Sat May 09 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ સ્ટાલિને તલવાર કેમ મ્યાન કરવી પડી?

2026-05-09 08:10:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

દેશનાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં દેશનાં લોકોને સૌથી વધારે રસ પશ્ચિમ બંગાળમાં શું થાય છે એ જાણવામાં હતો પણ ચૂંટણીનાં પરિણામો પછી વધારે રસ તમિળનાડુમાં શું થાય છે એ જાણવામાં છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ ડ્રામા કરીને થોડી હોહા કરી પણ રાજ્યપાલે મમતાના આખા મંત્રીમંડળને જ ઘરભેગું કરી દેતાં મમતાના ડ્રામાની હવા નિકળી ગઈ છે પણ તમિળનાડુમાં જોરદાર પોલિટિકલ થ્રીલર ચાલી રહ્યું છે. 

તમિળનાડુની ચૂંટણીમાં સુપરસ્ટાર વિજયની પાર્ટી ટીવીકેને સૌથી વધારે બેઠકો મળી છે પણ સ્પષ્ટ બહુમતી નથી મળી. વિજયે સરકાર રચવાનો દાવો કર્યો પણ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજયને બહુમતીનો વેત કર્યા પછી જ આવવા કહેતાં કોકડું ગૂંચવાયું છે. 

વિજય બાકીના ધારાસભ્યોનો વેત કરવા  ફાંફાં મારી રહ્યો છે ત્યાં એઆઈએડીએમકેના ઈ.કે. પલાનીસ્વામીએ  જોરદાર દાવ ખેલીને સરકાર રચવા માટે પોતાના કટ્ટર હરીફ ડીએમકેનો ટેકો માગી લેતાં જોરદાર ટ્વિસ્ટ આવી ગયો હતો. ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની પાર્ટી ડીએમકેએ પહેલાં વિપક્ષમાં બેસવાનું નક્કી કરી નાંખેલું પણ એઆઈએડીએમકેએ ટેકો માગતાં તેની પણ દાઢ સળકી છે. અલબત્ત, સ્ટાલિને અંતે વિચાર માંડી વાળ્યો અને કહ્યું કે છ મહિના સુધી સરકાર પાડવાનો પોતે કોઈ વિચાર નહીં કરે.

આની પાછળનું સ્ટાલિનનું ગણિત સમજી લેવા જેવું છે. વિજય સત્તા પર આવી જાય તોય તેને કોઈ અનુભવ નથી અને સ્ટાલિનના સાથી પક્ષો અત્યારે તેનાથી છૂટા થઈને વિજયને ટેકો આપવાનું વિચારી રહ્યા છે જે વિજયના નાકમાં દમ કરી નાખશે. બીજું સ્ટાલિન કટ્ટર દુશ્મન અન્ના દ્રમુકની કાખઘોડીને સહારે વેન્ટિલેટર પરની સરકાર માટે તૈયાર નથી. 

વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડી રીતે હારી ગયેલા સ્ટાલિન સાવ પતી ગયા એવું મનાતું હતું પણ અચાનક જ સ્ટાલિન કિગ મેકર બનવાનું સ્વપ્ન સ્ટાલિનને આવી ગયું ખરું પણ સ્ટાલિને વિચાર્યું કે અત્યારે તો વિપક્ષમાં બેસવામાં જ માલ છે. વિજયની ટીવીકે 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી છે પણ વિજય પોતે બે ઠેકાણેથી જીત્યો છે તેથી તેણે એક બેઠક છોડવી પડે. આમ  તેની બેઠકોની સંખ્યા ઘટીને 107 થઈ ગઈ છે તેથી સ્પષ્ટ બહુમતી માટે બીજા 11 ધારાસભ્યોનો ટેકો જોઈએ. 

ડીએમકે, એઆઈએડીએમકે અને ટીવીકે એ ત્રણ મુખ્ય પક્ષો સિવાય નાના નાના પક્ષો મળીને 20 બેઠકો જીત્યાં છે તેથી પહેલી નજરે વિજય માટે સરકાર રચવાનો ખેલ બહુ સરળ લાગતો હતો પણ આ 20 ધારાસભ્યોમાંથી માત્ર કૉંગ્રેસના પાંચ ધારાસભ્યો જ વિજયને ટેકો આપવા થયા છે જ્યારે બાકીના બધા વેગળા ભાગી રહ્યા છે. 

પીએમકે, ભાજપ અને એએમએમકેનું જોડાણ એઆઈએડીએમકે સાથે છે. તેમાંથી ભાજપ તો વિજયને ટેકો આપે એ વાતમાં માલ જ નથી પણ બીજા બે પક્ષો પણ એઆઈડીએમકેનો સાથ છોડવા તૈયાર નથી. ડીએમકેના નેતૃત્વ હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સમાંથી પણ કૉંગ્રેસ સિવાયના મુસ્લિમ લીગ, ડીએમડીકે, વીસીકે, મુસ્લિમ લીગ અને સામ્યવાદી પક્ષો ડીએમકેનો સાથ છોડવા જલદી તૈયાર નહોતા થઈ રહ્યા. 

