ભરત ભારદ્વાજ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અત્યાર લગી છાસ લેવા જવી ને દોણી સંતાડવી જેવું કરીને ઈરાન પર હુમલાના મુદ્દે જુદાં જુદાં બહાનાં બતાવ્યા કરતા હતા. તેનું મુખ્ય બહાનું એ હતું કે, ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે તેના કારણે દુનિયા પર મોટો ખતરો છે. એ સિવાય ઈરાનના કટ્ટરવાદી શાસકો લોકો પર અત્યાચારો કરીને માનવાધિકારોનો ભંગ કરી રહ્યા છે ને ઈરાન આતંકવાદીઓને પોષીને મિડલ ઈસ્ટમાં હિંસા અને અરાજકતા ફેલાવી રહ્યું હોવા સહિતનાં બહાનાં પણ ટ્રમ્પ આપ્યા કરતા હતા.
હવે ટ્રમ્પે બધી શરમ છોડી દીધી છે અને હૈયાની વાત હોઠ પર લાવી દીધી છે. ટ્રમ્પે સ્વીકાર્યું છે કે, ઈરાનના ક્રૂડ ઓઈલ પર કબજો કરવા માટે પોતે હુમલો કર્યો છે અને ઈરાન અમેરિકાની વાત નહીં માને તો ઈરાનીઓ પાસે પોતાનો દેશ જ નહીં બચે, મતલબ કે અમેરિકા તેમને નેસ્તનાબૂદ કરી દેશે.
અમેરિકામાં ટ્રમ્પ સામે ’નો કિંગ્સ’ ચળવળ હેઠળ ઉગ્ર દેખાવો કરનારાને પણ ટ્રમ્પે આડે હાથ લઈને મૂર્ખ ગણાવ્યા છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે, અમેરિકામાં કેટલાક લોકો ઈરાન પર હુમલા બદલ મારી સામે સવાલો કરી રહ્યા છે પણ એ બધા મૂર્ખ છે. ટ્રમ્પે એવી ફિશિયારી પણ મારી છે કે, ઈરાનના ક્રૂડના ભંડારો પર કબજો કરવા માટે અમેરિકા પાસે ઘણા વિકલ્પો છે.
ટ્રમ્પે ઈરાનને અમેરિકાની દરખાસ્ત સ્વીકારીને સમાધાન કરી લેવાની સલાહ આપીને ધમકી આપી છે કે, અમેરિકા આ વિકલ્પો અજમાવશે તો ઈરાનીઓ દેશ વિનાના થઈ જશે. ટ્રમ્પના કહેવા પ્રમાણે તો ખર્ગ ટાપુ પર કબજો કરવો અમેરિકા માટે ડાબા હાથનો ખેલ છે. કેમ કે આ ટાપુ પર ઈરાની કોઈ કિલ્લેબંધી નથી.
ખર્ગ ટાપુ પર્શિયન ગલ્ફમાં આવેલો છે. બુશેહર પ્રાંતનો ભાગ એવો આ ટાપુ ઈરાનના કિનારે સૌથી વ્યૂહાત્મક સ્થળ મનાય છે. ઈરાનની આર્થિક જીવાદોરી જેવા ખર્ગ ટાપુ પરથી ઈરાન પોતાનું મોટા ભાગનું ક્રુડ ઓઈલ બીજા દેશોમાં મોકલે છે. ઈરાનની ક્રૂડની નિકાસમાંથી લગભગ 90 ટકા ક્રૂડ ઓઈલની નિકાસ ખર્ગ ટાપુ પરથી થાય છે. ઈરાને ખર્ગ ટાપુ પર તોતિંગ ક્રૂડ ઓઈલ સ્ટોરેજ અને ટર્મિનલ સુવિધાઓ છે. આ ટાપુ પર 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ સંગ્રહવાની ક્ષમતા ઉભી કરાઈ છે. એક બેરલમાં 160 લિટર ક્રૂડ હોય એ જોતાં એકલા ખર્ગ ટાપુ પર જ ઈરાન લગભગ 500 કરોડ લિટર ક્રૂડ રાખી શકે છે. તેના પરથી જ આ ટાપુ ઈરાન માટે કેટલો મહત્ત્વનો છે એ સ્પષ્ટ થઈ જાય.
ટ્રમ્પ દાવો કરે છે કે, આ ટાપુ માટેની સુરક્ષા એટલી મજબૂત નથી એ જોતાં અમેરિકા માટે તેના પર કબજો કરવો ડાબા હાથનો ખેલ છે. આ વાત સાચી હોય તો અત્યાર લગી ટ્રમ્પે ખર્ગ ટાપુ પર કબજો કેમ ના કર્યો ? ઈરાનને એક જ ફટકો મારીને ઘૂંટણિયે પાડી શકાય તેમ હોય તો ટ્રમ્પ ક્યા મૂરતની રાહ જુએ છે ? ટ્રમ્પે બધી શરમ છોડીને હવે તો કબૂલી જ લીધું છે કે, પોતાનો ડોળો ઈરાનના ક્રૂડ ઓઈલ પર છે તો પછી ટ્રમ્પ ખર્ગ ટાપુને જીતીને યુદ્ધનો અંત કેમ લાવી દેતા નથી ? આ સવાલોનો જવાબ એક જ છે કે, ટ્રમ્પ કોઈ મૂરતની રાહ નથી જોઈ રહ્યા પણ ટાઢા પહોરની હાંકી રહ્યા છે.
