Tue Oct 06 2026

Logo

CEC વિવાદ વચ્ચે ચૂંટણી પંચની હાઈ-લેવલ મીટિંગ: SIR સહિત આટલી બાબતોમાં સુધારા?

2026-09-26 19:17:56
Author: Devayat Khatana
CEC વિવાદ વચ્ચે ચૂંટણી પંચની હાઈ-લેવલ મીટિંગ: SIR સહિત આટલી બાબતોમાં સુધારા?

નવી દિલ્હી: દેશમાં મુખ્ય ચૂંટણી કમિશનર પર કથિત રીતે અન્ય કમિશનરોની ભલામણને નજર અંદાજ કરવાના ગંભીર આક્ષેપો બાદ તેમના રાજીનામાને લઈને આંદોલન થઈ રહ્યા છે. તો બીજી તરફ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર તેમજ ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોષીએ આજે નવી દિલ્હી સ્થિત નિર્વાચન સદનમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે આંતરિક મતભેદો અને એસઆઈઆર (SIR) ના નિર્ણયોને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી હતી. બેઠક બાદ ત્રણેય ચૂંટણી કમિશનરોએ સંયુક્તપણે પ્રેસ રિલીઝ જારી કરીને ચૂંટણી પંચના આંતરિક કામકાજ અને મહત્વના નિર્ણયોની સત્તાવાર માહિતી આપી હતી. 

દિલ્હીમાં ચાલી રહેલી મતદાર યાદીની SIRને લઈને પંચે મોટો નિર્ણય લીધો છે. આયોગ દ્વારા દિલ્હીમાં એસઆઈઆર અંતર્ગત દાવા અને વાંધાઓ રજૂ કરવાની સમયમર્યાદા આગામી 30 ઓક્ટોબર 2026 સુધી લંબાવવામાં આવી છે, જ્યારે નોટિસો તેમજ દાવા-વાંધાઓના નિકાલની અંતિમ તારીખ 30 નવેમ્બર 2026  સુધી નિર્ધારિત કરવામાં આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ દાવા અને વાંધા દાખલ કરવાની મુદત 12 ઓક્ટોબર 2026 સુધી અને નિકાલની તારીખ 10 નવેમ્બર 2026  સુધી વધારવામાં આવી છે.

મતદારોની સરળતા માટે પંચે સ્પષ્ટ કર્યું છે કે વિસંગતતા કે નોટિસ પામેલા નાગરિકોએ ફરજિયાતપણે ERO કચેરીએ રૂબરૂ સુનાવણી માટે જવું પડશે નહીં. આ બાબતે BLO જાતે તે મતદારોના ઘરે જઈને દસ્તાવેજો એકત્ર કરશે અને તેને ECINet પર અપલોડ કરશે. માત્ર અસાધારણ કેસોમાં જ ઓનલાઇન સુનાવણી યોજાશે, જેમાં પરિવારના કોઈપણ પુખ્ત સભ્ય અધિકૃત રીતે ઉપસ્થિત રહી શકશે.   

તે ઉપરાંત  બેઘર, શ્રમિકો અને ગરીબો માટે જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા પૂરતી સંખ્યામાં હેલ્પ ડેસ્ક અને વિશેષ શિબિરોનું આયોજન કરવામાં આવશે. ચૂંટણી પંચે પુષ્ટિ કરી છે કે એસઆઈઆર માટે ફોર્મ-૬ સાથેનું ઘોષણાપત્ર સર્વોચ્ચ અદાલત દ્વારા માન્ય રાખવામાં આવ્યું છે.