Thu Sep 17 2026

Logo

સુરેન્દ્રનગરમાં પોલીસના દરોડાની ખાણ માફિયાઓને બાતમી આપતા 23 'ખબરીઓ'ની ધરપકડ

2026-05-23 22:09:43
Author: Devayat Khatana
સુરેન્દ્રનગરમાં પોલીસના દરોડાની ખાણ માફિયાઓને બાતમી આપતા 23 'ખબરીઓ'ની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લો અન્ય જિલ્લાઓ કરતાં ગેરકાયદે ખાણ ખનીજ પ્રવૃતિઓ માટે સતત ચર્ચામાં રહે છે. ચોટીલા, મુળી, થાન, સુરેન્દ્રનગર તેમજ સાયલા તાલુકામાં ગેરકાયદે ખાણ ખનીજ પ્રવૃતિઓ ધમધમતી હોવાના અનેક મીડિયા અહેવાલો બહાર આવી ચૂક્યા હતા. જો કે પાક્કી બાતમીને આધારે દરોડો પાડવા ગયેલી પોલીસને નિષ્ફળતા મળી હતી. આ અંગે તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક લોકો પોલીસ દરોડો પાડવા જાય તેની જાણ અમુક ખબરીઓ ખનીજ માફિયાઓને કરી દેતા હતા. આ અંગે પોલીસે વધુ 23 જેટલા ખબરીઓને ઝડપી લીધા હતા.

મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચલાવતા ખનીજ માફિયાઓ સામે પોલીસે એક મોટી અને અભૂતપૂર્વ કાર્યવાહી હાથ ધરી છે. ખાણ માફિયાઓ દ્વારા પોલીસની રેડ અને ટીમના લોકેશનને ટ્રેક કરવા માટે ખાસ 'વોટ્સએપ ગ્રૂપ્સ'નો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. જ્યારે પણ પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન પર દરોડા પાડવામાં આવતા, ત્યારે ઘણીવાર ઓપરેશન નિષ્ફળ જતું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું કે માફિયાઓ પોલીસનું લાઈવ લોકેશન આવા ગ્રૂપમાં શેર કરીને એકબીજાને એલર્ટ કરી દેતા હતા. આ હાઈટેક નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે સક્રિય અને બાતમી લીક કરવામાં સામેલ કુલ 23 લોકોને ઝડપી પાડ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે ખબરીઓને તંત્ર ની અપડેટ આપવાના બદલામાં પૈસા આપવામાં આવતા હતા.