Mon Oct 05 2026

Logo

મોદીના વતનમાં લવ મેરેજ કરનારી પાટીદાર યુવતીને ભાઈએ રાખડીના નામે બોલાવી ને પછી ઉઠાવી ગયા........

2026-08-29 11:31:00
Author: Mayur Patel
મોદીના વતનમાં લવ મેરેજ કરનારી પાટીદાર યુવતીને ભાઈએ રાખડીના નામે બોલાવી ને પછી ઉઠાવી ગયા........

મહેસાણાઃ પીએમ મોદીના વતન વડનગરમાં લવ મેરેજ કરનારી પાટીદાર યુવતીને ભાઈએ રાખડીના નામે બહાર બોલાવી હતી. જે બાદ કારમાં ઉઠાવી ગયા હતા. રક્ષાબંધનના દિવસે જ આ ઘટના બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

શું છે સમગ્ર મામલો

વડનગર તાલુકાના છાબલીયા સીમ વખારપુરા ગામે રહેતા સચીનકુમાર ઠાકોરે આશરે 7 મહિના પહેલાં મલેકપુર ગામની પાટીદાર યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને ખુશ હતા. રક્ષાબંધનના તહેવાર પર યુવતીના ભાઈ જેનિલ પટેલે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો અને રાખડી બાંધવા માટે વડનગર આવવા કહ્યું હતું. ભાઈના પ્રેમ પર વિશ્વાસ મૂકીને યુવતી તેના પતિ સચીનકુમાર અને નાની ભત્રીજી સાથે એક્ટિવા પર વડનગર પહોંચી હતી અને ભાઈને રાખડી બાંધી હતી.

રાખડી બાંધ્યા પછી જ્યારે દંપતી પોતાના ગામ પરત જવા નીકળતું હતું, ત્યારે જેનિલે હજુ થોડીવાર વાત કરીએ તેમ કહીને તેમને ત્યાં જ રોકી રાખ્યા હતા. બપોરે આશરે 1:15 વાગ્યાની આસપાસ વિસનગર તરફથી નંબર પ્લેટ વગરની સફેદ રંગની કાર પૂરપાટ ઝડપે આવી પહોંચી હતી. કારચાલકે સચીનકુમારના એક્ટિવા પાસે આવીને અચાનક દરવાજો ખોલતા એક્ટિવા નીચે પડી ગયું હતું. આ સાથે જ કારમાંથી બે અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા અને પાટીદાર યુવતીની બૂમાબૂમ તથા વિરોધ છતાં તેને બળજબરીથી ખેંચીને કારમાં બેસાડી દીધી હતી. આ આખી ઘટના દરમિયાન ભાઈ જેનિલ પણ પોતાનું એક્ટિવા રસ્તા પર મૂકીને તે જ કારમાં બેસી ગયો હતો અને કાર વિસનગર તરફ ભાગી ગઈ હતી.

આ ઘટના બાદ પતિ સચીનકુમારે તાત્કાલિક વડનગર તાલુકા પોલીસ મથકે પહોંચી સાળા જેનિલ પટેલ અને કારમાં આવેલા 3 અજાણ્યા શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સચીનકુમારે  પ્રેમલગ્નની અદાવત રાખીને સાળાએ પૂર્વઆયોજિત કાવતરું ઘડી આ અપહરણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ વડનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.