Thu Jun 25 2026

Logo

સ્પોર્ટ્સમૅનઃ આઇપીએલના જુનિયરો બન્યા ટીમ ઇન્ડિયાના સિનિયરો માટે પડકાર

2026-05-23 08:37:00
Author: Ajay Motiwala
Article Image

અજય મોતીવાલા

જીવનના 40મા વર્ષની નજીક પહોંચી રહેલો રોહિત શર્મા અનફિટ હોવાને કારણે આ વખતની આઇપીએલમાં તમામ મૅચો નથી રમ્યો. તે 2027ના વન-ડે વર્લ્ડ કપમાં તો શું આગામી વન-ડે સિરીઝોમાં પણ રમી શકશે કે નહીં એ વિશે બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) ચિંતામાં છે. હાર્દિક પંડ્યા વિશે પણ એવું જ છે. તેને પણ આઇપીએલમાં ઈજા નડી અને મુંબઈ ઇન્ડિયન્સના અત્યંત ખરાબ દેખાવને કારણે સતત માનસિક દબાણમાં રહ્યો. 

ટી-20નો વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યકુમાર યાદવ જરાય ફૉર્મમાં નથી. રિષભ પંત પણ બૅટિગમાં અસલ ટચ ગુમાવી બેઠો છે. જસપ્રીત બુમરાહ માટે તો ખાસ વર્કલોડ મૅનેજમેન્ટની વ્યવસ્થા રાખવી પડે છે. રવીન્દ્ર જાડેજાનો જમાનો હવે ગયો કે શું?

એક સાથે આ બધા દિગ્ગજોની અહીં ચર્ચા કરવા પાછળનું કારણ એ છે કે આવનારા મહિનાઓમાં તેઓ નબળા ફોર્મને લીધે કે ઈજાના કારણસર કોઈ મેચ કે સિરીઝ કે ટૂર્નામેન્ટમાં નહીં રમી શકે તો તેમના સ્થાન લેવા માટે ભારતીય સિલેક્ટરોને આ વખતની આઈપીએલમાંથી નવયુવાન ખેલાડીઓની લાંબી ફોજ મળી જ છે. 

ઈશાન કિશન પછી હવે શ્રેયસ ઐયર પણ ટીમ ઇન્ડિયામાં ફરી સ્થાન જમાવવા તૈયાર જ છે. રોહિત કે સૂર્યા જો હવે પછી સતત સારું નહીં રમે તો આ બે યુવાન પ્લેયર તેમની જગ્યા લઈ શકે એમ છે. તિલક વર્માએ પણ ટીમમાં સ્થાન ટકાવવું પડશે. કેએલ રાહુલ અને સંજુ સૅમસને પણ આવનારી શ્રેણીઓમાં તક મળતાં સતત સારું રમવું પડશે.

ભારતીય ટીમ હાલમાં મોટા પરિવર્તનકાળમાંથી પસાર થઈ રહી છે. ઓપનિંગ માટે તો સિલેક્ટરોને સંખ્યાબંધ ભરોસાપાત્ર બૅટ્સમેન મળી શકે એમ છે. 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી પસંદગીકારોની પહેલી પસંદ બનશે. ઇનિંગ્સમાં શરૂઆતથી જ ફટકાબાજી કરીને હરીફો પર પ્રભુત્વ જમાવવા માટે કાબેલ, નિર્ભય અને ટૅલન્ટેડ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેન વૈભવ સૂર્યવંશી ભારતની વન-ડે અને ટી-20 બન્ને ટીમમાં જગ્યા મેળવી શકે એવો છે.

દર વર્ષે આઇપીએલમાં ચમકતો ગુજરાત ટાઇટન્સનો શાંત સ્વભાવનો ઓપનર સાઈ સુદર્શન ભારત વતી રમી ચૂક્યો જ છે અને હવે પૂર્ણ સ્તરે ટીમ ઇન્ડિયામાં સામેલ થઈ શકે. આ વખતની આઇપીએલમાં તેના 638 રન હાઇએસ્ટ છે. 2025ની સીઝનમાં તે 759 રન સાથે નંબર વન હતો અને હજી પ્લે-ઑફમાં તેનાં કરતબ જોવાના બાકી છે.

