Sat Sep 05 2026

Logo

વિદ્યાર્થિની પર જાતીય હુમલો: શિક્ષકને ત્રણ વર્ષની સખત કેદ

2026-05-07 19:05:00
Author: Yogesh C. Patel
વિદ્યાર્થિની પર જાતીય હુમલો: શિક્ષકને ત્રણ વર્ષની સખત કેદ

થાણે: સાત વર્ષ અગાઉ ‘સરપ્રાઈઝ ટેસ્ટ’ દરમિયાન 17 વર્ષની વિદ્યાર્થિની પર જાતીય હુમલો કરવાના કેસમાં થાણેની સ્પેશિયલ પોક્સો કોર્ટે 37 વર્ષના શિક્ષકને કસૂરવાર ઠેરવી ત્રણ વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.

આવું કૃત્ય ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ પર લાંછન લગાડે છે, એવું વિશેષ જજ રુબી યુ માલવણકરેે મંગળવારે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું.

ફરિયાદ પક્ષ અનુસાર 24 મે, 2019ના એક ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટમાં દીપક શ્રીમંત કદમે આ કૃત્ય આચર્યું હતું. સિનિયર ટીચર કદમે ‘સરપ્રાઈઝ ટેસ્ટ’ને બહાને ફરિયાદીને પોતાની કૅબિનમાં બોલાવી હતી. પછી કદમે વિદ્યાર્થિનીને અયોગ્ય સ્પર્શ કર્યો હોવાનું વિશેષ સરકારી વકીલ યોગેન્દ્ર પાટીલે ટ્રાયલ દરમિયાન કોર્ટમાં જણાવ્યું હતું.

બનેલી ઘટનાની જાણ વિદ્યાર્થિનીએ તાત્કાલિક તેની બહેનપણીઓ અને પછી પિતાને કરી હતી, જેને પગલે એફઆઈઆર નોંધાયો હતો.

જોકે કદમે જણાવ્યું હતું કે છોકરીએ ‘ઓછી’ હાજરીથી બચવા માટે ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ‘પછીથી આવેલો વિચાર’ હોવાનું કહીને કોર્ટે આ બચાવ નકારી કાઢ્યો હતો. કોર્ટે નોંધ કરી હતી કે આરોપી આવા શિસ્તના મુદ્દાઓ સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો છે.

આરોપીએ ગેરવર્તન દ્વારા સ્પષ્ટ રીતે વિદ્યાર્થિની સામે ખરાબ અને ઘૃણાસ્પદ ચિત્ર ઊભું કર્યું, જેનાથી ગુરુ-શિષ્યની છબિ ખરડાઈ છે, એવું જજે નોંધ્યું હતું.

કોર્ટે કદમને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટની વિવિધ કલમો હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી અને પાંચ હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

(પીટીઆઈ)