નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જીની ટીએમસીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. જેમાં ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીને સંસદના સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કાકોલી ઘોષ અને સાયોની ઘોષ પ્રત્યે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ કરવામાં આવી છે.
ગૃહની કાર્યવાહીમાં હાજરી આપી શકશે નહીં
કલ્યાણ બેનર્જી ચોમાસુ સત્રના બાકીના સમય માટે ગૃહની કાર્યવાહીમાં હાજરી આપી શકશે નહીં કે ભાગ લઈ શકશે નહીં. આ અંગે સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીને સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
મહિલા સાંસદો પ્રત્યે અભદ્ર વર્તનની ફરિયાદ
આ કાર્યવાહીની અધ્યક્ષતા કરી રહેલા કેપી કૃષ્ણ પ્રસાદ ટેનેટી (ટીડીપી) એ જણાવ્યું હતું કે સ્પીકરને કલ્યાણ બેનર્જી વિરુદ્ધ મહિલા સાંસદો પ્રત્યે અભદ્ર વર્તન અને અસંસ્કારી ભાષાના ઉપયોગ અંગે લેખિત ફરિયાદ મળી છે.
એનસીપીઆઈ સાંસદો સાથે કલ્યાણ બેનર્જીનો વિવાદ
આ અગાઉ વિપક્ષ દ્વારા હોબાળાને કારણે ગૃહ સ્થગિત થયા બાદ લોકસભા ચેમ્બરમાં કલ્યાણ બેનર્જી અને તેમના પોતાના પક્ષના કેટલાક ભૂતપૂર્વ સાથીઓ તેમજ એનસીપીઆઈ સાંસદો સાથે વિવાદ થયો હતો.
લોકસભા સ્પીકર ઓમ બિરલાની ચેમ્બરમાં ગયા હતા
જેની બાદ એનસીપીઆઈ સાંસદો મિતાલી બાગ અને કાકોલી ઘોષ અને કેટલાક અન્ય સભ્યો આ મુદ્દો ઉઠાવવા માટે લોકસભા સ્પીકર ઓમ બિરલાની ચેમ્બરમાં ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પીકરે એનસીપીઆઈને આ ઘટના અંગે લેખિત ફરિયાદ રજૂ કરવા જણાવ્યું છે.
20 ટીએમસી સાંસદોએ પાર્ટી સામે બળવો કર્યો
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટીની હાર બાદ 20 ટીએમસી સાંસદોએ પાર્ટી હાઇકમાન્ડ સામે બળવો કર્યો અને એનસીપીઆઈમાં જોડાયા હતા. ત્યારબાદ આ સાંસદોએ લોકસભામાં અન્ય ટીએમસી સાંસદોથી અલગ બેસવાનું પણ શરૂ કર્યું છે.