નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે સતત ત્રણ અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે હવે આ યુદ્ધની અસર ભારતમાં પેટ્રોલના ભાવ પર પડ્યો છે. જેમાં ઓઇલ કંપનીઓ પ્રીમિયમ ગ્રેડ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા 2.30 નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાની પેટ્રોલ ડીલરોએ પુષ્ટિ કરી છે. આ કિંમતો હાલમાં ફક્ત પાવર પેટ્રોલ પર જ લાગુ થશે. જ્યારે સામાન્ય પેટ્રોલના ભાવમાં હજુ સુધી કોઇ વધારો કરવામાં આવ્યો નથી.
ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર હુમલાઓ બાદ ઇરાને પણ બદલો લેવા કતર અને યુએઇ સહિતના દેશોમાં હુમલો કર્યો છે. જેના પગલે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર પહોંચી ગયો છે. જ્યારે ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના આશરે 88 ટકા આયાત કરે છે. દેશ માટે વૈશ્વિક ભાવમાં વધારો અર્થતંત્ર પર દબાણ ઉભું કરે છે.
ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર સ્થગિત કરી દેવામાં આવી
આ યુદ્ધ ફાટી નીકળ્યા બાદ ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર સ્થગિત કરી દેવામાં આવી છે. આ યુદ્ધ પૂર્વે આશરે 15 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ અને 5 મિલિયન બેરલ ઓઇલ ઉત્પાદનો સામાન્ય રીતે આ સ્ટ્રેટમાંથી દરરોજ પસાર થતા હતા .જે વૈશ્વિક ક્રૂડ ઓઇલના વપરાશના આશરે 20 ટકા હિસ્સો ધરાવે છે. ભારતની ક્રૂડ ઓઇલ આયાતનો અડધો ભાગ તેની ગેસ આયાતનો 40 ટકા અને તેના LPG પુરવઠાનો 85-90 ટકા આ જ માર્ગ દ્વારા પરિવહન કરવામાં આવતો હતો. જેના લીધે ભારત માટે ચિંતામાં વધારો થયો છે.