Mon Jul 27 2026

Logo

તૃણમૂલ કોંગ્રેસમાં તિરાડ, કાકોલી ઘોષ નારાજ અને 20 સાંસદ ભાજપ સાથે હાથ મિલાવે એવા અણસાર

2026-05-27 16:47:18
Author: Mumbai Samachar Team
Article Image

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર રચાયા બાદ તૃણમૂલ કોંગ્રેસમાં દરરોજ નવા-નવા રાજકીય આંચકા આવી રહ્યા છે. આગામી દિવસોમાં હવે તૃણમૂલ કોંગ્રેસમાં એક મોટી તિરાડ જોવા મળી શકે છે. ભાજપના સાંસદે કરેલા દાવા અનુસાર તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પક્ષપલટો કરવાની ફીરાકમાં છે.20જેટલા સાંસદ તૃણમૂલ કોંગ્રેસને અલવિદા કહી શકે છે જોકે, TMCએ આ અંગે હજુ સુધી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. 4 મે ના રોજ જાહેર થયેલા પરિણામ બાદ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કુલ 80 ધારાસભ્યો છે. 

20 સાંસદો પણ નારાજ

મીડિયા રિપોર્ટ અનુસાર, ભાજપ સાંસદ સૌમિત્ર ખાને બુધવારે એક એવો દાવો કર્યો હતો કે, આશરે 50 જેટલા ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વથી નારાજ છે. આવી સ્થિતિમાં 20 સાંસદોનો પણ સમાવેશ થાય છે. ભાજપ હાઈકમાન્ડ સહમતી આપે છે તો આ નેતાઓ પાર્ટી બદલીને ભાજપમાં આવવા માટે તૈયાર છે, જોકે ભાજપના હાઈકમાન્ડ તરફથી આ મુદ્દે કોઈ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. આવું ખરેખર થશે તો તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી ગ્રાઉન્ડ લેવલ ઉપર તૂટી જશે.ભાજપના હાઈકમાન્ડ એકવાર આ મુદ્દે વિચાર કરીને સહમતી દર્શાવે છે તો તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી તરીકે પણ બચશે નહીં. તમામ સભ્યો ભાજપમાં આવવા માટે તૈયાર છે. 

50 ધારાસભ્યો નારાજ છે

તૃણમૂલ કોંગ્રેસમાં 50 ધારાસભ્યો પાર્ટીથી નારાજ છે, જ્યારે 20 સાંસદ એવા છે જેઓ તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વથી ખુશ નથી.એક એવી અટકળ પણ સેવાઈ રહી છે કે, મોનસૂન સત્ર દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ સાંસદ ભાજપમાં જોડાઈ શકે છે. ખાસવાત એ પણ છે કે, સાંસદ તરફથી આ પ્રકારનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 100થી વધારે કોર્પોરેટર્સે રાજીનામા ધરી દીધા છે. એવું પણ કહેવાય રહ્યું છે કે, કાકોલી ઘોષે પણ રાજીનામું આપી દીધું છે.

એક સમયે આ જ નેતા તૃણમૂલ કોંગ્રેસના ચહેરા સમાન હતા. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કાકોલી ઘોષે પાર્ટીના તમામ પદેથી રાજીનામુ ધરી દીધું છે. એટલું જ નહીં તેમણે પાર્ટી પ્રત્યે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. તૃણમૂલ કોંગ્રેસમાં તેઓ મહિલા મોરચાના મુખ્ય નેતા હતા.તૃણમૂલ કોંગ્રેસમાં આ પરિવર્તન એવા સમયે આવી રહ્યું છે જ્યારે ભાજપ ધીમે ધીમે એક મજબૂત પક્ષ સમગ્ર પશ્ચિમ બંગાળમાં બની રહ્યો છે. 

દીદીના નિર્ણય સામે નારાજગી

કાકોલી ઘોષના રાજીનામાથી તૃણમૂલ કોંગ્રેસને પરિણામ બાદ મોટો ફટકો પડ્યો છે, જોકે ઘોષે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ માત્ર પાર્ટીએ આપેલા જે તે પદ પરથી રાજીનામુ આપી રહ્યા છે પાર્ટીમાંથી નહીં. હજું આગામી સમયમાં પણ તેઓ તૃણમૂલ કોંગ્રેસના સભ્ય તથા કાર્યકર્તા તરીકે કામ કરતા રહેશે.

કાકોલી ઘોષને વિધાનસભાની ચૂંટણી બાદ મમતા દીદીએ લોકસભા પાર્લામેન્ટ્રી કમિટીમાંથી હટાવી દીધા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, દીદીના આ નિર્ણયથી તેઓ નારાજ છે. એમના આ નિર્ણયથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટો વળાંક આવી રહ્યો છે. ભાજપ ગ્રાઉન્ડ લેવલ પર સશક્ત થઈ રહી છે અને તૃણમૂલ કોંગ્રેસમાં ફાટા પડી રહ્યા છે.