Fri May 01 2026

Logo

ગુજરાત - મહારાષ્ટ્ર સહિત દેશના આ રાજ્યોમાં બદલાશે મોસમનો મિજાજ, જાણો  વિગત

2026-03-28 08:48:00
Author: MayurKumar Patel
Article Image

 

અમદાવાદ/નવી દિલ્હીઃ દેશભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે, જ્યારે મેદાની રાજ્યોમાં ભારે પવન અને વરસાદ શરૂ થયો છે.  પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં ભારે વરસાદ, કરા અને 70 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે ભારે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. 28 થી 30 માર્ચ સુધી દેશના અનેક હિસ્સામાં હવામાન અસ્થિર રહેવાનું અને તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળશે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગ અનુસાર,ગુજરાતમાં આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદના બે દિવસમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે.  તે પછી કોઈ મોટો ફેરફાર નહીં થાય. લઘુત્તમ તાપમાનમાં આગામી 7 દિવસ સુધી કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે. 29 માર્ટે બનાસકાંઠા અને કચ્ચના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ તથા 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 30 અને 31 માર્ચ દરમિયાન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર તેમજ કચ્છ જિલ્લાના છુટાછાવાયા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

મહારાષ્ટ્રમાં કેવો રહેશે મોસમનો મિજાજ

મહારાષ્ટ્રમાં માર્ચના અંતમાં હીટ વેવ  અને કમોસમી વરસાદનું સંકટ વધુ ઘેરું બની રહ્યું હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. કેટલાક સ્થળોએ ગરમીનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચ્યો છે, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને કોંકણમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે, જ્યારે બાકીના મહારાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.


ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હવામાનની સ્થિતિ

જમ્મુ અને આસપાસના વિસ્તારોમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત વરસાદ પડી રહ્યો છે, જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાનો દોર ચાલુ છે. 28 અને 29 માર્ચના રોજ આ વિસ્તારોમાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવા અને વીજળી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનના ઘણા ભાગોમાં 28 અને 29 માર્ચના રોજ હળવોથી મધ્યમ વરસાદ, તેજ પવન અને ગાજવીજ સાથે હવામાન બદલાવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 અને 30 માર્ચના રોજ ઘણા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. આ સમય દરમિયાન 30 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેનાથી ધૂળની ડમરીઓ અને અચાનક વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ હવામાન ઝડપથી બદલાવાના સંકેત છે.

 

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

પૂર્વોત્તર ભારતમાં હવામાન અત્યંત સક્રિય રહ્યું છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 30 માર્ચ સુધી સતત વરસાદનું અનુમાન છે. આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે અને કરા પડવાની પણ આશંકા છે, જેનાથી જળબંબાકાર અને જનજીવન પ્રભાવિત થઈ શકે છે.

પૂર્વ અને દક્ષિણ ભારતમાં કેવું રહેશે હવામાન

પૂર્વ ભારતમાં બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશામાં 28 થી 29 માર્ચ દરમિયાન હળવા વરસાદ સાથે હવામાનમાં ફેરફાર જોવા મળશે. ખાસ કરીને બિહાર અને પશ્ચિમ બંગાળમાં કરા પડવાની અને વીજળી પડવાની આશંકા છે.  જ્યારે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં 28 થી 30 માર્ચ દરમિયાન કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. કેરળમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે. આસામ, મેઘાલય, બિહાર અને પશ્ચિમ બંગાળમાં 50 થી 70 કિમીની ઝડપે ફૂંકાતા પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની અને કેળા તથા પપૈયા જેવા નબળા પાકને નુકસાન થવાની ભીતિ છે.