિગતોની નોંધ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સર્વેમાં નર અને માદા શ્વાનોની સંખ્યા, છ મહિનાથી ઓછી ઉંમરના ગલુડિયાઓ, પુખ્ત વયના અને જાતિ મુજબનો ડેટા એકત્રિત કરવામાં આવશે. અહેવાલો અનુસાર, લગભગ 10 કર્મચારીઓને સર્વેની જવાબદારી સોંપવામાં આવી છે અને લગભગ 20 દિવસમાં આ કામગીરી પૂરી કરી દેવામાં આવી તેવી અપેક્ષા છે. જો કે આટલા ટૂંકા ગાળામાં આખા શહેરને કઈ રીતે આવરી લેવાશે તે અંગે પ્રશ્નો છે.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં છેલ્લી રખડતા શ્વાનની ગણતરી 2014 માં હાથ ધરવામાં આવી હતી, જ્યારે શહેરમાં લગભગ 44000 રખડતા શ્વાન નોંધાયા હતા. તે સમયે, નસબંધીની કામગીરી મુખ્યત્વે માદા શ્વાનો પર કેન્દ્રિત હતી. 2015 થી મનપાએ આ કાર્યક્રમનો વિસ્તાર કરીને નર શ્વાનોને પણ સામેલ કર્યા હતા.