થાણે: થાણે જિલ્લાના અંબરનાથમાં લગ્નના માત્ર દોઢ મહિના બાદ મહિલા તેના ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે આ પ્રકરણે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ ગુનો દાખલ કરીને મૃતકના ડૉક્ટર પતિ સહિત ત્રણની ધરપકડ કરી હતી.અંબરનાથના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ફિઝિશિયન અને તેના પરિવારના બે સભ્ય વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું) તથા અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મૃતકના પરિવારની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને બુધવારે ડૉ. નીતિન તિલેકર, તેની માતા છાયા અને ભાઇ નિનાદની ધરપકડ કરી હતી.મૃતક વિશાખા તિલેકરના લગ્ન 30 એપ્રિલે ડૉક્ટર સાથે થયા હતા અને મંગળપારે વિશાખા ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.વિશાખાના પરિવારે આક્ષેપ કર્યો હતો કે વધારાના સોનાના દાગીના અને રોકડની માગણી કરીને તેને સાસરિયાં દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.
અમારી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી પતિએ તેની પત્નીની હિલચાલ પર નજર રાખવા માટે ઘરની અંદર તેમ જ બહાર સીસીટીવી કેમેરા લગાવી રાખ્યા હતા, એમ શિવાજી નગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રમેશ પાટીલે કહ્યું હતું.વિશાખાની રોજિંદી પ્રવૃત્તિઓ વિશે તેને પૂછવામાં આવતું હતું અને પડોશીઓ સાથે વાતચીત કરે તો તેની મારપીટ કરવામાં આવતી હતી. વિશાખાએ તેની તકલીફ અંગે માતાને જાણ કરી હતી. જોકે પરિવારજનો તેને પાછા ઘરે લઇ આવે તે અગાઉ તે મૃત્યુ પામી હતી. (પીટીઆઇ)