Thu May 07 2026

Logo

બંગાળ ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસમાં ભંગાણના સંકેત: મમતાની બેઠકમાંથી 10 ધારાસભ્યો ગાયબ

2026-05-07 10:55:00
Author: Vimal Prajapati
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં ભાજપ સામે મળેલી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. પક્ષના વડા મમતા બેનર્જી દ્વારા બોલાવવામાં આવેલી મહત્વની વ્યૂહરચના બેઠકમાં અંદાજે 9 થી 10 નવનિર્વાચિત ધારાસભ્યો ગેરહાજર રહેતા પક્ષમાં મોટા ભંગાણની અટકળો તેજ બની છે. એકબાજુ મમતાને મોટી હારનો સામનો કરવો પડ્યો છે અને તેવામાં હવે 10 ધારાસભ્યો ગાયબ થઈ જતા મામલો વધારે ચર્ચાસ્પદ બન્યો છે. સંકેતો એવા છે કે, હવે ટીએમસીમાં ભંગાણ થઈ રહ્યું છે. 

બેઠકમાં શું થયું?

મીડિયા અહેવાલ પ્રમાણે, મમતા બેનર્જીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં પક્ષના 80 માંથી માત્ર 70 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. આ બેઠક ભવિષ્યની રણનીતિ અને વિપક્ષના નેતાની પસંદગી માટે બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં જે સભ્યો ગેરહાજર રહ્યા તેનો જવાબ આપતા ટીએમસીએ મામલો કંટ્રોલમાં હોવાનો દાવો કર્યો છે. TMC એ સ્પષ્ટતા કરી છે કે ગેરહાજર રહેલા ધારાસભ્યોએ અગાઉથી જાણ કરી હતી અથવા તેમને અન્ય કામગીરી માટે સૂચના આપવામાં આવી હતી.

48 કલાકમાં જ પક્ષના વરિષ્ઠ નેતાઓએ બળાપો કાઢ્યો
 
હારના 48 કલાકમાં જ પક્ષના વરિષ્ઠ નેતાઓએ જાહેરમાં બળાપો કાઢવાનું શરૂ કર્યું છે, જે ટીએમસી માટે માથા સમાચાર સાબિત થઈ શકે છે. આ મામલે મનોજ તિવારીએ અરૂપ વિશ્વાસ પર આકરા પ્રહારો કરતા સરકારને 'ભ્રષ્ટ' ગણાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે તેમના રમતગમતના પ્રોજેક્ટ્સને જાણીજોઈને અટકાવવામાં આવ્યા હતા. 

આ સાથે પ્રવક્તા રિજુ દત્તે સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે જ્યારે તેમના પરિવાર પર હુમલો થયો ત્યારે પક્ષના નેતાઓએ ફોન ઉપાડ્યા નહોતા અને તેમને ભાજપના નેતાઓએ મદદ કરી હતી. એટલે કે ટીએમસીના નેતાઓ ખૂદ અત્યારે પાર્ટીથી કંટાળી ગયા છે અને પાર્ટી સાથ નથી આપતી તેવા આરોપ પણ લગાવ્યાં છે. બની શકે કે, આ કારણે જ ટીએમસીની બંગાળમાં હાર થઈ હોય!

મહત્વની વાત છે કે, મમતાન ભત્રિજા અભિષેક બેનર્જી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. કૃષ્ણેન્દુ નારાયણ ચૌધરી અને અતિન ઘોષ જેવા નેતાઓએ હાર માટે અભિષેક બેનર્જીની કાર્યશૈલીને જવાબદાર ગણાવી છે. સ્વાભાવિક છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોને વોટ આપવા માટે ધમકીઓ પણ આપવામાં આવી તેના વીડિયો વાયરલ થયાં હતા. 

તૃણમૂલ કોંગ્રેસે આ નિવેદનોથી અંતર જાળવતા કહ્યું છે કે આ નેતાઓના અંગત મંતવ્યો છે અને તેને પક્ષનું સત્તાવાર સ્ટેન્ડ માનવું નહીં. કુણાલ ઘોષે જણાવ્યું કે ભવિષ્યની તમામ જવાબદારીઓ અંગેનો આખરી નિર્ણય મમતા બેનર્જી જ લેશે. મમતા બેનર્જી દ્વારા જે પણ નિર્ણયો લેવામાં આવશે તેનો સ્વીકાર કરવામાં આવશે, અને તે અંતિમ નિર્ણય પણ હશે. પરંતુ પાર્ટી હવે તૂટવા જઈ રહી છે તેનું શું? 15 વર્ષ પછી ટીએમસીને બંગાળમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપે બંગાળમાં જે પ્રદર્શન કર્યું છે તે ખરેખર ચોંકાવનારું છે.