સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રના એક જાણીતા તીર્થધામમાં યુવાર પૂજારી-પત્નિની લાશો મળતાં ખળભળાટ મચી ગયો હતો. ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર આવેલા તારંગા જૈન તીર્થધામમાં આ ચકચારભરી ઘટના બની હતી. પૂજારી મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના વતની હતા.
શું છે સમગ્ર મામલો
પૂજારી પ્રવીણ રાઠવા છેલ્લા 6 વર્ષથી ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર ચૂલી ગામ પાસે આવેલા તારંગા જૈન તીર્થધામમાં પૂજારી તરીકે સેવા આપતા હતા. તેમના પત્નિ પણ સાથે રહેતા હતા. ગઈકાલે સવારે પૂજારી પતિ-પત્નિના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.
તારંગા ધામમાં મંદિરના સંચાલકો અને સ્થાનિક લોકોને પૂજારીના રૂમમાં કોઈ હલચલ ન દેખાતા તપાસ કરી હતી. રૂમ ખોલતાં અંદર પૂજારી અને તેમની પત્નિ મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. પૂજારીનો મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં અને લોહીથી ખરડાયેલો મળ્યો હતો, જ્યારે તેમની પત્નિનો મૃતદેહ માથાના ભાગે ગંભીર ઈજાઓ સાથે નીચે પડ્યો હતો. ઘટનાસ્થળેથી લોહીવાળો લાકડાનો દંડો પણ મળી આવ્યો હતો. ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવની ગંભીરતા જોતા FSLની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ફાંસો ખાધેલા પતિના હાથમાં પત્નિના માથાના વાળ મુઠ્ઠીમાં જકડાયેલા મળી આવ્યા હતા. આ ઉપરાંત ઘટનાસ્થળેથી એક છરી અને લોહીના નિશાનવાળી લાકડી મળી આવી હતી, જ્યારે છરી પર લોહીના નિશાન નહોતા મળ્યા. પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળે લોહી સાફ કરવાના પ્રયાસો થયા હોવાનું પણ સામે આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે. તારંગાધામ દેરાસરમાં છેલ્લાં છ વર્ષથી રહેતા અને સેવા-પૂજા કરતા દંપતી વચ્ચે અંદરથી બંધ રૂમમાં બોલાચાલી અને હાથાપાઈ થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા પૂજારી પતિએ લાકડી વડે પત્નિના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી દીધી હતી. પત્નિના મોત બાદ અતિશય રક્તસ્રાવ થયો હતો. જે બાદ પતિએ પોતે પણ એ જ રૂમમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસના કહેવા પ્રમાણે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક તપાસ અને અન્ય પુરાવાઓના આધારે જ ઘટનાનું ચોક્કસ કારણ સામે આવશે. હાલ તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ છે.