જૂઈ પાર્થ
માર્ગીએ પગથી કળશને ઠેસ મારી અને ગૃહ પ્રવેશ કર્યો. ના, વહુ તરીકે નહીં પણ દીકરી તરીકે. આ ઘર એણે એનાં માતા- પિતા માટે લીધું હતું, પોતાના પૈસે! આ ઘરમાં એ એમની સાથે રહેવાની હતી, પતિથી અલગ માર્ગી એક મધ્યમવર્ગીય પરિવારની દીકરી હતી. રૂપિયો કમાતા અને બચાવતા સારી પેઠે જાણતી હતી. માર્ગીનાં પિતા નિવૃત્ત બેંક કર્મચારી અને માતા સરકારી શાળાનાં નિવૃત્ત શિક્ષિકા હતાં. જો કે પોતે એક મલ્ટીનેશનલ કંપનીનાં એચ. આર. વિભાગમાં ઊંચા પગારવાળી નોકરી કરતી હતી. આ પરિવારનું આજીવન કરકસર અને બચત જ લક્ષ્ય હતું. માર્ગીના ખૂબ વિરોધ પછી પણ પિતાએ દેવું કરીને એકની એક દીકરીને સારા ઘરમાં પરણાવી, કરિયાવરમાં બચત કરી વસાવેલું દસ તોલા સોનું, પચીસ જોડી કપડાં, જમાઈને બાઈક, કપડાં, દાગીનો બધું આપ્યું હતું. સાથે એમનાં પરિવારને મોટો વહેવાર કર્યો હતો. દીકરીએ ખૂબ ના પાડી હોવા છતાં પિતાએ મનમાન્યો વહેવાર કર્યો હતો.
લગ્નને માંડ પાંચ વર્ષ થયા હતાં અને માર્ગીનાં પિતાને પેરાલિસિસનો એટેક આવ્યો. સારવાર બાદ પણ એમનું જમણું અંગ ખોટું પડી ગયું. માર્ગીની માતાથી એકલીથી એમને સાચવવા શક્ય નહોતા. માટે બીમારીનાં સમયે માર્ગી એક મહિનો એનાં પિયર રહી. એકની એક દીકરી હોવાથી માર્ગી એકમાત્ર એમનો આધાર હતી. આ વાત માર્ગીનાં સાસુ-સસરા અને પતિને ખટકી ગઈ. એ લોકો માર્ગીને પિયરને લઈને મ્હેણા ટોણા મારવાનું શરૂ કર્યું. માર્ગીએ વચલો રસ્તો કાઢ્યો કે સોમથી શુક્ર સાસરે રહેશે અને શનિ-રવિ પિયરમાં રહેશે, પણ તબિયત થોડી દિવસ જોઈને બગડે છે? એક દિવસ અચાનક સોમવારે માર્ગીના પિતાની તબિયત બગડી અને માર્ગી દોડતી ઓફિસથી સીધી એના પિતા પાસે ગઈ અને પછી ડોક્ટરને બતાવવા ગઈ. સમય સચવાઈ ગયો. બાર મહિના ઘર, ઓફિસ, સાસરિયાની અપેક્ષા, સામાજિક વહેવારો, પિતાની તબિયત, હોસ્પિટલના ધક્કાની વચ્ચે હવે માર્ગી થાકી હતી તેમ છતાં ખેંચે રાખતી હતી. તો બીજી બાજુ સાસરિયાં તરફથી અણગમો, ટોણા અને દુર્વ્યવહાર વધી રહ્યા હતા. એક દિવસ તો સાસુ- સસરાએ માર્ગીને કહી જ દીધું કે પિયરમાં પડ્યા રહેવું હોય તો અમારા ઘરમાં પાછા આવવાની કોઈ જરૂર નથી. તારાં મા- બાપની જ સેવા કર્યા કર. પોતાનો પક્ષ મૂકવા જાય એ પહેલાં ગુસ્સામાં આવીને પતિ એને અપશબ્દો બોલ્યો અને હાથ ઉપાડવા ગયો. માર્ગી સમસમી ગઈ.
