ભરત ભારદ્વાજ
રશિયા અને ઈરાન પાસેથી જંગી પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદનારા ભારત સહિતના દેશોમાંથી આવતા માલ પર તોતિંગ ટૅરિફ લાદવાની દાટી અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી આપી રહ્યા છે. રશિયા અને ઈરાન સાથે ઘરોબો રાખનારા દેશોને દબાવવા માટે ટ્રમ્પ ઊંચાનીચા થયા કરતા હતા પણ તેની સત્તા નહોતી તેથી થૂંક ઉડાડીને સંતોષ માનતા હતા.
અમેરિકી સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે રશિયા અને ઈરાન પાસેથી કુદરતી ગૅસ અને ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશોમાંથી આવતા માલ પર 100 ટકા સુધી ટૅરિફ લાદવાની પ્રમુખને સત્તા આપતું બિલ પસાર કરતાં હવે ટ્રમ્પ પાસે એ સત્તા આવતાં ટ્રમ્પ ચાબૂક વીંઝીને ભારત સહિતના દેશો પર 100 ટકા ટૅરિફનો વાર કરશે એવી ઘૂસપૂસ ચાલુ થઈ છે. લિન્ડસે ઓ ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026 હેઠળ ટ્રમ્પને રશિયાથી અમેરિકામાં આવતા રશિયન સામાન પર 500 ટકા સુધી ટૅરિફ લગાવવાની સત્તા પણ મળી છે.
અમેરિકાની સંસદ એટલે કે કૉંગ્રેસમાં સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ એમ બે ગૃહ છે. તેમાં સેનેટ આપણી રાજ્યસભાની જેમ ઉપલું જ્યારે હાઉસ લોકસભાની જેમ નીચલું ગૃહ મનાય છે. અમેરિકી સેનેટે ઓગસ્ટમાં આ બિલને 86-11 મતથી પસાર કરી દીધું હતું. હવે હાઉસે પણ 262 વિરુદ્ધ 159 મતે બિલને પસાર કરતાં તોતિંગ ટૅરિફ લાદવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. હવે અમેરિકાના પ્રમુખ એટલે કે ડોનલ્ડ ટ્રમ્પની સહી થશે એટલે આ કાયદો બની જશે ને આ કાયદા હેઠળ ડોનલ્ડ ટ્રમ્પ ભારત પર 100 ટકા સુધી ટેરિફ લગાવી શકે છે.
ભારતે આ કાયદા સામે સાવચેતીપૂર્ણ પ્રતિક્રિયા આપીને કહ્યું છે કે, ભારત માટે 150 કરોડ ભારતીયોની એનર્જીની જરૂરિયાતો અને ભારતમાં હિતો મહત્ત્વનાં છે. ભારત તેને ધ્યાનમાં રાખીને વર્તશે અને એ પ્રમાણે નિર્ણયો લેશે. ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે આપેલા નિવેદનમાં અમેરિકાના કાયદાનો ઉલ્લેખ છે પણ આ મામલે ભારત અમેરિકા સામે બાંયો ચડાવશે એવી કોઈ સીધી વાત નથી પણ ભારતે આડકતરી રીતે કહી દીધું છે કે, અમેરિકાને જે કાયદો બનાવવો હોય એ બનાવે જે કરવું હોય એ કરે, અહીં તો એક, બે ને સાડા ત્રણ. ભારત પોતાની જરૂરિયાતો પ્રમાણે જ વર્તશે. ભારતીય નાગરિકોને પેટ્રોલ સહિતનાં બળતણ મળતાં રહે તેના સિવાય અમારા માટે કશું મહત્ત્વનું નથી.
ભારત સરકારનું વલણ એકદમ યોગ્ય છે કેમ કે અમેરિકા પોતાનાં હિતોની ચિંતા કરીને વર્તતું હોય તો ભારત પણ પોતાનાં હિતોની ચિંતા કરે જ ને ? આપણે એક સ્વતંત્ર ને સાર્વભૌમત્વ દેશ છીએ તેથી આપણને આપણાં હિતોની ચિંતા કરીને કોની સાથે કેવા સંંબંધો રાખવા, કોની સાથે આર્થિક વ્યવહારો કરવા તેનો અધિકાર છે જ. ભારત એ અધિકારનો ઉપયોગ કરીને વર્તે એ યોગ્ય જ છે. નરેન્દ્ર મોદી સરકાર એ જ વલણ અપનાવી રહી છે તેથી તેને ટેકો આપવો જ જોઈએ.
ટ્રમ્પે હજુ 100 ટકા ટૅરિફની ચાબૂક ચલાવી નથી કેમ કે ટ્રમ્પ પાસે એ સત્તા નથી. હવે બિલ પર ટ્રમ્પે જ સહી કરવાની છે તેથી બહુ જલદી કાયદો બની જ જશે એ સંજોગોમાં એકાજ અઠવાડિયામાં જ ભારત પર 100 ટકા ટૅરિફ ઠોકી બેસાડાય એ શક્ય છે. એક અટકળ એવી છે કે, ટ્રમ્પ ભારત પર ટૅરિફ નહીં લાદે પણ અમેરિકા-ભારત વ્યાપાર કરારમાં ભારતનું કાંડું આમળવા માટે આ કાયદાનો ઉપયોગ કરશે. ભારત પર 100 ટકા ટૅરિફ નહીં લાદવાની શરતે અમેરિકન કંપનીઓને ફાયદો થાય એવો વ્યાપાર કરાર કરાવડાવશે. અમેરિકાની કૃષિ અને ડેરી કંપનીઓને ભારતમાં મોકળું મેદાન આપવા સહિતની શરતો સ્વીકાર કરવા માટે મજબૂર કરવા ટ્રમ્પ આ કાયદાનો ઉપયોગ કરશે.
