હજી ત્રણ મહિના પહેલાં જ જેણે વર્લ્ડ કપ જિતાડ્યો એને હવે નજરાણામાં મળી હકાલપટ્ટી
સ્પોર્ટ્સમૅન - યશવંત ચાડ
ત્રણ મહિના પહેલાં ભારતને ટી-20 વર્લ્ડ કપનો તાજ અપાવનાર કૅપ્ટન સૂર્યકુમાર યાદવને સરતાજ આપવાને બદલે નજરાણામાં મળી હકાલપટ્ટી અને 360 ડિગ્રીવાળા Suryakumar Yadav (SKY)નું અવમૂલ્યન કરીને 0 ડિગ્રી કરી નાખતા ભારતીય ક્રિકેટ ચાહકો આપણા ક્રિકેટ બોર્ડના વલણથી આંચકો પામી ગયા છે. આ આંચકો સૂર્યા સહિત બધા ખમી શકશે કે? આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડના પ્રવાસે જનારી ભારતીય ટીમમાંથી સુકાની સૂર્યકુમાર યાદવનું પત્તું કપાઈ ગયું અને તેને ખેલાડી તરીકે પણ ન રાખી મૂક્યો અને કેમ સાવ એકલો પાડી દીધો એ સમજાતું નથી.
ટી-20 આઇસીસી ટૂર્નામેન્ટમાં વિશ્વ કપ જાળવી રાખનારા વિશ્વ વિજયી અને 360 ડિગ્રીની બૅટિંગ-સ્ટાઇલ માટે પ્રખ્યાત થયેલા સૂર્યકુમારને પસંદગીકારોએ સાવ ઝીરો કરાવી દીધો એનાં કારણો ગળે નથી ઊતરતાં.
સૂર્યકુમારે અતિ આક્રમક શૈલીવાળી કૅપ્ટન્સી નિભાવીને યુવા ખેલાડીઓ જેવા કે ડાબોડી ઍગ્રેસિવ બૅટ્સમૅન અભિષેક શર્મા, ઇશાન કિશન કે પછી તિલક વર્મા અને સંજુ સૅમસન, શિવમ દુબે...હજી પણ બીજા નામો ગણાવી શકીએ તેમને બધાને (સુકાની સૂર્યકુમારે) બેધડક, ખચકાટ વગર આક્રમક શૈલીથી રમવા કહ્યું હતું અને ખાતરી આપી હતી કે તેઓ `નિષ્ફળ' જશે તો પણ તેમને પડતા નહીં મૂકવામાં આવે. જોકે Suryakumar Yadav (SKY) એટલે કે જેની આકાશ જેવી મર્યાદા છે એવા સૂર્યકુમારે ભારતને ટી-20નો વર્લ્ડ કપ તો જિતાડી આપ્યો, સુકાની તરીકે યુવા ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જગાડી તેમને પોતાની આવડત પર ભરોસો અપાવ્યો, વ્યક્તિગત નહીં પરંતુ ભારતીય ટીમની સફળતા વધુ મહત્ત્વની છે એ સમજાવીને યુવા ટીમમાં શક્તિનો સંચાર કરાવવામાં પોતાની સર્વે શક્તિ ખર્ચી નાખીને `એકરસ' અને અતિ આક્રમક ટી-20 ટીમ બનાવનાર સૂર્યકુમારને બલિનો બકરો બનાવી દીધો એ પસંદગીકારોને એક પ્રશ્ન પૂછવો પડશે કે સૂર્યકુમાર યાદવ 2028માં 38 વર્ષનો થઈ જશે એ માટે એને અત્યારથી અવગણવાની શરૂઆત કરી દીધી કે શું? રનના દુકાળને લીધે ટીમમાંથી તેની હકાલપટ્ટી કરવામાં આવી છે તો કહેવાનું કે રોહિત શર્મા 39 વર્ષનો છે અને વિરાટ કોહલી 37 વર્ષનો છે તો 2027ના વન-ડે વર્લ્ડ કપ વખતે તેઓ અનુક્રમે 40 વર્ષ અને 38 વર્ષના થઈ જશે તો પછી શું રોહિત-વિરાટ માટે `માપદંડ' અલગ છે?
વાચક મિત્રોને યાદ હશે જ કે ઑસ્ટે્રલિયાના પ્રવાસ દરમ્યાન વિરાટ કે રોહિત વિશે શું રંધાયુ હતું એ તો ભગવાન જાણે (અરે...ભૂલી ગયા...ગૌતમ ગંભીર અને અજિત આગરકર જાણે). આ જ બે દિગ્ગજને ભારતીય ક્રિકેટની નીતિના ઘડવૈયા જેવા માનવામાં આવે છે તેમને એક પ્રશ્ન પૂછવો જોઈએ અને તેઓ કબૂલ પણ કરશે કે ગાંગુલી અને માત્ર ગાંગુલીના જ સાથને લીધે તેમની કારકિર્દીમાં આંચ નહોતી આવી એવી જ રીતે મુખ્ય પસંદગીકાર અજિત આગરકર અને હેડ-કોચ ગૌતમ ગંભીરે સૂર્યકુમારને બહુ નહીં તો આયરલૅન્ડ-ઇંગ્લૅન્ડના પ્રવાસ માટે `છેલ્લી' તક આપવી જોઈતી હતી. તેમણે તેને કહેવું જોઈતું હતું કે `સૂર્યા, સુકાની તરીકે આ તારો છેલ્લો પ્રવાસ છે અને ત્યાર બાદ દરેક વખતે તારી પસંદગી `કરન્ટ ફૉર્મ'ના હિસાબે થશે. તને કદાચ પડતો પણ મૂકવામાં આવે એટલે આ પ્રવાસ દરમ્યાન સુકાની તરીકે તું નિવૃત્તિ જાહેર કરી દે.' સિલેક્ટરોએ સૂર્યકુમારને આવું કહીને `માનભેર' સુકાનીપદેથી નિવૃત્ત થવા દેવો જોઈતો હતો, નહીં કે હકાલપટ્ટી કરીને.
ટી-20નો એશિયા કપ અને આઇસીસી ટી-20 વર્લ્ડ કપ, એમ બે મહત્ત્વની આંતરરાષ્ટ્રીય ટ્રોફી જિતાડી આપનાર તેમ જ `ઑપરેશન સિંદૂર' બાદ ટૉસ વખતે તેમ જ મૅચ બાદ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવીને તેમને કરોડો ભારતીયોના ક્રોધનો સંકેત આપી દીધો એટલું જ નહીં, પણ પાકિસ્તાન ક્રિકેટના સર્વેસર્વા મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પાડીને સૂર્યકુમારે માત્ર ભારતના ક્રિકેટપ્રેમીઓનું જ નહીં, પણ સમગ્ર ભારતનું દિલ જીતી લીધું હતું એમ કહેવામાં કંઈ જ અતિશ્યોક્તિ નથી. અત્યાર સુધી કૅપ્ટન તરીકે એક પણ ટી-20 ક્રિકેટ સિરીઝ ન હારનારા અને બબ્બે મોટી આંતરરાષ્ટ્રીય ટ્રોફી જિતાડી આપનાર સૂર્યકુમારને કેમ ભારતની ટી-20 ફૉર્મેટથી સાવ અલગ કરી નાખવામાં આવ્યો એ જ નથી સમજાતું. આપણે ઇચ્છીએ કે સૂર્યકુમાર ફાઇટબૅક કરીને શાનથી ભારતની ટી-20 ટીમમાં કમબૅક કરશે.