Mon Jul 27 2026

Logo

ઈરાન પર હુમલાનો પ્લાન ટ્રમ્પના ટેબલ પર, મંજુરીની રાહ! જાણો ક્યારે થઇ શકે છે હુમલો

Washington DC   2026-02-19 10:33:00
Author: Savan Zalariya
Article Image

વોશિંગ્ટન ડીસી: એક તરફ સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં યુએસ અને ઈરાન અધિકારીઓ પરમાણુ કરાર અંગે વાટાઘાટો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ બંને દેશો વચ્ચે લશ્કરી તણાવ સતત વધી રહ્યો છે. યુએસએ બે વિમાન વાહક જહાજોને તેના સ્ટ્રાઈક ગ્રુપ સાથે મધ્યપૂર્વ તરફ રવાના કર્યા છે, આ ઉપરાંત 50 જેટલા યુએસ ફાઈટર પણ ઉડ્યા છે. એવામાં અહેવાલ છે કે યુએસ આ અઠવાડિયાના અંત સુધીમાં ઈરાન પર લશ્કરી હુમલો કરી શકે છે. 

યુએસ મીડિયા અહેવાલો અનુસાર  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ ઈરાન હુમલાની સંપૂણ યોજના રજુ કરવામાં આવી છે, રાષ્ટ્રપતિએ હજુ સુધી હુમલાની યોજનાને મંજુરી આપી નથી, પરંતુ યુએસના સશસ્ત્ર દળોએ હુમલાની તૈયારીઓ શરુ કરી દીધી છે. 

ટ્રમ્પ હજુ મૂંઝવણમાં!
યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે જેહેરમાં ઈરાનને સતત ચેતવાણી આપી રહ્યા છે, પરંતુ અહેવાલ મુજબ તેનો હજુ ઈરાન પર હુમલા અંગે હજુ સુધી સ્પષ્ટ નથી, તેમણે અધિકારીઓ સાથે ચર્ચા દરમિયાન ઈરાન પર લશ્કરી કાર્યવાહીની તરફેણમાં અને વિરુદ્ધ એમ બંને તરફે દલીલો કરી રહ્યા છે, ઈરાન પર લશ્કરી હુમલાના દરેક સંભવિત પરિણામોને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે.

સિક્યોરિટી ઓફિસર્સની બેઠક:
યુએસની અગ્રણી મીડિયા સંસ્થાના જણાવ્યા મુજબ બુધવારે વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં યુએસના ટોચના નેશનલ સિક્યોરિટી ઓફિસર્સની એક બેઠક યોજાઈ હતી, જેમાં ઈરાનની સ્થિતિ પર ચર્ચા  કરવામાં આવી હતી. ટ્રમ્પ અઠવાડિયામાં અંત સુધીમાં કોઈ નિર્ણય લેશે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ યુએસ સેનાને તૈયારી શરુ કરી છે.

વ્હાઇટ હાઉસે શું કહ્યું?
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટને ઈરાન પર સંભવિત હુમલા અંગે પુછવામાં આવતા તેમણે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું, "ઈરાન પર હુમલો કરવા માટે ઘણા કારણો અને દલીલો આપી શકાય છે, રાષ્ટ્રપતિ તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમની સલાહને આધારે નિર્ણય લેશે.”

યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ્સ માર્કો રુબિયો 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયલના પ્રવાસે જવાના છે, તેઓ  ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરશે અને તેમને ઈરાન સાથેની વાટાઘાટો અંગે જાણકરી આપશે.

મંગળવારે જીનીવામાં ઈરાની અને યુએસના અધિકારીઓએ લગભગ સાડા ત્રણ કલાક સુધીચર્ચા કરી હતી, જોકે આ વાટાઘાટોનું કોઈ પરિણામ આવી શક્યું નથી. ઈરાનના અધિકારીએ જણાવ્યું કે બને પક્ષો કેટલાક ગાઇડિંગ પ્રિન્સિપલ્સ પર સંમત થયા છે, જોકે યુએસ અધિકારીએ કહ્યું કે હજુ પણ ઘણી વિગતો પર ચર્ચા કરવાની બાકી છે.