ટ્રમ્પની નીચ માનસિકતા જોતાં આ અટકળ સાચી હોઈ શકે છે પણ ભારત સરકારનું અત્યાર લગીનું વલણ અમેરિકાની શરતે વ્યાપાર કરાર નહીં કરવાનું રહ્યું છે. ભારત અમેરિકા સાથે વ્યાપાર કરવા તૈયાર છે પણ તેમાં ભારતીય કંપનીઓનાં હિતોને નુકસાન ના થાય એ મુખ્ય શરત છે. ભારત સરકાર આ વલણ પર મક્કમ રહે તો ટ્રમ્પ અકળાઈને 100 ટકા ટૅરિફ લાદી દે એવું બને. તેના કારણે ભારતની અમેરિકામાં થતી નિકાસ પર અસર પડી શકે ને આર્થિક ફટકો પડે પણ એ બધા સંજોગો માટે લોકોએ તૈયાર રહેવું પડે.
અમેરિકાના 100 ટકા ટૅરિફની સીધી અસર ભારતના ટેક્સટાઇલ, જેમ્સ-જ્વેલરી, એન્જિનિયરિગ ગુડ્સ, લેધર, દરિયાઈ ઉત્પાદનો, કેમિકલ્સ વગેરે ઉદ્યોગો પર પડશે કેમ કે ભારત અત્યારે બહુ મોટા પ્રમાણમાં આ ચીજો અમેરિકામાં ઠાલવે છે. 100 ટકા ટૅરિફ લદાય તેથી ભારતીય સામાન અમેરિકામાં અતિશય મોંઘો થઈ જાય. સ્વાભાવિક રીતે જ અમેરિકન ખરીદદારો સસ્તા વિકલ્પ શોધવા માંડે ને તેની કમી નથી.
બાંગ્લાદેશ, વિયેતનામ, મેક્સિકો, ચીન સહિતના દેશો સસ્તો માલ આપે જ છે તેથી તેમની નિકાસ વધે. આપણું નુકસાન બીજાનો ફાયદો થાય જ પણ બીજાને ફાયદો ના થાય એટલા માટે અમેરિકાની દાદાગીરી સામે ઘૂંટણ ટેકવી ના લેવાય. તેના બદલે લડી લેવું ને આપણા જ હિતોની ચિંતા કરવી એ વલણ યોગ્ય જ છે તેથી આ મુદ્દે સરકાર જે કંઈ કરે તેમાં આખો દેશ એક થઈને તેના પડખે ઊભો રહેવો જોઈએ. ભારત સરકાર તેનો સામનો કરવા તૈયાર હોવાનો સંકેત મળી રહ્યો છે ત્યારે લોકોએ તેમાં સાથ આપવો પડે.
આ બિલ પસાર થયા પછી ભારતે અમેરિકા સાથેના સંંબધો અંગે પણ વિચાર કરવો જરૂરી છે કેમ કે આ બિલ ભારતની મેથી મારવા માટે જ લવાયું હોવાનું લાગે છે. દુનિયાના ઘણા દેશો રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને કુદરતી ગૅસ ખરીદે છે પણ આ કાયદામાં અમેરિકાનાં હિતો સાચવવા માટે આવા મોટા ભાગના દેશોને એક યા બીજા બહાને 100 ટકા ટૅરિફના દાયરામાંથી બહાર રખાયા છે.
ઉદાહરણ તરીકે રશિયા પાસેથી કુદરતી ગેસ ખરીદનારા ચીન, ફ્રાન્સ, જાપાન, હંગેરી અને બેલ્જિયમ પર 100 ટકા ટૅરિફ નહીં લાગે. એ જ રીતે 15 યુરોપિયન દેશોને પણ આ 100 ટકા ટૅરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. ટ્રમ્પનું કહેવું છે કે, જે દેશો રશિયાની કુલ કુદરતી ગૅસ નિકાસના 15 ટકાથી ઓછો ગૅસ આયાત કરે છે અને રશિયા પરની નિર્ભરતા ઘટાડવાની દિશામાં પગલાં લઈ રહ્યા છે, તેમને છૂટ અપાઈ છે.
હવે ચીન, ફ્રાન્સ કે યુરોપના બીજા દેશોને મુક્તિ અપાઈ તો રહ્યું કોણ ? ભારત જ રહ્યું ને ? મતલબ કે, ભારતને દબાવા કે ડરાવવા આ કાયદો બનાવાયો છે. હવે ટ્રમ્પને ભારત માટે આવો જોરદાર પ્રેમ હોય તો આપણે પણ તેનો જવાબ પ્રેમથી આપવો જોઈએ કે નહીં?