Tue Jul 28 2026

Logo

મનોરંજનની આજકાલઃ ગુજરાતી રંગભૂમિની આગવી સમૃદ્ધિ-26 વર્ષ... 20 નાટક... 4111 પ્રયોગ!

2026-07-10 10:38:00
Author: Mumbai Samachar Team
Article Image

2000ની સાલમાં ‘અધૂરા તોય મધુરા’ નાટકથી કરી હતી શરૂઆત અને અત્યારે 2026માં એ બેલડીનું નવું નાટક આવી રહ્યું છે : ચાલ ‘honey' મૂન પર જઈએ.

અપરા મહેતાની આઇકનિક સિરિયલ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ની શરૂઆત પણ 2000ની સાલમાં થઈ હતી અને અત્યારે ફરી 2026માં એ સિરિયલ ચાલી રહી છે. એટલે અપરા મહેતા માટે આ યોગાનું યોગ જ કહી શકાય.

ફિરોઝ ભગત અને અપરા મહેતાની જોડીએ આ 26 વર્ષ દરમિયાન 20થી પણ વધુ સેન્ચ્યુરી અને ડબલ સેન્ચ્યુરી હિટ નાટકો આપ્યાં છે તો બીજી બાજુ આ નાટકના લેખક પંકજ ત્રિવેદીની વાત કરીએ તો આ જોડીનું પંકજ ત્રિવેદી સાથેનું પાંચમું નાટક છે.

અપરા મહેતા આ સિદ્ધિ વિશે શું કહે છે...

અપરા મહેતા નાટકો વિશેની વાત કરતાં કહે છે કે અમારી જોડીનાં નાટકો બીજાં નાટકો કરતાં જુદાં એટલા માટે હોય છે, કારણ કે એમાં કૉમેડી તો હોય જ છે પણ સાથે વાર્તા અને એક સારો મેસેજ પણ હોય છે.

મારું અને ફિરોઝ ભાઈનું હંમેશાં એવું માનવું છે કે પ્રેક્ષક નાટક અને નાટકનું નામ નાટક પત્યા પછી ઑડિટોરિયમમાં જ મૂકીને ન જતાં એ નાટક અને નાટકનો મેસેજ એમના ઘર સુધી લઈ જાય, કારણ કે નાટક એ માત્ર એન્ટરટેનમેન્ટનું સાધન નથી એ આપણા સમાજનું, સમાજના વિચારોનું પ્રતિબિંબ છે અને એટલે જ અમે હંમેશાં એવા વિષયની પસંદગી કરીએ છીએ જે માત્ર 40 પ્લસના લોકોને જ ઍટ્રેક્ટ ન કરતાં યંગસ્ટર્સને પણ ગમે, કારણ કે હવે રંગભૂમિ માટે નવું ઑડિયન્સ ઊભું કરવાની બહુ જ જરૂર છે. 

અમે અમારા દરેક શોમાં પ્રેક્ષકોને કહીએ છીએ કે તમારાં બાળકોને નાટક જોતાં કરો. ભલે એ લોકો ઓછું ગુજરાતી બોલતાં હોય, ભલે એ લોકોને ઓછું ગુજરાતી સમજાતું હોય પણ એટલીસ્ટ બે કલાક એ લોકો ગુજરાતી સાંભળશે તો ખરા. એ બહાને એ લોકો પોતાની માતૃભાષા સાથે જોડાયેલા રહેશે અને સાથોસાથ રંગભૂમિ અને આપણી માતૃભાષા પણ જીવંત રહેશે.

આ તાજા નાટકની વાર્તાની વાત કરીએ તો મુકેશ અંતાણી (ફિરોઝ ભગત) પોતાની મા કોકિલા અંતાણી (મધુરા રાઉત) સાથે રહે છે. મુકેશે એક બહુ મોટી વાત પોતાની માથી છુપાવી છે. મુકેશની મુલાકાત થાય છે મેનકા રાજાણી (અપરા મહેતા) સાથે... અને પછી શરૂ થાય છે ધમાલ મસ્તી ને ધીંગાણું... આ નાટકમાં પૃથ્વી પંચોલી અને તપન ભટ્ટ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને સાથે હીર રાભડિયા અને મનીષ ગોધનિયા પણ પોતપોતાના પાત્રને અનુરૂપ અભિનય કરીને સારો સાથ નિભાવે છે. આ નાટકની કથામાં એટલા બધા ટ્વિસ્ટ અને ટર્ન છે. આ નાટકની  કૉમેડીથી  દર્શકો હસી હસીને લોટપોટ થઈ જશે. છેવટે એક સરસ અંત અને સરસ મેસેજ તો ખરો જ...!  

આ રહ્યાં ફિરોઝ ભગત -અપરા મહેતાનાં યાદગાર નાટકો... 
* અધૂરા તોય મધુરા
* ઓળખાણ
* કાચના સંબંધ
* કુછ ખટ્ટી કુછ મીઠી
* આયે દૂર સે મિલને હુજુર સે
* અમે હવે રંગ જમાવી જશું
* આપણું તો બધું પ્રાઇવેટ લિમિટેડ
* પ્રેમ કરો ભાઈ પ્રેમ કરો
* આ પાર કે પેલે પાર
*કેમ છો મજામાં
* તમે હસતું મોઢું રાખજો
* મસ્તીમાં મેરેજ મેરેજમાં મસ્તી
* તું અને હું પછી જોઈએ શું
*યુટર્ન
*જા તારી સાથે કીટ્ટા
* એકબીજાને નડતા રહીએ
* આવ તારું કરી નાખું
* ઉમર છે એન્ટીક પણ દિલ છે રોમેન્ટિક
*મસ્તી રહે તો લાઇફ હસતી રહે
* આવ ભાઈ કહું કે બાય બાય કહું
* અપના ટાઈમ આયેગા
* પાર્ટનર મસ્ત તો લાઈફ જબરજસ્ત
* ડોન્ટ વરી બી હેપ્પી...