Tue Apr 21 2026

Logo

પર્વચક્રઃ ગૂડીપડવાનું અદકેરું મહત્ત્વ

2026-03-16 10:28:00
Author: ડૉ. ભાનુબેન કે. વ્યાસ
Article Image

ડૉ. ભાનુબેન કે. વ્યાસ

શાલિવાહન શક પ્રમાણે ચૈત્ર મહિનો પ્રથમ મહિનો ગણાય છે અને નવું વર્ષ ચૈત્ર સુદ એકમના દિવસથી શરૂ થાય છે. જ્યોતિષશાસ્રની દૃષ્ટિએ પણ આ ખૂબ મહત્ત્વનો દિવસ છે. તેઓનું પણ વર્ષ આ દિવસથી શરૂ થાય છે અને ચૈત્રી પંચાંગના નામે ઓળખાતું પંચાંગ પણ આ જ દિવસથી અમલમાં આવે છે. વર્ષનાં શ્રેષ્ઠ ત્રણ મુહૂર્તોમાં ગૂડી પડવાની ગણતરી થઈ છે. દક્ષિણી લોકોનું નવું વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે.

મહારાષ્ટ્રમાં ચૈત્ર સુદ પ્રતિપદા ‘ગૂડી પડવા’ના નામે ઓળખાય છે. આ દિવસે શ્રી રામે દક્ષિણની ભૂમિને વાલિના ત્રાસથી છોડાવી હતી. અમાનુષી જુલમમાંથી મુક્ત થયેલી પ્રજાએ ઘેર ઘેર ઉત્સવ કરીને ગૂડીઓ એટલે કે ધજાઓ ફરકાવી હતી. વાલિના ત્રાસમાંથી મુક્ત થયેલી પ્રજા આ રીતે સ્વતંત્રતાનો આનંદ ઉજવી રહી. આજે પણ ઘરમાં આંગણાંમાં ગૂડી પડવો એ આસૂરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનો સંદેશ છે. એટલે એ દિવસને ગૂડી પડવો એવું નામ અપાયું છે.

તાંબાના કળશને ગૂડી કહેવાય છે. આ દિવસે ચાંદી, તાંબા કે કાંસાના કળશને એક નવાં કપડાં સાથે છેડેથી બાંધી તેને બારી કે બારણાં પાસે લાકડીની ઉપર ઊંધો રાખવામાં આવે છે. નવા વર્ષના પ્રારંભને ઉજવવાની મહારાષ્ટ્રની આ ખાસ પ્રણાલિકા છે. એ દિવસે લોકો પંચાંગ વાંચે છે અને સાંજે આકાશમાં નવો ચંદ્ર જોવા પ્રયત્ન કરે છે. આ દિવસે ચંદ્રદર્શન ખૂબ જ પવિત્ર અને શુકનવંતું ગણાય છે જે કે તે ભાગ્યે જ થાય છે. મિષ્ટાન્ન ખાવાની પ્રથા વર્ષોથી છે. એ રીતે આનંદપૂર્વક ઉત્સવ ઉજવાય છે. 

મલબાર પ્રદેશમાં તો પ્રતિપદાને દિવસે વહેલી સવારે ઊઠીને ઘરનાં આબાલવૃદ્ધિ સૌ આંખ મીંચીને દેવગૃહમાં પ્રભુનાં દર્શન કરવા જાય છે. આ તહેવાર માટે કેરળનો પ્રદેશ ખાસ જાણીતો છે. ત્યાં એને ‘વિષુ’ કહેવામાં આવે છે. કેટલાંક રૂઢિચૂસ્ત કુટુંબો સદી જૂની કોઈ એક પરિણીત મહિલા વહેલી સવારે જ પૂજાની થાળ બનાવે. 

