નવી દિલ્હી: ભારતીય સંસ્કૃતિમાં ગાયને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, ત્યારે ગાયને 'રાષ્ટ્ર માતા'નો દરજ્જો અપાવવા માટે ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં એક મોટા આંદોલનનો પ્રારંભ થઈ રહ્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી આજે બુધવારના રોજ કાંશીરામ પ્રેરણા સ્થળ પરથી 'ગૌ પ્રતિષ્ઠા ધર્મયુદ્ધ'ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. વિજય મુહૂર્તમાં ગૌમય ગણેશની પૂજા અને ગૌ પ્રતિષ્ઠા ધ્વજની સ્થાપના સાથે આ અભિયાનને વેગ આપવામાં આવશે, જેનો મુખ્ય હેતુ ગાય પ્રત્યેની આસ્થાને બંધારણીય માન્યતા અપાવવાનો છે.
આ આયોજનની સંવેદનશીલતાને ધ્યાને રાખીને લખનઉ જિલ્લા પ્રશાસને ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કુલ 26 શરતો સાથે સભાની પરવાનગી આપવામાં આવી છે. આ શરતો મુજબ, કોઈ પણ ધર્મ, જ્ઞાતિ કે ભાષા વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ ઉપરાંત, પૂર્વ મંજૂરી વગર કોઈ પણ પ્રકારનું સરઘસ કે શોભાયાત્રા કાઢી શકાશે નહીં. લાઉડસ્પીકર માટે પણ સુપ્રીમ કોર્ટના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે અને રાત્રે 10 વાગ્યા પછી તેનો ઉપયોગ કરી શકાશે નહીં.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ આ આંદોલન શરૂ કરી રહ્યા છે ત્યારે તેઓ કેટલાક ગંભીર વ્યક્તિગત વિવાદોથી પણ ઘેરાયેલા છે. રામભદ્રાચાર્યના શિષ્ય દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપો અને એફઆઈઆર વચ્ચે હાઈકોર્ટે હાલમાં તેમની ધરપકડ પર રોક લગાવી છે. આ દરમિયાન સ્વામીએ એક વીડિયો સંદેશ પાઠવીને તેમના સમર્થકોને અપીલ કરી છે કે, જે લોકો લખનઉ નથી આવી શક્યા તેઓ બપોરે અઢી વાગ્યે પોતાના ઘરેથી જ શંખનાદ કરીને આ આંદોલનમાં સહભાગી બને. તેમણે આ આંદોલનને 'અસલી હિન્દુ'ની ઓળખ સાથે જોડીને લોકોનું સમર્થન માગ્યું છે.
કાર્યક્રમ સ્થળ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, સુરક્ષા અને પોલીસ દળનો તમામ ખર્ચ આયોજકોએ ઉઠાવવાનો રહેશે. જો કોઈ પણ શરતનો ભંગ થશે, તો વહીવટી તંત્ર દ્વારા મંજૂરી તાત્કાલિક રદ કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ પાર્કિંગ અને આસપાસની ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તેની તકેદારી રાખવા માટે પણ આયોજકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.