Mon Oct 05 2026

Logo

સુરેન્દ્રનગરના દસાડા હાઈવે પર અકસ્માત: કાર અથડાતાં 2 અને કરંટ લાગવાથી ક્લીનરનું મોત

2026-09-26 14:49:00
Author: Mayur Patel
સુરેન્દ્રનગરના દસાડા હાઈવે પર અકસ્માત: કાર અથડાતાં 2 અને કરંટ લાગવાથી ક્લીનરનું મોત

અમદાવાદઃ રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હતો. સુરેન્દ્રનગરના દસાડા-શંખેશ્વર હાઈવે પર વડગામ અને પાનવા ગામ વચ્ચે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ 3 લોકોના મોત થયા હતા.

કેવી રીતે થયો અકસ્માત

રોડ કિનારે ઉભેલી એક ટ્રક પાછળ પૂરઝડપે આવતી કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં બેઠેલા 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માત જોઈને ગભરાઈ ગયેલો ટ્રકનો ક્લીનર ખેતર તરફ ભાગ્યો હતો, જ્યાં પાકની સુરક્ષા માટે મુકેલા ઝાટકા મશીનનો વીજ કરંટ લાગવાથી તેનું પણ સ્થળ પર જ મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ પહોંચી ગઈ હતી. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે શું કહ્યું

પોલીસના કહેવા પ્રમાણે, કારમાં સવાર લોકો વિરમગામથી શંખેશ્વર જઈ રહ્યાં હતા. તે દરમિયાન તેઓને અકસ્માત નડ્યો હતો. કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજાનું સારવારમાં લઇ જતાં સમયે રસ્તામાં મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ચારથી પાંચ લોકોને ઈજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે વિરમગામ લઈ જવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હૉસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.