Mon May 25 2026

Logo

મોદી પછી પોતાને PM બનવા ભગવાન શિવે આશિર્વાદ આપ્યા હોવાનો દાવો કરનારી જામનગરની યુવતી કોણ છે ?

2026-05-21 10:52:00
Author: Mayur Patel
Article Image

જામનગરઃ રાજ્યમાં હાલ એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે મોદી પછી પોતાને PM બનવા ભગવાન શિવે આશિર્વાદ આપ્યા હોવાનો દાવો કરે છે. આ યુવતી જામનગરની રહેવાસી છે અને તેનું નામ મમતા એન દવે છે.  ફેસબુક પર તેણે ડિજિટલ ક્રિએટર તરીકેનો ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત 16 હજાર ફોલોઅર્સ છે. તેમજ આગામી યુગના રાજકીય નેતા (politician of next era) તેમ પણ લખ્યું છે.

શું કર્યો વાયરલ વીડિયોમાં દાવો

વાયરલ વીડિયોમાં યુવતીએ પીએમ નરેન્દ્ર મોદી અને ભગવાન શિવને લઈને આશ્ચર્યજનક દાવા કર્યા છે. યુવતીનું કહેવું છે કે તે ભૂતકાળમાં જઈને ભવિષ્ય બદલી શકે છે અને આગામી વિધાનસભામાં સરકારને હરાવવાની વ્યૂહરચના પણ તેની પાસે છે. 

આ વીડિયોમાં યુવતીએ દાવો કર્યો છે કે તેને ભગવાન શિવે સાક્ષાત વરદાન આપ્યા છે અને તે પોતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછીના દેશના આગામી વડા પ્રધાન છે. આટલું જ નહીં, યુવતીએ એવો પણ આશ્ચર્યજનક દાવો કર્યો છે કે તે ભૂતકાળમાં પાછળ જઈને ભવિષ્ય સુધારવા માટેના નિર્ણયો બદલી શકે છે અને જો કોઈ તેની રુબરૂ મુલાકાત લે તો તે ભૂતકાળમાં જવાની આ ખાસ ટેકનીક ગુજરાતની પ્રજા સાથે શેર કરવા પણ તૈયાર છે. આ અજીબોગરીબ ટેકનિકના આધારે તેણે આગામી વિધાનસભા ચૂંટણીમાં હાલની સરકારને હરાવવાની ખાસ વ્યૂહરચના બનાવવાનો પણ વીડિયોમાં દાવો કર્યો છે.

યુવતી વીડિયોમાં કહી રહી છે કે તમે કોઈ પણ કાર્ય કરતા હો 5 ટકા જ તમારી દિશામાં ફરક કરીને સમયની આરપાર જઈ શકો છો.  યુવતીનું કહેવું છે કે તે ભૂતકાળમાં પાછળ જઈને ભવિષ્ય સુધારવા માટેના નિર્ણયો બદલી શકે છે અને તે આ ખાસ ટેકનિક ગુજરાતની પ્રજા સાથે શેર કરવા પણ તૈયાર છે. આ ઉપરાંત તેણે  દાવો કર્યો છે કે તેના 114 સહસ્ત્રાધાર ચક્ર અને 3 કુંડલિની જાગૃત થઈ ગઈ છે. 

કોઈ પણ આંદોલન કે ધરણા વગર, માત્ર ટેકનોલોજી અને ખાસ પ્લાનિંગ દ્વારા આગામી ચૂંટણીમાં સરકારને હરાવવાની રણનીતિ હોવાનો પણ તેણે દાવો કર્યો છે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને લોકોને આત્મકલ્યાણના માર્ગે લઈ જવા માટે તેણે મીડિયા અને ગુજરાતની જનતા પાસે સપોર્ટ માંગ્યો છે.