કોલકાતાઃ પશ્ચિમ બંગાળના રાજકારણ અને ગુનાખોરીની દુનિયામાંથી એક ચોંકાવનારો વીડિયો અને સમાચાર સામે આવ્યા છે. એક સમયે જે વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના બાહુબલી નેતા જહાંગીર ખાનનો દબદબો અને ભારે ખોફ માનવામાં આવતો હતો, ત્યાં આજે બિલકુલ ઉલટી તસવીર જોવા મળી છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા ધરપકડ કરાયા બાદ પોલીસે જહાંગીર ખાનને હાફ પેન્ટ પહેરાવીને રસ્તાઓ પર પગપાળા ફેરવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
ભારત-નેપાળ સરહદેથી થઈ નાટકીય ધરપકડ
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઠાઠ ગુમાવી ચૂકેલો જહાંગીર ખાનને જાહેર રસ્તા પર પરેડ કરાવી હતી. આ એ જ નેતા છે જેમના નામથી ક્યારેય લોકો ડરતા હતા, પરંતુ કાયદાના સકંજામાં આવતા જ તેમનો તમામ રસોડું અને વટ ઓગળી ગયો છે.
જહાંગીર ખાન પશ્ચિમ બંગાળ છોડીને ભાગવાની ફિરાકમાં હતો, પરંતુ ઉત્તર બંગાળના પાનીટંકી વિસ્તારમાં ભારત-નેપાળ સરહદ નજીકથી પોલીસે તેને ઝડપી લીધો હતો. ખાને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ફાલ્ટા બેઠક પરથી ચૂંટણી લડી હતી. જોકે, આ બેઠક પર ફરીથી મતદાન થાય તેના થોડા દિવસો પહેલા જ તે દક્ષિણ 24 પરગણા જિલ્લાના પોતાના મતવિસ્તારમાંથી ગાયબ થઈ ગયો હતો.
જહાંગીર ખાન વિરૂદ્ધ કુલ 7 એફઆઈઆર નોંધાઈ
કલકત્તા હાઈ કોર્ટે 26 મેના જહાંગીર ખાનને મળેલી વચગાળાની રાહત હટાવી લીધી હતી. તેના પર ઇવીએમ સાથે છેડછાડ, મતદારોને ડરાવવા-ધમકાવવા અને ખંડણી જેવા ગંભીર આરોપો હેઠળ ફાલ્ટા પોલીસ સ્ટેશનમાં કુલ 7 એફઆઈઆર નોંધાયેલી છે. ડાયમંડ હાર્બર કોર્ટે તેને ૫ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
જહાંગીર ખાન જે એક સમયે પોતાને "પુષ્પા" તરીકે ઓળખાવતો હતો તેની પોલીસે ધરપકડ કરી લીધી
— MG Vimal - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) June 11, 2026
pic.twitter.com/MX7rjs2xDU
આ ધરપકડ પાછળ એક રસપ્રદ રાજકીય વિવાદ પણ જોડાયેલો છે. ચૂંટણી પહેલા જ્યારે કેન્દ્રીય દળો અને પોલીસે જહાંગીરના ઘર પર દરોડો પાડ્યો હતો, ત્યારે આ કાર્યવાહીનું નેતૃત્વ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના એડિશનલ પોલીસ કમિશનર અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત આઈપીએસ અજય પાલ શર્મા કરી રહ્યા હતા. આ દરોડા બાદ જહાંબીર ખાને સુપરહિટ ફિલ્મ 'પુષ્પા: ધ રાઈઝ'નો પ્રખ્યાત ડાયલોગ મારતા મીડિયા સામે કહ્યું હતું કે, "જો એ પોલીસ અધિકારી 'શેર' છે, તો હું પણ 'પુષ્પા' છું... ઝુકેગા નહીં!" તે સમયે આ નિવેદનથી બંગાળનું રાજકારણ ગરમાયું હતું.
હવે બોર્ડર પરથી પકડાયા બાદ અને અદાલતના આદેશ પછી જે રીતે બંગાળ પોલીસે તેની શાન ઠેકાણે લાવી દીધી છે, તે જોઈને સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે કાયદાની સામે આખરે 'પુષ્પા'એ પણ ઝૂકવું જ પડ્યું! આ ધરપકડ બાદ ફાલ્ટા વિસ્તારના ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ જહાંગીરની ઓફિસ અને વાહનોમાં તોડફોડ કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.