સુરતઃ શહેરના ઊન પાટિયા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. તિરુપતિ નગર નજીક આવેલા એક મદ્રેસાની છત પર રમતી વખતે 13 વર્ષનો કિશોર અચાનક સંતુલન ગુમાવતાં ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. નીચે બાજુની ઇમારતનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં ખુલ્લો રહેલો તીક્ષ્ણ લોખંડનો સળિયો બાળકના ગળાના પાછળના ભાગેથી ઘૂસીને આરપાર નીકળી ગયો હતો. જોકે, સત્વરે સારવાર મળી રહેતા તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે
રમતા રમતા સર્જાયો ભયાનક અકસ્માત
સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે 13 વર્ષીય બાળક નાવીદ મૂળ પોતાના માતા-પિતા સાથે વતનમાં રહે છે, પરંતુ હાલમાં તે સુરતમાં પોતાના મામા સદરે આલમ સાથે રહીને અભ્યાસ કરે છે. ઘટનાના દિવસે બપોરનું ભોજન લીધા બાદ નાવીદ મદ્રેસાની બિલ્ડિંગની છત પર રમી રહ્યો હતો. આ દરમિયાન બાજુમાં જ એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. રમતાં રમતાં અચાનક નાવીદનો પગ લપસી જતાં તે સીધો નીચે કન્સ્ટ્રક્શન સાઇટ પર પટકાયો. નીચે પડેલા લોખંડના સળિયા પર પતકાતાં જ સળિયો તેના ગળાને ચીરીને આરપાર નીકળી ગયો હતો. આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી.
સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ આપ્યું નવજીવન
અત્રે નોંધનીય છે કે, લોહીલુહાણ અને ગંભીર સ્થિતિમાં પરિવારજનો અને સ્થાનિકો તાત્કાલિક બાળકને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. કેસની ગંભીરતા અને નાજુક સ્થિતિને જોઈને સિવિલના તબીબોની એક સ્પેશિયાલિસ્ટ ટીમે વિલંબ કર્યા વિના ઈમરજન્સી ઓપરેશન થિયેટરમાં સર્જરી શરૂ કરી હતી. ડોક્ટરોએ અત્યંત સાવચેતીપૂર્વક જટિલ ઓપરેશન કરીને ગળામાંથી લોખંડના સળિયાને કાપીને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો.
બાળકની વર્તમાન આરોગ્ય સ્થિતિ અંગે વાત કરતા નાવીદના મામા સદરે આલમે જણાવ્યું કે, ‘બપોરે જમ્યા પછી નાવીદ રમી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. હોસ્પિટલમાં ડોક્ટરોએ સમયસર કામગીરી કરીને મારા ભાણેજનો જીવ બચાવી લીધો છે’. નોંધનીય છે કે, એનેસ્થેસિયાની અસર સંપૂર્ણપણે ઓછી થઈ ગયા પછી અને તેની તબિયત સુધરી ગયા પછી તેને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવશે તેવું ડોકટરોએ જણાવ્યું હતું.