તેમાં તેલનાં બે દીવા મૂકવામાં આવે છે. શ્રીફળનાં બે અડધિયામાં આ દીવડા મૂકવામાં આવે છે. પૂજાની થાળીમાં ચોખા, ફળ, કોન્નાપુ નામનું ફૂલ વિગરે મૂકવામાં આવે છે. કુટુંબમાંના સોનાના દાગીના પણ પૂજા માટે મૂકવામાં આવે છે. આમ એનું પૂજન ખૂબ સારી રીતે થાય છે.
 
પૂજાપાઠ માટે ગૃહિણી દરેક સભ્યને આંખે પાટા બાંધી જે ખંડમાં એ થાળી મૂકવામાં આવી હોય ત્યાં લઈ જાય છે અને સૌથી પહેલાં એ થાળીનાં જ દર્શન કરાવવામાં આવે છે. તેઓ માને છે કે આમ કરવાથી સુખ સમૃદ્ધિ વધે અને કુટુંબમાં એકતા પણ જળવાય. સિંધી બંધુઓ પણ આ દિવસે તહેવારને ‘ચેટી ચાંદ’ તરીકે ઓળખાવે છે. મલબારમાં પણ પ્રતિપદાને દિવસે પરોઢિયે ઊઠીને ઘરનાં આબાલવૃદ્ધ સૌ આંખ મીંચીને દેવગૃહમાં ભગવાનનાં દર્શન કરવા જાય છે.

આ દિવસે લીમડાના રસનું પાન કરવામાં આવે છે. મંદિરમાં દર્શન કરવા આવનાર સૌને લીમડો અને સાકર પ્રસાદરૂપે મળે છે. ચૈત્ર માસમાં લીમડો ખાવાની પ્રથા વૈદ્યકની દૃષ્ટિએ પણ સ્વાસ્થ્યદાયક છે. મરી, હિંગ, મીઠું, જીરું અને અજમા સાથે લીમડાની કૂંપળોને સવારે ઊઠીને ખાવી એ ચૈત્રી પડવાની ખાસ વિધિ ગણાય છે. એટલે આ દિવસ નીમઉત્સવને નામે પણ ઓળખાય છે. એટલે ઉપર કહ્યું તેમ આરોગ્યની દૃષ્ટિએ પણ અનેક નિયમો આપણા ઉત્સવો સાથે અનિવાર્યરૂપે સંકળાયા છે. 

કેટલાક લોકો આખો ચૈત્ર માસ દિવસ દરમિયાન એક જ વખત મીઠું ખાવાનો નિયમ લે છે. લીમડાના સેવનથી અનેક રોગ દૂર થાય છે. તેની શીળી છાંય અને હવાના શુધ્ધીકરણ માટે તે જાણીતો છે. તેનાં ફૂલ, ફળ, છાલ, મૂળ, પાંદડા વગેરે પ્રત્યેક વસ્તુ ગુણકારી છે. લીમડાનું રૂપક જીવનને ઉપકારક છે. સત્યનો ઘૂંટડો કડવો હોવા છતાંય એના ગુણ મીઠા છે. સત્યસેવન ઉદાત્ત ઉર્ધ્વગામી છે. 

નવા વર્ષના પ્રથમ દિવસે જ કડવાશનું પાન કરનાર વ્યક્તિ એ કડવાશને પણ મીઠાશમાં ફેરવી નાખે છે. મંદિરમાંથી મળતા લીમડા અને સાકરના પ્રસાદની પાછળ પણ એ જ ભાવના છે કે જીવનમાં સુખ કે દુ:ખ પછી સુખનો સૂર્યોદય થતો જ હોય છે. માટે બંને અવસ્થાને તટસ્થ ભાવે સ્વીકારવી. કોઈ ગઝલકારે પણ કહ્યું છે.

‘રવિ સમ તેજરાશિને ઉદય ને અસ્ત આવે છે,
શશિ સમ શાંતમૂર્તિ પણ વધીને ક્ષીણ થાયે છે,
સમંદરના તરંગોમાં જો ભરતી-ઓટ આવે છે,
રડે શાને ઓ માનવ! જો સુખો દુ:ખ લઈને આવે છે.’

