Sat Sep 05 2026

Logo

ચૂંટણી માટે શિક્ષકોને ફૂલ-ટાઇમ કામ કરવાની ફરજ પડીઃ પરીક્ષા પર સંકટ

2026-04-09 20:47:46
Author: Mumbai Samachar Team
ચૂંટણી માટે શિક્ષકોને ફૂલ-ટાઇમ કામ કરવાની ફરજ પડીઃ પરીક્ષા પર સંકટ

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને મતદારયાદીના સુધારણા કાર્યક્રમ માટે ૨,૨૭૫ શિક્ષકની મતદાન મથકના અધિકારી તરીકે નિમણૂક કરી છે. જોકે, આ શિક્ષકોને પાર્ટ-ટાઇમ નહીં, પરંતુ ફૂલ-ટાઇમ કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. પરીક્ષાઓ નજીક હોવાથી ચૂંટણીનું ફૂલ-ટાઇમ કામ કેવી રીતે કરવું, તેવો પ્રશ્ન શિક્ષકોએ ઉઠાવ્યો હતો. 

મુંબઈ મહાનગરપાલિકાએ ચૂંટણીની કામગીરી માટે પ્રાથમિક, માધ્યમિક અને ખાનગી અનુદાનિત શાળાઓના અંદાજે ૨,૨૭૫ શિક્ષકોની નિમણૂક કરી છે. મહાપાલિકા પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવાયું હતું કે શાળાનું વ્યવસ્થાપન સંભાળીને અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને નુકસાન પહોંચાડ્યા વિના ચૂંટણીનું કામ કરવાનું રહેશે. તેના મુજબ સવારની પાળીના શિક્ષકોએ બપોરે અને બપોરની પાળીના શિક્ષકોએ સવારે ચૂંટણીની કામગીરી કરવી, એવી સૂચનાઓ આપવામાં આવી છે.

બીજી તરફ, શિક્ષકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો તેઓ ફૂલ-ટાઇમ ચૂંટણીનું કામ કરશે, તો વિદ્યાર્થીઓની પરીક્ષા કેવી રીતે લેશે અને તેમના પરિણામો કેવી રીતે જાહેર કરશે? આ બાબતે શિક્ષકોને કોઈ સંતોષજનક ઉત્તર મળી રહ્યો નથી, જેના કારણે તેમની સામે મોટી મૂંઝવણ ઊભી થઈ છે.

કેટલીક શાળાઓમાં ૧૫ શિક્ષકમાંથી ૧૨ શિક્ષકોને ચૂંટણી કાર્ય માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાં ગરીબ ઘરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી, વહીવટીતંત્ર દ્વારા તેમની ગુણવત્તા પ્રત્યે જાણીજોઈને દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે, એમ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષક સંગઠનના રાજેન્દ્ર મોહિતેએ કહ્યું હતું .