અમરોહાઃ ભારતનો પેસ બોલર અને થોડા મહિનાઓથી સિલેક્ટરો દ્વારા અવગણવામાં આવી રહેલો મોહમ્મદ શમી (Shami) રાજકારણ (Politics)માં પ્રવેશી રહ્યો હોવાની જોરદાર અટકળ શરૂ થઈ છે. ભારત વતી છેલ્લે તે 2025ની નવમી માર્ચે રમ્યો હતો. તાજેતરમાં તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઈસ્ટ ઝોન વતી દુલીપ ટ્રોફીમાં રમ્યો હતો અને ઈસ્ટ ઝોને એમાં ટાઇટલ જીતી લીધું હતું.
મોહમ્મદ શમી તાજેતરમાં રાષ્ટ્રીય લોક દળ (આરએલડી)ના રાષ્ટ્રીય પ્રમુખ જયંત ચૌધરીને મળ્યો હતો જેને પગલે એવી વાતો ઉડી છે કે શમી કદાચ રાજકારણમાં ઝુકાવી રહ્યો છે. એક અટકળ એવી પણ છે કે શમી અમરોહામાંથી ચૂંટણી લડશે. ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થશે અને એ પહેલાં શમી વિશેના અહેવાલે ચકચાર જગાવી છે.
જો ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને આરએલડીની યુતિ આ બેઠક પરથી ચૂંટણી લડશે તો મોહમ્મદ શમી અથવા તેના ભાઈ હસીબ અહમદને કદાચ ટિકિટ આપવામાં આવશે.
જયંત ચૌધરીએ શમી સાથેની તાજેતરની મીટિંગને લગતી તસવીર સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. જોકે શમી રાજકારણમાં પ્રવેશી રહ્યો છે એવું સત્તાવાર રીતે નથી જાણવા મળ્યું અને આરએલડી તરફથી પણ કોઈ સંકેત નથી આપવામાં આવ્યો.