Wed Aug 19 2026

Logo

એક લાખ રૂપિયાની કિંમતની ભેંસ ચોરાતાં માલિકે કરી વિચિત્ર માંગ! કહ્યું કે સાચો માલિક સાબિત...

2026-08-05 18:28:38
Author: Darshana Visaria
Article Image

રાજસ્થાનના સિરોહી જિલ્લાના રેવદર સબ-ડિવિઝનમાં આવેલા સાલોતરા ગામમાંથી એક અત્યંત અનોખો અને અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક પશુપાલકે પોતાની અંદાજે રૂપિયા એક લાખની કિંમતની ભેંસ ચોરાઈ ગઈ હોવાનો આરોપ લગાવ્યો છે. પોતાની ચોરાયેલી ભેંસ પાછી મેળવવા માટે પશુપાલકે એવી શરત મૂકી છે, જે સાંભળીને પોલીસ અને સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. પશુપાલકે દાવો કર્યો છે કે તે ભેંસ પોતાની જ છે તે વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા માટે ડીએનએ ટેસ્ટનો તમામ ખર્ચ પણ પોતે ઉઠાવવા તૈયાર છે. ચાલો જાણીએ આ ઘટના વિશે...

સાલોતરા ગામના નિવાસી સોદારામે જિલ્લા પોલીસ વડાને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ચોરાયેલી ભેંસની મા હાલમાં પણ તેની પાસે હયાત છે. તેથી જો તેની ચોરાયેલી ભેંસ અને તેની પાસે રહેલી ભેંસનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે તો વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ જશે કે તે ભેંસ તેની જ છે. પશુપાલકે આ ટેસ્ટનો તમામ ખર્ચ પોતાની ગજવામાંથી આપવાની તૈયારી દર્શાવી છે.

પીડિત સોદારામે આરોપ મૂક્યો છે કે આરોપીઓ તેની પત્ની સામેથી જ બળજબરીપૂર્વક ભેંસને હાંકીને લઈ ગયા હતા. જ્યારે તેની પત્નીએ રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ તેની સાથે ઝપાઝપી કરી, ગાળો આપી અને દુર્વ્યવહાર કર્યો હતો. પીડિતે વધુમાં એવું પણ જણાવ્યું કે જ્યારે પણ તે પોતાની ભેંસ પાછી માંગવા જાય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને તેના પર હુમલો કરવા છે. 

સોદારામે જણાવ્યું હતું કે ચોરાયેલી ભેંસ પાંચ વર્ષની છે અને તે ગર્ભવતી છે અને બજારમાં તેની કિંમત આશરે એક લાખ રૂપિયા જેટલી છે. આ પહેલાં રેવદર પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ પોલીસે તેની એફઆઈઆર નોંધવાનો ઈનકાર કરી દીધો હતો. આથી કંટાળીને તેણે એસપી (SP)ને લેખિત રજૂઆત કરીને ગુનો નોંધીને ભેંસ પરત અપાવવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.