Sun Sep 27 2026

Logo

ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાશે, આ 12 રાજ્યોમાં વરસાદનું છે એલર્ટ

2026-04-09 08:27:00
Author: Mayur Patel
ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાશે, આ 12 રાજ્યોમાં વરસાદનું છે એલર્ટ

 

અમદાવાદ/નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે દેશના ખેડૂતો માટે રાહતભર્યા સમાચાર આપ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના કારણે ઉત્તર-મધ્ય ભારતમાં થઈ રહેલો કમોસમી વરસાદ બંધ થશે. આઈએમડી મુજબ લોકોએ આ સપ્તાહે કાળઝાળ ગરમીમાં શેકાવું નહીં પડે. જોકે આગામી દિવસોમાં તાપમાનનો પારો ઊંચકાશે. ગુજરાતમાં 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ ખાસ બદલાવ નહીં થાય. 9 થી 14 એપ્રિલ સુધી 2 - 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધશે. મહારાષ્ટ્રમાં 11 એપ્રિલ સુધી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. 12 થી 14 એપ્રિલ દરમિયાન કોઈ ખાસ બદલાવ નહીં થાય.

ભારતીય હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન સહિત 12 રાજ્યોમાં આંધી-વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. અનેક રાજ્યમાં 85 કિમીને ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી છે. દિલ્હીમાં આજે હવામાન સ્વચ્છ રહેશે. મહત્તમ 31 ડિગ્રી અને ન્યૂનતમ 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે ઉત્તર પ્રદેશમાં આંધી-વરસાદની સાથે કરાનું એલર્ટ છે. કેટલાકવિસ્તારમાં 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 11 એપ્રિલે પણ કઈંક આવું જ વાતાવરણ રહેવાનો અંદાજ છે. બિહારમાં પણ આજે આંધી-વરસાદની સાથે વીજળીનું એલર્ટ છે, દરભંગા, મધુબની, વૈશાલી, સિવાન સહિત આસપાસના જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે.

રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ  વરસાદ પડી શકે છે. આઈએમડી મુજબ 9 એપ્રિલથી 4-5 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે.  મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્કુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. 10 એપ્રિલે વાતાવરણ શુષ્ક રહેશે, 11 એપ્રિલથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ વેસ્ટ રિજનમાં સક્રિય થશે. જેની અસર મધ્ય પ્રદેશમાં જોવા મળશે.

ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં આજે હળવો વરસાદ અને બરફવર્ષા થશે. જ્યારે મેદાની વિસ્તારોમાં તડકો નીકળશે. 9 એપ્રિલે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની આગાહી છે. આ દરમિયાન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

હિમાચલ પ્રદેશમાં આજે ગાજ વીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે. તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, કટેલીક જગ્યાએ ગાજવીજ અને વીજળી પડવાની આશંકા છે. 

પૂર્વોત્તર ભારતના આસામ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને સિક્કિમમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા છે. અરૂણાચલ પ્રદેશમાં 9 થી 12 એપ્રિલ, આસામ અને મેઘાલયમાં 9 અને 10 એપ્રિલ, ત્રિપુરામાં 9 એપ્રિલે છૂટાછવાયાથી ભારે વરસાદની સંભાવના છે.