તાઇપેઇ સિટીઃ પંજાબમાં રહેતી ભારતની 17 વર્ષીય બૅડમિન્ટન ખેલાડી તન્વી શર્મા (Tanvi Sharma)એ રવિવારે તાઇપેઇ ઓપન સુપર-300 ટૂર્નામેન્ટમાં સિંગલ્સનું ટાઇટલ જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. તે અહીં મહિલાઓની યંગેસ્ટ ચૅમ્પિયન બની છે. તન્વીએ ભારતની ઑલિમ્પિક-વિજેતાં પી. વી. સિંધુના ભૂતપૂર્વ મેન્ટર પાર્ક તાઇ-સૅન્ગ પાસે તાલીમ લીધી હતી અને ભારતની જ સ્ટાર-ખેલાડી સાઇના નેહવાલની 18 વર્ષ પહેલાંની સિદ્ધિની બરાબરી કરી હતી.
તન્વી શર્માએ ફાઇનલમાં વિયેટનામની થુય લિન્હ ઍન્ગૂયેનને 21-16, 21-16થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. તન્વી શર્માની ઉંમર 17 વર્ષ અને 222 દિવસ છે. તેણે બૅડમિન્ટન-લેજન્ડ તાઇ ત્ઝુ યિન્ગનો યંગેસ્ટ ચૅમ્પિયનનો વર્ષો જૂનો વિક્રમ તોડી નાખ્યો હતો.
INDIA’S TANVI SHARMA WINS HER MAIDEN BWF WORLD TOUR TITLE! 🏆🤩
— The Khel India (@TheKhelIndia) August 2, 2026
- 17 year old wins Taipei Open (Super 300) pic.twitter.com/ZpI2E3UNui
તન્વીનું આ પ્રથમ બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ટાઇટલ છે. તેણે વિશ્વની 21મા ક્રમની ઍન્ગૂયેનને માત્ર 36 મિનિટમાં હરાવી દીધી હતી. સાઇના નેહવાલ 2008ની સાલમાં આ ટ્રોફી જીતી હતી.
તન્વી શર્મા ગયા વર્ષે બૅડમિન્ટનની યુએસ ઓપન સુપર-300 ટૂર્નામેન્ટમાં રનર-અપ રહી હતી. તેણે રવિવારે તાઇપેઈ (Taipei)માં જીત્યા બાદ પત્રકારોને કહ્યું, `હું ટાઇટલ જીતીશ એવી મને અપેક્ષા તો નહોતી, પણ મેં બેસ્ટ પર્ફોર્મ કરવાનું નક્કી કર્યું હતું. મેં એક પછી એક મૅચ પર જ બધુ ધ્યાન આપ્યું હતું અને એ રીતે ફાઇનલમાં પહોંચી અને એ પણ જીતી લીધી.'