Sun Sep 06 2026

Logo

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 17 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

2026-03-30 08:20:00
Author: Mayur Patel
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 17 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદ/નવી દિલ્હીઃ દેશભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 17 રાજ્યોમાં ગાજવીજ અને વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આજે અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

17 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે. આશરે 17 રાજ્યોમાં ભારે પવન, વરસાદ અને કરાની ચેતવણી આપી છે. અનેક રાજ્યોમાં 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.  હાલ દેશમાં અલગ અલગ હવામાન સિસ્ટમ સક્રિય છે. રાજસ્થાનથી મધ્ય ભારત સુધી ફેલાયેલી હવાઓની લાઈન, ઓડિશા અને આસામ પાસે  ચક્રવાત અને દક્ષિણ ભારતમાં બદલાતા વાતાવરણની અસર જોવા મળી રહી છે. આ કારણે અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે.

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય  હોવાથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ઉપરાંત જેટ સ્ટ્રીમનો ભારે પવન આ સિસ્ટમને વધારે મજબૂત બનાવી રહ્યો છે. આગામી 3 થી 5 દિવસ હવામાન આવું જ રહી શકે છે.

દિલ્હી-એનસીઆરમાં આગામી બે દિવસ હવામાન બદલાશે. આકાશમાં વાદળ છવાયેલા રહેશે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 30 થી 50 કિમીની ઝડરે પવન ફૂંકાશે. કેટલીક જગ્યાએ વીજળી પડશે અને કરા પણ પડી શકે છે. 

ઉત્તર પ્રદેશમાં 30 અને 31 માર્ચે વરસાદ, વાવાઝોડાનું એલર્ટ છે. હવાની ગતિ 40 થી 60 કિમી પ્રતિ કલાક રહી શકે છે. જેમાં વૃક્ષ ધરાશાયી, વીજળી પડવાની સંભાવના છે. 40થી વધારે જિલ્લામાં એલર્ટ અપાયું છે. બિહારમાં 31 માર્ચ થી 1 એપ્રિલ દરમિયાન ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળીપ ડવાની શક્યતા છે. 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવશે. કેટલીક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જ્યારે અમુક જગ્યાએ કરા પડવાની શક્યતા છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હવામાન વધારે ખરાબ રહી શકે છે. હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ, કાંગડા, મંડી અને ચંબામાં ભારે પવન અને વરસાદનું અલર્ટ છે. 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઊંચાણવાળા વિસ્તારમાં બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત થઈ શકે છે.

મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. વિદર્બ અને મરાઠાવાડામાં કરા પડી શકે છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળી પડવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે અસર જોવા મળશે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. 

આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં સતત વરસાદ પડી રહ્યો છે. કેટલીક ડગ્યાએ ભારે વરસાદથી ભૂસ્ખલનનો ખતરો છે. ભારે પવન અને વીજળી પડવાના કારણે લોકોને સતર્ક રહેવાની જરૂર છે.