Mon Oct 05 2026

Logo

ગુજરાત-મહારાષ્ટ્રમાં ઠંડીની વિદાય, દેશના 7 રાજ્યમાં વરસાદનું એલર્ટ

2026-02-16 08:26:00
Author: Mayur Patel
ગુજરાત-મહારાષ્ટ્રમાં ઠંડીની વિદાય, દેશના 7 રાજ્યમાં વરસાદનું એલર્ટ

 

અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાવાના કારણે તાપમાનનો પારો પણ ધીમે ધીમે ઉંચકાતા ગરમી વધી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલ કોઇ ખાસ વેધર સિસ્ટમ નથી અને ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. જ્યારે આગામી ચાર દિવસ સુધી લધુત્તમ તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. જે બાદ ઉત્તરોતર બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે. જ્યારે સાત દિવસ દરમિયાન હવામાન શુષ્ક રહેશે. હવામાન વિભાગે 4 દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 3 ડિગ્રી સુધી ગરમીનો પારો વધી શકે છે.

હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાંથી શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં જ રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. માર્ચની શરૂઆતથી જ ઉનાળાની કાળઝાળ ગરમીનો અનુભવ થશે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. જે મુજબ, 22 ફેબ્રુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. ઉત્તર ભારતમાં સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત પર માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. જેની અસર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. વલસાડ અને નવસારી જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. 

મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન

મહારાષ્ટ્રમાંથી હવે ઠંડી સત્તાવાર રીતે વિદાય લઈ રહી છે. ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનો હવે ધીમા પડ્યા છે અને બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવનો રાજ્ય તરફ આવવા લાગ્યા છે. જેના કારણે આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યમાંથી ઠંડી કાયમ માટે ગાયબ થઈ જશે અને ગરમી વધવાની સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગ મુજબ, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના પવનોના મિશ્રણને કારણે મહારાષ્ટ્ર પર વરસાદી વાદળો જમા થવા લાગ્યા છે. તેની સૌથી વધુ અસર પુણે, સાંગલી, સાતારા અને કોલ્હાપુર જિલ્લાઓમાં થવાની શક્યતા છે. 17 અને 18 ફેબ્રુઆરીની આસપાસ આ વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે અને કેટલાક સ્થળોએ વરસાદના હળવા ઝાપટાં પડશે. 

દેશમાં કેવું રહેશે હવામાન

ઉત્તર ભારત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં ઠંડીમાં જરૂર ઘટાડો થયો છે પરંતુ હવામાન વિભાગે ફરી એક વખત 7 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત તીવ્ર પવન ફૂંકાવાની સાથે વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 16-17 ફેબ્રુઆરીએ વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 17-18 ફેબ્રુઆરીએ પણ વરસાદ પડી શકે છે. જ્યારે પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં 17-18 ફેબ્રુઆરીના રોજ ભારે વરસાદ વરસી શકે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 17-18 ફેબ્રુઆરીએ કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડશે. મધ્ય પ્રદેશમાં 18-19 ફેબ્રુઆરીએ હળવા વરસાદની શક્યતા છે.