Mon Jun 15 2026

Logo

MLA યોગેશ પટેલ પંચમહાભૂતમાં વિલીન: ખાસવાડી સ્મશાને પુત્ર-પુત્રીએ આપ્યો અગ્નિદાહ, અનેક નેતાઓ રહ્યા હાજર

2026-06-04 14:37:00
Author: Vimal Prajapati
Article Image

વડોદરા: માંજલપુર મતવિસ્તારના ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. પુત્ર અને પુત્રી દ્વારા પિતાને અગ્નિદાહ આપવામાં આવ્યો. યોગેશ પટેલને પરિવારજનોએ રડતી આંખે  વિદાય આપી હતી. ગત મંગળવારે 2 જૂનના રોજ ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું હતું. રોજ સવારે ખાસવાડી સ્મશાને તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉપસ્થિત જોવા મળ્યાં હતાં. 

સળંગ 36 વર્ષ સુધી જનપ્રતિનિધિ તરીકે લોકચાહના મેળવનારા આ રાજનેતાની અંતમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. આજે સવારે કારેલીબાગમાં આવેલ અમદાવાદી પોળમાં તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી અને ખાસવાડી સ્મશાન ખાતે પહોંચી હતી. આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં વડોદરા વાસીઓ જોડાયા હતા. યોગેશ પટેલના નિધનથી અત્યારે શહેરમાં શોકના માહોલ સર્જાયેલો છે. 

અનેક રાજનેતાઓ તેમની અંતિમ યાત્રામાં સામેલ થયા

ગુજરાતના નાયમ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અંતિમ દર્શન કરીને યોગેશ પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે અન્ય કેટલાક નેતાઓ પણ પણ તેમની અંતિમ યાત્રામાં સામેલ થયાં હતાં. કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોષી, કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ભાજપ નેતા પ્રદિપસિંહ જાડેજા, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અને ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે સંત સમુદાય પણ અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. 

યોગેશ પટેલના નિધનથી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ

એમએલએ યોગેશ પટેલના 1990થી સતત 8 ટર્મ અજેય રહીને જીવ્યા ત્યાં સુધી ધારાસભ્ય પદે રહ્યા હતા. હવે તેમના નિધનથી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. જ્યારે રાજ્યમાં વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે યોગેશ પટેલ મંત્રી પણ રહેલા છે. હવે આ બેઠક પર ફરી પેટા ચૂંટણી કરવાની ફરજ પડી શકે છે. આ પહેલા ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું ત્યારે પણ વિધાનસભા ખંડીત થઈ હતી. જો કે, એજ બેઠક પર પેટાચૂંટણીમાં તેમના પુત્ર હર્ષદ પરમારની જીત થઈ ગતી.