દમદાર અને વિસ્ફોટક ઓપનર્સ પ્રિયાંશ આર્ય તથા પ્રભસિમરન સિંહ, સ્પિન સામે સારુંં રમી શકતો અંગક્રિશ રઘુવંશી, અન્ડર-19 વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન આયુષ મ્હાત્રે તેમ જ મિડલ ઑર્ડરના બૅટ્સમેન નમન ધીર, કાર્તિક શર્મા વગેરે ખેલાડીઓ પણ ટીમ ઇન્ડિયામાં આવવા માટેની કતારમાં જ છે. ટૂંકમાં, ભારત પાસે યશસ્વી જયસ્વાલ ઉપરાંત બીજા ઘણા સારા આક્રમક ઓપનિંગ બૅટ્સમેન અને મિડલ ઑર્ડરના બૅટ્સમેન છે. ખેલાડીઓ ઘણા છે, પણ એમાંથી બેસ્ટ 20-25 પ્લેયર્સને પસંદ કરીને સર્વશ્રેષ્ઠ ટીમ બનાવવાની છે જે ભારતને 1983 અને 2011 પછીનો ત્રીજો વન-ડે વર્લ્ડ કપ અપાવી શકે.

બીસીસીઆઇને ખરી ચિંતા અફઘાનિસ્તાન, આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ સામેની આગામી સિરીઝો કરતાં 2027ના વન-ડે વર્લ્ડ કપની ટીમ તૈયાર કરવાની છે. ખાસ કરીને એમાં રોહિત શર્મા રમી શકશે કે કેમ? એ વિશ્વ કપ સુધીમાં રોહિત ઉપરાંત વિરાટ કોહલી ફૉર્મ અને ફિટનેસ જાળવી શકશે કે કેમ? હાર્દિક વન-ડેમાં 10 ઓવર પૂરી કરવા માટે થોડા સમયથી અસમર્થ રહ્યો છે એટલે તેનું વન-ડે ભાવિ કેવું હશે? તેના જેવો બીજો ઑલરાઉન્ડર વર્લ્ડ કપ સુધીમાં તૈયાર કરી શકાશે કે નહીં? 

રવીન્દ્ર જાડેજા હજી ટેસ્ટ ઉપરાંત વન-ડેમાં રમે છે એટલે તેની કરીઅર આગામી વિશ્વ કપ સુધી લંબાશે કે નહીં? તેને તેમ જ અક્ષર પટેલને ચૅલેન્જ આપવા હરપ્રીત બ્રાર, સુયશ શર્મા પણ ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી કરવા તત્પર છે. ભુવનેશ્વર કુમાર આઇપીએલ-2026ના કુલ 24 વિકેટના શાનદાર પર્ફોર્મન્સ બદલ ભારત વતી નવી ઇનિંગ્સ શરૂ કરવા માટે નંબર-વન દાવેદાર છે. પ્રિન્સ યાદવ અને ગુરુનૂર બ્રારનો નંબર ટીમ ઇન્ડિયામાં લાગી ગયો છે. અંશુલ કંબોજ, કાર્તિક ત્યાગી, બ્રિજેશ શર્મા, આકીબ નબી, રસિખ સલામ, પ્રફુલ્લ હિંગે, સાકીબ હુસૈન વગેરે પણ દાવેદાર છે.

હાલમાં ક્રિકેટ બોર્ડ તેમ જ સિલેક્ટરોના મનમાં અનેક પ્રશ્નો અટવાયા છે. સિનિયર ખેલાડીઓની કરીઅર પૂરી થઈ ગઈ એવું નથી, ભારત પાસે અન્ય કોઈ પણ દેશ કરતાં વધુ ટૅલન્ટેડ ખેલાડીઓ છે. સિનિયરો જો સાતત્યતા નહીં જાળવે તો ક્રિકેટ જગત આવનારા મહિનાઓમાં ભારતની તદ્દન નવી યંગ બ્રિગેડ જોશે.