Sat Jun 06 2026

Logo

અમદાવાદમાં 9નો હત્યારો તથ્ય જેલમાંથી છૂટ્યો, કેટલા કરોડ જમા કરાવ્યા ? શું શું છે શરતો ?

2026-06-04 09:42:00
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદ: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 2023માં થયેલા ભયાનક અને જીવલેણ માર્ગ અકસ્માતના મુખ્ય આરોપી તથ્ય પટેલ (Tathya Patel) આશરે પોણા ત્રણ વર્ષ જેટલો સમય જેલના સળિયા પાછળ વિતાવ્યા બાદ આખરે બુધવારે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જામીનની ઔપચારિકતાઓ પૂર્ણ કરવાના આદેશ બાદ તેને મુક્ત કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે 27 મે, 2026ના રોજ તથ્ય પટેલના નિયમિત જામીન મંજૂર કર્યા હતા. જેલમાંથી બહાર આવતી વખતે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ જેલની બહાર તેને લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. તથ્ય પટેલે જેલમાં કુલ 2 વર્ષ, 10 મહિના અને 14 દિવસ વિતાવ્યા છે. ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ એક હાઈપ્રોફાઈક કેસ બની ગયો હતો. આ મુદ્દાએ દેશમાં ચર્ચાઓ શરૂ કરી હતી. આ કેસનો આરોપી તથ્ય પટેલ હવે બહાર આવી ગયો છે 

સુપ્રીમ કોર્ટે રૂપિયા એક કરોડ ડિપોઝિટ કરાવવાનો આપ્યો આદેશ

જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે તથ્ય પટેલને જામીન આપતી વખતે એક મહત્વપૂર્ણ શરત મૂકી હતી. કોર્ટે તેની શુદ્ધ ભાવના સાબિત કરવા માટે ટ્રાયલ કોર્ટ સમક્ષ રૂપિયા 01 કરોડની રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. તથ્યના વકીલ નિસાર વૈદના જણાવ્યા અનુસાર, અમદાવાદ રૂરલ કોર્ટમાં જામીન બોન્ડ અને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જેલ પ્રશાસનને ઓર્ડર સોંપવામાં આવ્યો હતો.

જામીનની મુખ્ય શરતો શું છે?

વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ: તથ્ય પટેલ ભારત છોડીને બહાર જઈ શકશે નહીં અને તેનો પાસપોર્ટ કોર્ટના તાબામાં રહેશે.

ડ્રાઇવિંગ પર આજીવન પ્રતિબંધ: સાબરમતી આરટીઓ દ્વારા ટ્રાફિક પોલીસની ભલામણ પર તથ્યનું ડ્રાઇવિંગ લાયસન્સ હંમેશા માટે રદ કરી દેવાયું છે. તે હવે ભારતમાં ક્યારેય કાયદેસર રીતે વાહન ચલાવી શકશે નહીં.

ભવિષ્યની પ્રવૃત્તિઓ: તેને ભવિષ્યમાં આવી કોઈપણ ગુનાહિત કે જોખમી પ્રવૃત્તિઓમાં સામેલ ન થવા કડક સૂચના આપવામાં આવી છે. 

શું હતો સમગ્ર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ?

જુલાઈ 2023ની એ કાળી રાત્રે અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર એક થાર ગાડીનો અકસ્માત જોવા ટોળું વળ્યું હતું. તે દરમિયાન તથ્ય પટેલે પોતાની પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કાર ભીડ પર ચઢાવી દીધી હતી, જેમાં પોલીસ કર્મચારીઓ સહિત અનેક નિર્દોષ યુવાનોના કરૂણ મોત નીપજ્યા હતા. આ કેસની ગંભીરતા જોઈને પોલીસે માત્ર 7 જ દિવસમાં 1,684 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. તથ્ય પટેલ સામે ભારતીય દંડ સંહિતા અનેક કલમો અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે, હવે તથ્ય પટેલને આ કેસમાં જામીન આપી દેવામાં આવ્યાં છે.