માર્ગી આધુનિક દુનિયાની પ્રગતિશીલ, સ્વમાની સ્ત્રી હતી. મહેણાં ટોણાં સાંભળવા, ઘરમાં કકળાટ કરીને રહેવું એનાં સ્વભાવમાં નહોતું. સંબંધ ટકી રહે એના માટે સાસરિયાં અને પતિ સાથે એણે ઘણા સમાધાન કર્યા હતાં, પણ ઘર માટે જ્યારે સાસુ- સસરાએ કહ્યું તો એ ખૂબ અસ્વસ્થ થઈ ગઈ. જે પરિવાર અને ઘર માટે એણે જાત ઘસી આટલા વર્ષો આપ્યાં એ ઘર એનું નથી એવો અનુભવ થયો. ઉપરથી પતિ હાથ ઉપાડે એ એની કલ્પના બહારનું હતું. એ દિવસે માર્ગી સાસરું છોડી પોતાનાં માતા- પિતા સાથે રહેવા જતી રહી. પતિ કે સાસુ - સસરાએ ક્યારેય એનો સંપર્ક ના કર્યો.
માર્ગી માટે આ અહંકાર નહીં પણ સ્વમાન માટેની લડત હતી. એણે ચાલુ નોકરી સાથે સેલ્ફ ગ્રુમિંગનાં વીકેન્ડ વર્કશોપ લેવાના ચાલુ કર્યા. એકલે હાથે પણ એની આવક અને બચત સારા એવા ભેગા કર્યા. પોતાની બચતમાંથી બે બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ લીધો જેમાં આજે એણે પોતાનાં માતા- પિતા સાથે ગૃહપ્રવેશ કર્યો અને આ ઘર એનું પોતાનું છે જેમાંથી એને કોઈ કાઢી નથી મૂકવાનું!
આ ફક્ત માર્ગીની નહીં પણ આપણા સમાજની ઘણી બધી દીકરીઓની વાત છે. પહેલાં પિતાનાં ઘરમા રહેવાનું અને પછી પતિનાં ઘરમાં. પોતાનું કહી શકે એવું એક ઘર નહીં. આ જ દીકરીએ વહુ બનીને પતિનાં માતા- પિતાને સાચવવાનાં પણ પોતાનાં માતા- પિતાને સાચવે તો પતિ, સાસરિયાં અને સમાજની ભમ્મરો ઊંચી થઈ જાય છે.
આપણા સમાજની વિશેષતા છે કે મા-બાપને દીકરો જ સાચવે. દીકરીએ માત્ર સાસરું સાચવવાનું, પિયરની જવાબદારી ભાઈ- ભાભીએ લેવાની તો પછી જે મા- બાપને દીકરીઓ જ હોય એમનું શું? દીકરો મા- બાપથી દૂર રહેતો હોય એમનું શું? વિચારવા માટે આ વિષય સંવેદનશીલ છે પરંતુ વિચાર માગી લે એવો છે.
દીકરા અને દીકરીનાં સમાન અધિકારની સાથે ફરજો પણ સમાન હોય. જે દીકરીને મા- બાપે પચીસ વર્ષ સાચવી એ દીકરી મા- બાપને જરૂર હોય ત્યારે એમને ના સાચવી શકે, કારણ કે સાસરામાંથી વિરોધ કરવામાં આવે છે એ કેટલી હદે યોગ્ય કહેવાય એનો વિચાર કરવો જ રહ્યો. દીકરીનાં માતા- પિતા લગ્ન પછી દીકરીનાં સાસરે એની સાથે રહી શકે કે નહીં એ દીકરી- જમાઈ કે દીકરીનાં સાસરાવાળા કરતાં સમાજને વધુ ખટકી જતું હોય એમ લાગે છે. અંદરોઅંદર સમજૂતીથી પરિવાર સાથે રહેવાનું પસંદ કરે તો ત્યારે સમાજ શું કહેશે જેવા પ્રશ્નો ઊભા થાય છે. જ્યારે જ્યારે દીકરીનાં મા- બાપને દીકરીની જરૂર પડે ત્યારે મા- બાપને સાચવવા એ દીકરીની જવાબદારી કે ફરજ નહીં પણ હક્ક ગણાય છે જેમાં કોઈ સાસરુ, સમાજ કે સગાનાં જજમેન્ટથી પરે છે. ઢળતી ઉંમરે માતા-પિતાની પડખે ઊભા રહેવાનો દીકરીનો અધિકાર અબાધિત છે અને હોવો જોઈએ! આ વિશે બોલો,
તમે શું કહો છો?