નવે વર્ષે નવો સંકલ્પ; પણ એ નવા સંકલ્પ પહેલાં સિંહાવલોકન કરવું એ પણ જરૂરી છે. ફલાંગો મારતો સિંહ વચમાં વચમાં થોભીને પોતે કેટલે સુધી આવ્યો તેનું નિરીક્ષણ કરી લે છે. પ્રગતિશીલ મનુષ્યે પણ પોતે સંકલ્પો કર્યાં, એમાંથી કેટલા પાર પડયા, કેટલા સુધારવા પડ્યા, કયા સંકલ્પો જતા કર્યા વગેરેનું તારણ કાઢયા પછી જ નવા સંકલ્પો કરવા જોઈએ. 

ગૂડી પડવો એ ઘરમાંથી વાલિનો-આસૂરી સંપત્તિનો રામે-દૈવીશક્તિએ નાશ કર્યાં તેનું સૂચન છે. ગૂડી પડવો શાંત, સ્થિર અને સાત્ત્વિક ભાવવાળા મન ઉપર ભાર મૂકે છે અને એટલે જ ભોગ પર યોગનો; વૈભવ પર વિભૂતિનો અને વિકાર પર વિચારનો વિજય ગૂડી પડવો બન્યો છે.

ચૈત્ર માસની શરૂઆત હોળીના રંગોત્સવ બાદ ચૈત્ર સુદ-1ના ‘ગૂડી પડવા’ના પારંપરિક પર્વથી થાય છે. ગૂડી પડવા બાદ ચૌદસ સુદ 3ના મનોરથ વ્રત અને ગણગૌરી, સુદ-8ના ‘અશોકાષ્ટમી’, સુદ-9ના ‘રામનવમી’, સુદ 13ના ‘મહાવીર જયંતી’, સુદ-15ના ‘હનુમાન જયંતી’ અને ચૈત્રી પૂર્ણિમા તથા વદ-8ના ‘પુત્રદા અષ્ટમી’ જેવાં પર્વો અને ઉત્સવો આવેલા છે.

જેવી રીતે વિક્રમ સંવતના નૂતન વર્ષની શરૂઆત કારતક સુદીથી થાય છે તેવી રીતે ‘ગૂડી પડવા’ના પર્વથી શાલિવાહન શકના નૂતન વર્ષની શરૂઆત થાય છે. ભારતના મહારાષ્ટ્રના અને કેટલાંક રાજ્યોના વેપારીઓ શાલિવાહનના નૂતન વર્ષના દિવસે તેમની પેઢીઓના ચોપડા બદલે છે અને નવા હિસાબના ચોપડાઓનું પૂજન કરે છે. 

ભાવિક મહિલાઓ ‘અલૂણાવ્રત’ કરે છે. મહારાષ્ટ્રિયનો આ ગૂડી પડવાના દિવસે શ્રીખંડ-પૂરી, જલેબી અને દૂધની મીઠાઈઓનાં મનભાવન ભોજનના આસ્વાદ માણે છે. મહારાષ્ટ્રિયનો અને ઘણાં બિન મહારાષ્ટ્રિયન પણ નવી જગ્યા, કારખાનાનાં મુહૂર્ત તથા શુભ કાર્યો આ દિવસે કરે છે.

શ્રી રામચંદ્રજી 14 વર્ષના વનવાસ બાદ સીતાજી અને ભાઈ લક્ષ્મણ જોડે પુષ્પક વિમાનમાં ચૈત્ર સુદી 1ના દિવસે અયોધ્યા પધાર્યા ત્યારે લાખો પ્રજાજનોએ ભવ્ય સ્વાગત કરી રાજ્યાભિષેક કરેલો.  મહારાષ્ટ્રિયન લોકો ગૂડી પડવાનો પર્વ દિવાળીના જેવો ધામધૂમથી ઉજવે છે.
મહારાષ્ટ્રિયન અને ઘણાં હિંદુઓ મુહૂર્ત તથા શુભ કાર્યો આ દિવસે કરે છે.