Sun Sep 06 2026

Logo

વડોદરા એરપોર્ટ ખાતે ઈન્ડિગો એરક્રાફ્ટમાં વીજળી ગુલ, પ્રવાસીઓ બેહાલ

2026-05-18 14:17:08
Author: Pooja Shah
વડોદરા એરપોર્ટ ખાતે ઈન્ડિગો એરક્રાફ્ટમાં વીજળી ગુલ, પ્રવાસીઓ બેહાલ

અમદાવાદઃ શનિવારે રાત્રે વડોદરાથી નવી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં સવાર મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે વડોદરા એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યાના કારણે ટેકઓફમાં વિલંબ થતાં તેમને લગભગ 30 મિનિટ સુધી એર કન્ડીશનિંગ વિના પ્લેનની અંદર રહેવાની ફરજ પાડવામાં આવી હતી. 

ફ્લાઇટ 6ઈ-657માં સવાર મુસાફરોએ દાવો કર્યો હતો કે વિમાન જમીન પર રહેતું હતું ત્યારે તેની એર કન્ડીશનીંગ સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે મુસાફરોમાં અસ્વસ્થતા અને ચિંતા ફેલાઈ હતી. કેટલાક લોકોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે વિલંબ દરમિયાન વિમાનના દરવાજા બંધ રહ્યા હતા, જેના કારણે અંદરની સ્થિતિ વધુને વધુ અસ્વસ્થતાભરી બની હતી.

એક મુસાફરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ પુશબેક સિસ્ટમમાં ખામી સર્જાયા બાદ અને એરપોર્ટ પર કોઈ રિપ્લેસમેન્ટ  સરળતાથી ઉપલબ્ધ ન હોવાથી વિલંબ થયો હતો. તેમના કહેવા અનુસાર વિમાનની અંદર ખરાબ વેન્ટિલેશનને કારણે મુસાફરો ઉશ્કેરાઈ ગયા હતા.
ઓનલાઈન ફરિયાદનો જવાબ આપતા, ઈન્ડિગોએ કહ્યું કે તેને થયેલી અસુવિધા બદલ દિલગીર છે અને તે આ બાબતની તપાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે પ્રસ્થાન પ્રક્રિયાઓ પૂર્ણ થાય તે પહેલાં વિલંબ થયો હતો. કેટલાક મુસાફરોએ વિક્ષેપ દરમિયાન એરલાઇન સ્ટાફ તરફથી અપૂરતી વાતચીત અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

ઈન્ડિગો અથવા એરપોર્ટ અધિકારીઓ તરફથી ટેકનિકલ ખામી અથવા કેટલીવાર આ તકલીફો રહી હતી તે અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.