સ્ટાલિન પલાનીસ્વામીને ટેકો આપી દે તો આ પલાનીસ્વામી પાસે સ્પષ્ટ બહુમતી થઈ જાય. પલાનીસ્વામીની એઆઈએડીએમકે પાસે પોતાના 47, પીએમકેના 4 તથા ભાજપ અને એએમએમકેના 1-1 મળીને કુલ 53 ધારાસભ્યો છે. ભાજપ ખસી જાય તો પણ પલાનીસ્વામી પાસે 52 ધારાસભ્યો તો રહે જ. સ્ટાલિનની ડીએમકે પાસે પોતાના 59 ધારાસભ્યો છે તેથી બંને ભેગાં મળીને જ 111 પર તો પહોંચી જાય. ડીએમકે સાથે મુસ્લિમ લીગના 2, ડીએમડીકેનો 1, વીસીકેના 2 અને સામ્યવાદી પક્ષોના 4 મળીને બીજા 9 ધારાસભ્યો હોવાથી આંકડો 120 પર પહોંચી જાય.  મતલબ કે, પલાનીસ્વામી સરળતાથી સરકાર રચી શકે તેથી બધો આઘાર સ્ટાલિન પર હતો. જોકે સ્ટાલિને તલવાર કાઢી ખરી પણ મ્યાન કરી દીધી.

બાકી હમણાં કોઈ સરકાર રચી નહીં શકે તેથી રાષ્ટ્રપતિશાસન આવી જશે ને એ દરમિયાન ધારાસભ્યોની ખરીદીનો ગંદો ખેલ ચાલશે. એ રીતે પણ મેળ ના પડે તો છેવટે નવેસરથી ચૂંટણી કરાવવી પડશે. બિહારમાં 2000ની સાલમાં આ રીતે છ મહિનામાં જ બે વાર ચૂંટણી કરાવવી પડેલી. ચૂંટણીના ખર્ચનો બોજ અંતે તો આપણી કેડ પર જ આવવાનો છે.

સ્ટાલિનની ડીએમકે અને પલાનીસ્વામીની એઆઈએડીએમકે વરસોથી તમિળનાડુમાં રાજકીય હરીફ છે પણ બંનેની વિચારધારા એક જ છે ને ગોત્ર પણ એક જ છે. એઆઈએડીએમકેની સ્થાપના તમિળ ફિલ્મોના સુપરસ્ટાર એમ.જી. આર. ઉર્ફે મરૂધર ગોપાલન રામચંદ્રને કરેલી ને તેનું કારણ ડીએમકેમાં કરુણાનિધિ સાથેનો સંઘર્ષ હતો. તમિળનાડુમાં અંગ્રેજ શાસનનાં સમયમાં દ્રવિડ ચળવળ પ્રબળ બની હતી. તમિળનાડુના મહાત્મા ગાંધી મનાતા પેરીયાર ઉર્ફે ઈ.વી. રામાસ્વામીએ આઝાદી પહેલાં જસ્ટિસ પાર્ટી બનાવેલી. પેરીયારની છત્રછાયામાં અન્નાદુરાઈ અને કરુણાનિધિ દ્રવિડિયન ચળવળના નેતા તરીકે ઊભર્યા.

પેરીયારે પોતાનાથી 20 વર્ષ નાની યુવતી  સાથે લગ્ન કરી તેને પોતાની રાજકીય વારસ જાહેર કરી એટલે અન્નાદુરાઈ અને કરુણાનિધિએ 1949માં દ્રવિડ મુનેત્ર કળગમ (ડીએમકે) બનાવી હતી. એમજીઆર આઝાદી પછીનાં વરસોમાં કૉંગ્રેસી હતા પણ સ્ક્રીપ્ટ રાઈટર કરુણાનિધિથી પ્રભાવિત થઈને 1953માં ડીએમકેમાં આવ્યા. ડીએમકેમાંથી ધારાસભ્ય બન્યા ને મંત્રી પણ બન્યા. 

અન્નાદુરાઈના નિધન પછી કરુણાનિધિ મુખ્યમંત્રી બનતાં એમજીઆરને વિખવાદ થતાં તેમણે 1972માં એઆઈએડીએમકે બનાવી. તેના પાંચ વર્ષ પછી 1977માં એ મુખ્યમંત્રી બન્યા ને 1987માં જીવ્યા ત્યાં લગી મુખ્યમંત્રી રહ્યા. એમજીઆરનાં પ્રેમિકા જયલલિતાએ એઆઈએડીએમકે પર કબજો કરીને તેમનો રાજકીય વારસો સાચવ્યો ને કુલ છ વાર તમિળનાડુનાં મુખ્યમંત્રી બન્યાં. 

કરુણાનિધિ અને એમજીઆરના ટકરાવના કારણે અસ્તિત્વમાં આવેલી એઆઈએડીએમકેની વિચારધારા પણ દ્રવિડિયન સંસ્કૃતિને મહત્ત્વ આપવાની છે. ડીએમકે સામે લડવા માટે હિંદુ મતબેંકની લાલચમાં એઆઈએડીએમકે ભાજપ સાથે જોડાણ કરે છે પણ તમિળનાડુમાં સરકાર રચવાનું આવે તો એઆઈએડીએમકે ભાજપને બાજુ પર મૂકી શકે છે કેમ કે સ્ટાલિન એઆઈએડીએમકેના ભાજપ સાથેના જોડાણને માન્ય નહીં રાખે.