ચેન્નઈઃ આઇપીએલના પાંચ ટાઇટલ જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના ફ્રૅન્ચાઇઝીએ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનની આગામી સીઝન માટેના નવા હેડ-કોચ તરીકે નિમણૂક કરી છે. એવું જાણવા મળ્યું છે કે સીએસકેની ક્રિકેટ મૅનેજમેન્ટ કમિટીએ ભારતીય કોચ માગ્યો હતો અને કમિટીની એ ઇચ્છા ફ્રૅન્ચાઇઝીએ પૂરી કરી છે.
સીએસકે (CSK)ની આ સમિતિમાં મહેન્દ્રસિંહ ધોની, કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને માલિક રૂપા ગુરુનાથનો સમાવેશ છે. 16 સીઝન સુધી સ્ટીફન ફ્લેમિંગ એકધારો સીએસકેનો હેડ-કોચ હતો, પરંતુ તેના સ્થાને નવા કોચની નિયુક્તિ કરવાનો સમય આવ્યો ત્યારે આ સમિતિએ ઇચ્છા બતાવી હતી કે આ વખતે કોઈ ભારતીય કોચની જ નિયુક્તિ થાય તો સારું. ફ્રૅન્ચાઇઝીએ એ સૂચન અપનાવ્યું અને 2024ની સીઝનમાં લખનઊ સુપર જાયન્ટ્સની ટીમના મેન્ટર રહી ચૂકેલા ઝહીરની નિયુક્તિ કરવામાં આવી. તે 2018થી 2022 સુધી મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાફમાં ક્રિકેટ ઑપરેશન્સ વિભાગના ડિરેકટર સહિતના હોદ્દા પર હતો.
47 વર્ષનો ઝહીર (Zaheer) ભારત વતી 92 ટેસ્ટ, 200 વન-ડે અને 17 ટી-20 રમ્યો હતો. આઇપીએલમાં તે મુંબઈ, બેંગ્લૂરુ અને દિલ્હી વતી કુલ મળીને 100 મૅચ રમ્યો હતો.
ઝહીર ખાનને સીએસકેની અખબારી યાદીમાં એવું કહેતો ટાંકવામાં આવ્યો હતો કે `આઇપીએલના બે દાયકાના ઇતિહાસની સૌથી સફળ ટીમોમાંથી એક ટીમના હેડ-કોચ બનવા મળ્યું એ બદલ ગર્વ અનુભવું છું. ભૂતકાળમાં મેદાન પર મેં સીએસકેની ટીમનો સામનો કર્યો હતો અને એ મુકાબલો રોમાંચક રહ્યા હતા. ચૅપોકના મેદાન પર મૅચ રમાય ત્યારે સ્ટેડિયમમાં સુપરફૅન્સની હાજરીથી જે વાતાવરણ બનતું હતું એ સ્પેશ્યલ હતું. આ ફ્રૅન્ચાઇઝી સાથે જોડાઈ ગયો છું અને હવે એની સાથેના કામની શરૂઆત ક્યારે થાય એની રાહ જોઉં છું.'