(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ઈરાન બે સપ્તાહના યુદ્ધવિરામ માટે સહમત થવાની સાથે કાયમી ધોરણે યુદ્ધવિરામ થાય તે માટે વાટાઘાટો કરવા તૈયાર થયાના પ્રોત્સાહક અહેવાલ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ વધીને ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા તેમ જ ચાંદીના ભાવમાં 5.6 ટકા જેટલો ઉછાળો આવી ગયો હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં તેજીનો કરંટ જોવા મળ્યો હતો, જેમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 13,160નો ઉછાળો આવ્યો હતો અને સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 3322થી 3335 ઝળક્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 13,160ના ઉછાળા સાથે રૂ. 2,44,041ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી જોવા મળી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. જોકે, વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 3322 વધીને રૂ. 1,50,516 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 3335 વધીને રૂ. 1,51,121ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે એક તબક્કે ત્રણ ટકા વધીને ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે 1.7 ટકા વધીને આૈંસદીઠ 4783.78 ડૉલર અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 2.7 ટકા વધીને 4812.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 5.6 ટકાની તેજી સાથે આૈંસદીઠ 77.02 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આજે જણાવ્યું હતું કે હોર્મુઝ રૂટ મારફતે તેલ અને ગૅસનો પુરવઠો વિક્ષેપિત ન થાય તેવી શરત સાથે બે સપ્તાહના યુદ્ધ વિરામ માટે ઈરાન સાથે સમજૂતી થઈ હતી. જોકે, આ સમજૂતી છતાં ઈરાનની લાવાન ટાપુ પરની રિફાઈનરીને લક્ષ્યાંક બનાવવામાં આવી હતી.યુદ્ધવિરામની જાહેરાત પશ્ચાત્ વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં 13 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ બેરલદીઠ 100 ડૉલરની અંદર ઊતરી ગયા હોવાથી ફુગાવો વધવાની ભીતિ હળવી થવાની સાથે ડૉલર ઈન્ડેક્સ પણ નબળો પડતાં સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ રહેતા ફુગાવામાં વધારાની ચિંતા સપાટી પર આવી હોવાથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 10 ટકા જેટલો ઘટાડો આવી ગયો હતો. વધુમાં આજના યુદ્ધ વિરામના પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ વર્ષ 2026માં વ્યાજદરમાં ઓછામાં ઓછો એક વખત ઘટાડો કરે તેવી 43 ટકા શક્યતા મૂકી રહ્યા છે.