Fri Aug 14 2026

Logo

મુંબઈ-પુણેના ટ્રાફિક અને પ્રદૂષણથી મળશે કાયમી મુક્તિ! જાણો સરકારનો 2030નો 'ગ્રાન્ડ પ્લાન'

2026-08-04 21:32:02
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
મુંબઈ, પુણે અને નાગપુર જેવા મોટા શહેરોમાં વધતા ટ્રાફિક અને પ્રદૂષણને નિયંત્રિત કરવા મહારાષ્ટ્ર સરકારે ₹ 2,80,755 કરોડના વિશાળ બજેટ સાથે મેટ્રો નેટવર્કના વિસ્તારની જાહેરાત કરી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટા શહેરોમાં વધતા ટ્રાફિક, લાંબી મુસાફરી અને પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે રાજ્ય સરકારે મેટ્રોને ભવિષ્યની મુખ્ય પરિવહન વ્યવસ્થા બનાવવાનો નિર્ણય લીધો છે. સરકાર હવે માત્ર મેટ્રો લાઇન નહીં, પરંતુ સમગ્ર શહેરી પરિવહનનું નવું નેટવર્ક તૈયાર કરી રહી છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું છે કે મહારાષ્ટ્રમાં મેટ્રો પ્રોજેક્ટ્સને ઝડપી ગતિ આપવામાં આવશે અને વર્ષ 2030 સુધીમાં રાજ્યમાં 300 કિલોમીટરથી વધુ નવા મેટ્રો માર્ગ શરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

અત્યારે મહારાષ્ટ્રમાં 174 કિલોમીટરનો મેટ્રો માર્ગ મુસાફરો માટે કાર્યરત છે. પરંતુ આગામી સમયમાં આ નેટવર્ક અનેકગણું વિસ્તરવાનું છે. હાલ 291 કિલોમીટર મેટ્રો રૂટ પર બાંધકામ ચાલી રહ્યું છે, જ્યારે 130 કિલોમીટર રૂટ મંજૂરીની પ્રક્રિયામાં છે અને 87.15 કિલોમીટર માટે ડીપીઆર તૈયાર કરવામાં આવી રહ્યો છે.

મુંબઈથી નાગપુર સુધી બદલાશે મુસાફરીનો અંદાજ

મુંબઈ, પુણે, નાગપુર અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં મેટ્રોનો વિસ્તાર શહેરોની ગતિ બદલવાનો પ્રયાસ છે. ખાસ કરીને મુંબઈ જેવા શહેરમાં જ્યાં રસ્તા પર દરરોજ લાખો લોકો ટ્રાફિકમાં કલાકોનો સમય ગુમાવે છે, ત્યાં મેટ્રો એક ઝડપી અને વિશ્વસનીય વિકલ્પ બની શકે છે. સરકારનું માનવું છે કે મેટ્રો માત્ર મુસાફરીનું સાધન નહીં રહે, પરંતુ શહેરોના આર્થિક વિકાસનું એન્જિન બનશે.

2.80 લાખ કરોડનો મોટો દાવ

મહારાષ્ટ્રના મેટ્રો પ્રોજેક્ટ્સ માટે કુલ 2,80,755 કરોડ રૂપિયાનું વિશાળ રોકાણ કરવામાં આવી રહ્યું છે. આ રકમથી રાજ્યમાં મેટ્રોનું એવું નેટવર્ક ઊભું કરવાનો પ્રયાસ છે, જે ભવિષ્યની વધતી વસ્તી અને ટ્રાફિકની જરૂરિયાતોને પહોંચી વળે.

આ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકારનો હિસ્સો 27,216 કરોડ રૂપિયા રહેશે, જ્યારે રાજ્ય સરકાર 50,250 કરોડ રૂપિયાનું સીધું યોગદાન આપશે. આ ઉપરાંત એમએમઆરડીએ , સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને અન્ય આયોજન પ્રાધિકરણો દ્વારા 75,729.62 કરોડ રૂપિયાનું નાણાકીય આયોજન કરવામાં આવશે.

મેટ્રોના આ મહાયોજનામાં સૌથી મોટો પડકાર માત્ર ફંડ નહીં પરંતુ સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો છે. આ માટે મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે પ્રોજેક્ટ શરૂ થયા બાદ ત્રણ વર્ષમાં પૂર્ણ થાય તે રીતે આયોજન કરવામાં આવે.

જો સરકારનો આ પ્લાન સમયસર સાકાર થાય છે, તો આગામી પાંચ વર્ષમાં મહારાષ્ટ્રના શહેરોમાં મુસાફરીની સકલ બદલાઈ શકે છે. પ્રશ્ન હવે એ છે કે 2.80 લાખ કરોડનું આ મેટ્રોનું સ્વપ્ન આખરે સાકાર થવામાં કેટલો સમય લગાડે છે.