ઈરાનને બિવડાવવા માટે અને અમેરિકામાં પોતાનો વટ વધારવા માટે ટ્રમ્પ આ ફેંકાફેંકી કરી રહ્યા છે. બાકી 1980ના દાયકામાં થયેલા યુદ્ધમાં પણ ઈરાન પાસેથી ખર્ગ ટાપુ આંચકી લેવામાં અમેરિકા સફળ નહોતું થયું. એ વખતે અમેરિકાના પીઠ્ઠુ સદ્દામ હુસૈનના ઈરાકી લશ્કરે ખર્ગ ટાપુ પર બહુ હુમલા કરેલા. તેમાં ટાપુને ભારે નુકસાન થયેલું પણ સદ્દામ ખર્ગ ટાપુ જીતવામાં સફળ નહોતો થયો. 1980-88થી 1988 સુધી ચાલેલા ઈરાક સામેના યુદ્ધમાં થયેલા નુકસાનને પચાવીને ઈરાને આ ટાપુને અભેદ્ય બનાવી દીધો છે. બાકી અત્યાર લગી અમેરિકાએ આ ટાપુ પર કબજો કરી લીધો હોત.
ખેર, મૂળ વાત ટ્રમ્પની દાનતની છે તેથી તેના પર પાછા ફરીએ. ટ્રમ્પે ઈરાનના ક્રૂડના ભંડારો પર પોતાનો ડોળો હોવાનું છતું કરીને સ્પષ્ટ કરી દીધું છે કે, અમેરિકા ભલે ગમે તેટલી ડાહી ડાહી વાતો કરે અને દુનિયાની ભલાઈનો ડોળ કરે પણ તેને પોતાના સિવાય કોઈની ભલાઈમાં રસ નથી, પોતાનો સ્વાર્થ સાધવા માટે એ ગમે તે હદે જઈ શકે છે. પોતાનો સ્વાર્થ સાધવા માટે ટ્રમ્પ અને તેમની ટોળીએ ઈરાનનાં પરમાણુ શસ્ત્રોનો હાઉ ઉભો કરી દીધો ને તેના કારણે દુનિયાને ડરાવી રહ્યું છે પણ અમેરિકાને ઈરાન પરમાણુ શસ્ત્રો રાખે કે ના રાખે તેનાથી કોઈ જ ફરક પડતો નથી.
અમેરિકાને એવો ફરક પડતો હોય તો પાકિસ્તાનને શું કરવા આળપંપાળ કરે ? ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો છે કે નહીં એ સ્પષ્ટ નથી ને કોઈ તબક્કે આ વાત સાબિત પણ થયેલી નથી જ્યારે પાકિસ્તાન તો સત્તાવાર રીતે પરમાણુ શસ્ત્રો ધરાવે છે. ટ્રમ્પ ઈરાનમાં કટ્ટરવાદીઓ હાવી થઈ રહ્યા હોવાની વાતો કરે છે પણ પાકિસ્તાનની વાત નથી કરતા કે જ્યાં આર્મી પોતે જ આતંકવાદીઓ સાથેની સાંઠગાંઠમાં કામ કરે છે.
હવે આતંકવાદીઓ પાસે પરમાણુ શસ્ત્રો જવાનો ખતરો હોય એ મોટો ખતરો કહેવાય કે એક દેશ પરમાણુ શસ્ત્રો વિકસાવવા મથે એ ખતરો કહેવાય ? ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવામાં મદદ પણ પાકિસ્તાને જ કરી છે છતાં અમેરિકા પાકિસ્તાનને કંઈ કહેતું નથી ને ઈરાન પર હુમલો કરી દીધો છે.
ઈરાને પરમાણુ શસ્ત્રો વિકસાવ્યાં એ સાબિત નથી થયું પણ વિકસાવ્યાં હોય તો તેમાં કશું ખોટું નથી. જે રીતે ભારતે પોતાની સુરક્ષા માટે પરમાણુ શસ્ત્રો વિકસાવ્યાં એ રીતે ઈરાન પણ વિકસાવી જ શકે કેમ કે ભારત અને ઈરાનની પરિસ્થિતિમાં બહુ ફરક નથી. ભારત હિંદુઓનો એક માત્ર દેશ છે અને ચારે બાજુ ડાઘિયા કૂતરા જેવા પાડોશીઓથી ઘેરાયેલો છે એ રીતે ઈરાન પણ દુનિયામાં શિયા મુસ્લિમોનો એક માત્ર દેશ છે ને તેની ચોતરફ દુશ્મનો જ દુશ્મનો છે.
આપણે ત્યાં બધા મુસ્લિમો સરખા ગણાય છે તેથી ઈરાનને સૌ બીજા મુસ્લિમ દેશો જેવો જ માને છે પણ આ માન્યતા બદલવા જેવી છે. કટ્ટરવાદી સુન્ની મુસ્લિમો હિંદુઓને પોતાના દુશ્મન ગણે છે એ રીતે શિયાઓને પણ દુશ્મન માને છે ને તેમનો સફાયો કરી નાખવા ઊંચાનીચા થાય છે તેથી ઈરાને પોતાની સુરક્ષા માટે પણ પરમાણુ શસ્ત્રો વિકસાવવાં જ પડે.