Wed Aug 26 2026

Logo

T20 વર્લ્ડ કપ ફાઈનલ: અર્શદીપે મિશેલને બોલ કેમ માર્યો હતો? મેચ બાદ આવી રમુજી ટીપ્પણી કરી

2026-03-09 14:42:00
Author: Savan Zalariya
T20 વર્લ્ડ કપ ફાઈનલ: અર્શદીપે મિશેલને બોલ કેમ માર્યો હતો? મેચ બાદ આવી રમુજી ટીપ્પણી કરી

અમદાવાદ: ગઈ કાલે રવિવારે અમદાવાદના શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2006ની ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ભારતીય ટીમે ટાઈટલ ડિફેન્ડ કર્યું. આ મેચ સંપૂર્ણ પણે ભારત તરફી રહી હતી, છતાં એક સમયે મેદાનમાં માહોલ ગરમ થઇ ગયો હતો. ભારતીય ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલ વચ્ચે ઉગ્ર બોલચાલ થઇ હતી.

બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન અર્શદીપ સિંહ ભારત તરફથી 11મી ઓવર ફેંકવા આવ્યો હતો. ડેરિલ મિશેલ બેટિંગ કરી રહ્યો હતો, ઓવરના પાંચમાં બોલ પર મિશેલે સીધો શોટ રમવાનો પ્રયાસ કર્યો પણ બોલ બેટ પર સરખો ન આવ્યો. બોલ અર્શદીપનાં હાથમાં આવ્યો. મિશેલ ક્રિઝની બહાર હતો, અર્શદીપે સ્ટમ્પ તરફ બોલ થ્રો કર્યો પણ તે મિશેલને વાગ્યો. 

અર્શદીપ બોલ ફેંકીને પાછળ ફરીને ચાલવા લાગ્યો, ગુસ્સે ભરાયેલા મિશેલે અર્શદીપને ઉગ્ર શબ્દો કહ્યા. અર્શદીપ કઈ પ્રતિક્રિયા આપ્યા વગર ચાલતો રહ્યો. ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મિશેલ પાસે જઈને મામલો શાંત કરાવ્યો, અમ્પાયરે પણ અર્શદીપને ચેતવણી આપી.

 

મેચ બાદ અર્શદીપ સિંહે શું કહ્યું?
મેચ પત્યા બાદ અર્શદીપ સિંહે આ સમગ્ર વિવાદ પર રમુજી અંદાજમાં પ્રતિક્રિયા આપી અને વાતાવરણ હળવું કર્યું. મેચ બાદ અર્શદીપે કહ્યું, "મેં બોલ ફેંક્યો અને તે રિવર્સ સ્વિંગ થઈ ગયો અને મિશેલને વાગ્યો. હું બાદ તેની પાસે માફી માંગવા ગયો હતો."

મેચ બાદ અર્શદીપે મિશેલ સાથે એક વિડીયો બનાવ્યો, જેમાં તે તેની માફી માંગતો જોવા મળે છે.