Sun May 24 2026

Logo

લગ્નના 27 વર્ષ બાદ સાઉથના અભિનેતા થલાપતિ વિજય અને પત્ની સંગીતા થશે અલગ...

2026-02-27 19:43:09
Author: Tejas
Article Image

થલાપતિ વિજય સંગીતા સોરનાલિંગમ


ચેન્નઈ: તમિલ સિનેમાના દિગ્ગજ અભિનેતા અને 'તમિલગા વેત્રી કઝગમ' પાર્ટીના સ્થાપક થલાપતિ વિજયનો સુખી સંસાર તૂટવાને આરે આવી પહોંચ્યું છે. વિજયની પત્ની સંગીતા સોરનાલિંગમે આજે ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં ડાઇવોર્સ માટે અરજી કરીને સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌને ચોંકાવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે આ કાયદાકીય પગલાએ સ્પષ્ટ કરી દીધું છે કે આ પાવરકપલ હવે અલગ થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જોકે, સુપરસ્ટાર વિજય દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

વિજય અને સંગીતાની લવસ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. સંગીતા શ્રીલંકન તમિલ પરિવારની છે અને તેનો ઉછેર લંડનમાં થયો છે. તે વિજયની મોટી ફેન હતી અને શૂટિંગ દરમિયાન જ બંનેની મુલાકાત થઈ હતી. 25 ઓગસ્ટ, 1999ના આ કપલે લગ્ન કર્યા હતા. વિજય પોતે ખ્રિસ્તી હોવા છતાં તેને સંગીતા સાથે હિન્દુ રીત-રિવાજ મુજબ સાત ફેરા લીધા હતા અને ત્યાર બાદ ચેન્નઈમાં ભવ્ય રિસેપ્શન યોજયું હતું. 27 વર્ષ સુધી આ દંપતી દક્ષિણ ભારતીય સિનેમાના 'પાવર કપલ' તરીકે જાણીતું હતું.

વિજય અને સંગીતા

થલાપતિ વિજયની પત્ની સંગીતા હંમેશાં ગ્લેમર દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરતી હતી. તેણે પોતાના પરિવાર અને બાળકોના ઉછેરને પ્રાથમિકતા આપી હતી. સોશિયલ મીડિયા પર પણ તે ખૂબ ઓછી સક્રિય જોવા મળતી હતી અને માત્ર ખાસ કાર્યક્રમોમાં જ વિજય સાથે જાહેરમાં દેખાતી હતી. વિજય પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અંગત જીવનની તસવીરો ખૂબ ઓછા પ્રમાણમાં શેર કરતા હતા, જેના કારણે તેમના અલગ થવાની ચર્ચાઓ થતી, પણ હવે એ સાચી પુરવાર થઈ છે.

વિજય અને સંગીતાને બે સંતાનો છે, જેઓ હવે પોતાની ઓળખ બનાવી રહ્યા છે. તેમનો મોટો પુત્ર જેસન સંજય તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી ચૂક્યો છે, જ્યારે પુત્રી દિવ્યા સાશા પણ અભ્યાસની સાથે ધીમે ધીમે લાઈમલાઈટમાં આવી રહી છે. એક તરફ જ્યારે વિજય પોતાની રાજકીય કારકિર્દીને નવી ઊંચાઈ પર લઈ જવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે તેમના અંગત જીવનમાં આવેલા આ વળાંકથી તેમના લાખો ચાહકો સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.