Wed Jun 17 2026

Logo

ટ્રમ્પનું ઈરાન પર મોટું નિવેદન, જણાવી દીધું ક્યારે પૂરી થશે આ જંગ

Washington DC   2026-03-18 08:29:00
Author: Mumbaisamachar Team
Article Image

વોશિંગ્ટન ડીસી: પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ઈરાન પર કરવામાં આવી રહેલા સૈન્ય હુમલાઓનો અત્યારે અંત આવશે નહીં. વ્હાઈટ હાઉસ ખાતેથી મીડિયાને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકાનું લક્ષ્ય માત્ર હુમલો કરવાનું નથી, પરંતુ ઈરાનને એવી રીતે નબળું પાડવાનું છે કે ભવિષ્યમાં કોઈ પણ અમેરિકી રાષ્ટ્રપતિને ફરીથી આવા ખતરાનો સામનો ન કરવો પડે. ટ્રમ્પના મત આ કાર્યવાહી લાંબા ગાળાની સુરક્ષા માટે અનિવાર્ય છે. 

ટ્રમ્પે આ યુદ્ધ પાછળનું મુખ્ય કારણ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે અમે દુનિયાને જોખમમાં મૂકી શકીએ નહીં, ખાસ કરીને "અસ્થિર" વિચારધારા ધરાવતા લોકોના હાથમાં પરમાણુ હથિયારો ક્યારેય ન હોવા જોઈએ. ટ્રમ્પના દાવા મુજબ, જો અમેરિકાએ અત્યારે સૈન્ય કાર્યવાહી ન કરી હોત, તો ઈરાન માત્ર બે અઠવાડિયામાં જ પરમાણુ ક્ષમતા પ્રાપ્ત કરી લેત. આ હુમલાઓ દ્વારા ઈરાનની સૈન્ય શક્તિને એટલી હદે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કે તેને ફરી બેઠા થતા ઓછામાં ઓછા 10 વર્ષ લાગી શકે છે.

રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જંગ અમેરિકા અને તેના સહયોગી દેશોના પક્ષમાં જઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે અમેરિકી હુમલાઓએ ઈરાનની લડવાની ક્ષમતાને તોડી નાખી છે અને અપેક્ષા કરતા વધુ સારા પરિણામો મળ્યા છે. ટ્રમ્પના મતે ઈરાનનું નેતૃત્વ અત્યારે ભારે મૂંઝવણમાં છે, કારણ કે અનેક વરિષ્ઠ અધિકારીઓના મોત બાદ હવે વાતચીત કરવા માટે કોઈ સ્પષ્ટ પક્ષ રહ્યો નથી. તેમણે આ અભિયાનને એક 'ટૂંકા ગાળાનું ઓપરેશન' ગણાવ્યું હતું, જે થોડા અઠવાડિયામાં પૂર્ણ થઈ શકે છે.

જોકે ટ્રમ્પે હુમલાઓ ચાલુ રાખવાની વાત કરી છે, પણ તેમણે સૈન્ય વાપસી માટે કોઈ ચોક્કસ તારીખ આપી નથી. તેમણે એટલું જરૂર કહ્યું કે અમેરિકા લાંબો સમય ત્યાં રોકાશે નહીં અને ખૂબ જ જલ્દી પરત ફરશે. આ દરમિયાન તેમણે નાટો (NATO) દેશોની આકરી ટીકા પણ કરી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રાખવા માટે અમેરિકાએ મદદ માંગી હતી, પરંતુ નાટો દેશોએ સાથ આપવાનો ઇનકાર કરી દીધો. આ બાબતે ટ્રમ્પે પોતાની નારાજગી વ્યક્ત કરતા મિત્ર દેશોની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા.