મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ ટી-20 સુકાની અને 2026ના ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર કૅપ્ટન્સીથી ટાઇટલ અપાવનાર 35 વર્ષીય સૂર્યકુમાર યાદવ પાસેથી થોડા મહિના પહેલાં ટી-20 ટીમનું કૅપ્ટનપદ છીનવી લેવા ઉપરાંત ટીમમાંથી જ તેની હકાલપટ્ટી કરવામાં આવી એ ચીફ સિલેક્ટર અજિત આગરકરના અધ્યક્ષસ્થાન હેઠળની સિલેક્શન કમિટીના નિર્ણયને સૂર્યાના ચાહકો હજી પણ નહીં ભૂલ્યા હોય ત્યાં ખુદ સૂર્યાએ એક મુલાકાતમાં તેના ચાહકોને ખુશ કરી દેતી વાત કરી છે.
સૂર્યા સાથે સિલેક્ટરોએ આવો કઠોર અભિગમ અપનાવ્યો એમ છતાં તેને ભારત વતી રમવાની હજી પણ તીવ્ર ઇચ્છા છે. તેણે ભૂતપૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાની યુટ્યૂબ ચૅનલ પર કહ્યું છે, `હું હજીયે રમું જ છું અને ભારત વતી ફરી રમવા મારી પૂરી તૈયારી છે. તમને (સિલેક્ટરોને) જ્યારે પણ એવું લાગે કે આ યોગ્ય સમય છે અને બધુ ઠીકઠાક ચાલી રહ્યું છે અને મને પાછો ટીમમાં સામેલ કરવાનું નક્કી કરો તો મને કૉલ કરજો.'
સૂર્યાની બે વર્ષની યોજના પર પાણી
તેની કૅપ્ટન્સી પાછી લઈ લેવાના થોડા મહિના પહેલાંના નિર્ણયની વાત પર ફરી આવીએ તો સૂર્યકુમાર (Suryakumar)ની માનસિક તૈયારી તો 2028ના ટી-20 વર્લ્ડ કપમાં તેમ જ એ જ વર્ષની ઑલિમ્પિક્સમાં ભારતીય ટીમનું સુકાન સંભાળવા સુધીની હતી, પરંતુ ગયા જૂન મહિનામાં આયરલૅન્ડ તથા ઇંગ્લૅન્ડ ખાતેના પ્રવાસ માટેની ટીમમાંથી જ તેનો એકડો કાઢી નાખવામાં આવ્યો હતો. શ્રેયસ ઐયરના નેતૃત્વમાં આયરલૅન્ડમાં ભારતનો 0-2થી વાઇટવૉશ અને ઇંગ્લૅન્ડમાં 1-2થી પરાજય થયો હતો.
સૂર્યા પોતાનું નામ ન જોઈને પહેલાં તો હસ્યો
સૂર્યકુમારે આકાશ ચોપડાની ચૅનલ પરની વાતચીતમાં કહ્યું, `ટીમમાં મારા નામની બાદબાકી જોઈને મને પહેલાં તો હસવું આવ્યું હતું. હું જ્યારે પણ કોઈ પ્રકારના માનસિક દબાણમાં હોઉં કે મારી ધારણા મુજબ ન બને ત્યારે હું હસી લઉં છું અને પોતાને રિલેક્સ મૂડમાં લાવું છું. હું તો ભારતની ટી-20 (T20) ટીમને વધુ આગળ લઈ જવા માટે આવતા બે વર્ષ સુધીનું લાંબુ વિચારતો હતો, પણ મારી બાદબાકીથી મને નવાઈ લાગી હતી. તેમણે મારા સ્થાને જે ખેલાડીને (શ્રેયસ ઐયરને) પસંદ કર્યો તે સારો ખેલાડી છે, કૅપ્ટન તરીકે પણ સારો છે અને માણસ તરીકે પણ ગુણવાન છે. મને તેની સામે કોઈ જ વાંધો નહોતો, પણ મને નારાજગી એ વાતની હતી કે અમે બે વર્ષમાં એકેય ટી-20 સિરીઝ નહોતા હાર્યા, એશિયા કપ તથા ટી-20 વર્લ્ડ કપ જીત્યા હતા અને બધુ બરાબર ચાલતું હતું તો પણ શા માટે (કૅપ્ટન્સીમાં) ફેરફાર કરવામાં આવ્યો?'
50માંથી 42 મૅચમાં ભારતની જીત
સૂર્યકુમારના સુકાનમાં ભારત જે 50 ટી-20 મૅચ રમ્યું એમાંથી 42 મૅચમાં ભારત જીત્યું હતું અને માર્ચ, 2026માં ભારત તેના નેતૃત્વમાં ટી-20નું વિશ્વ વિજેતા બન્યું હતું. સૂર્યકુમાર ભારત વતી છેલ્લે એ મહિનામાં ન્યૂ ઝીલૅન્ડ સામે રમાયેલી વિશ્વ કપની ફાઇનલમાં રમ્યો હતો.