Sun Aug 30 2026

Logo

એલપીજીની અછતનો તોડઃ કામદારોને વતન જતા રોકવા માટે સુરતમાં કમ્યુનિટિ કિચન શરૂ

2026-03-19 21:26:00
Author: Pooja Shah
એલપીજીની અછતનો તોડઃ કામદારોને વતન જતા રોકવા માટે સુરતમાં કમ્યુનિટિ કિચન શરૂ

અમદાવાદઃ સુરતમાં ખૂબ મોટી ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રી છે અને લાખોની સંખ્યામાં પરપ્રાંતિયો અહીં કામ માટે આવે છે. તેઓ અહીં એકસાથે ભાડાના મકાનમાં રહેતા હોય છે, જ્યાં  ગેસ કનેક્શન હોતા નથી, આથી તેઓ છૂટક ગેસ સિલિન્ડર લઈ પોતાનું રસોડું ચલાવતા હોય છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી અશાંતિના પગલે દેશભરમાં ગેસ સિલિન્ડરની અછત સર્જાતા આ કામદારો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. કોરોનાકાળ જેવી સ્થિતિ ન થાય તે માટે પહેલેથી જ સામાન બાંધી તેઓ વતન ભણી જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે કામદારો એકસાથે વતન ન જાય અને તેમને ખાવાપીવાની તકલીફ ન પડે તે માટે સુરતમાં કોમ્યુનિટી કિચન શરૂ કરવામાં આવ્યા છે. 

ટેક્સટાઈલ્સ એસોસિયેશન અને મિલમાલિકોએ સાથે મળી પાંડેસરા વિસ્તારમા કોમ્યુનિટી કિચન શરૂ કર્યા છે, જે કામદારોને શુદ્ધ અને સાત્વિક ભોજન રૂ. 50માં મળી રહ્યું હોવાનુ અહેવાલોએ જણાવ્યું હતું. 

લાખો સ્થળાંતરિત કામદારો પાંડેસરા, સચિન, ભેસ્તાન, કડોદરા અને પલસાણા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં રહે છે, જ્યાં તેઓ કાપડ યુનીટ્, ડાઇંગ મિલો અને પ્રોસેસિંગ ફેક્ટરીઓમાં કામ કરે છે. છેલ્લા એક અઠવાડિયાથી, કમર્શિયલ તેમજ ઘરેલું એલપીજી  સિલિન્ડરોના પુરવઠાના અભાવને કારણે ભાડાના મકાનોમાં રહેતા કામદારો માટે રસોઈ બનાવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે.

બે-ત્રણ કે તેના કરતા વધારે કામદારો એક સાંકડા રૂમમાં રહેતા હોય છે અને નાના ગેસ સિલિન્ડર અને એક સ્ટવની મદદથી રસોઈ કરતા હોય છે. આ નાના સિલિન્ડરો ઘણીવાર કોમર્શિયલ સિલિન્ડરોમાંથી રિફિલ કરવામાં આવે છે, પરંતુ કોમર્શિયલ એલપીજી પુરવઠો ખોરવાતા  રિફિલિંગ ખર્ચમાં ઘણો વધારો થયો છે. કામદારોએ જણાવ્યું હતું કે એક નાના સિલિન્ડરમાં અગાઉ રિફિલ કરવા માટે કિલોદીઠ રૂ. 80 આપવા પડતા હતા, તે હવે રૂ. 500 થઈ ગયા છે. કેટલાક નાની બોટલ માટે રૂ.600-700 ચૂકવી રહ્યા છે. 

અચાનક વધી ગયેલા ખર્ચ અને તકલીફોને કારણે આ કામદારો એકસાથે વતન જવાનું વિચારી રહ્યા હતા. આમ થતાં ટેક્સટાઈલ ઉદ્યોગને તકલીફ થઈ શકે. આથી કમ્યુનિટિ કિચન શરૂ કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

અહેવાલો અનુસાર પાંડેસરામાં એક કોમ્યુનિટી ડાઇનિંગ હૉલને મેગા કિચનમાં ફેરવી દેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, દરરોજ 4,000 થી 5,000 લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. લગભગ 1,000 કામદારો રસોડામાં ભોજન કરે છે, જ્યારે બાકીનું ભોજન પેક કરવામાં આવે છે અને ફેક્ટરીઓમાં પહોંચાડવામાં આવે છે. 

દરમિયાન, કેટલાક મિલ માલિકોએ પણ તેમના કામદારોને સીધું ભોજન પૂરું પાડવાનું શરૂ કર્યું છે, જ્યારે અમુક વિસ્તારોમાં મજૂર કોન્ટ્રાક્ટરો લાકડાની વ્યવસ્થા કરી રહ્યા છે જેથી કામદારો સિલિન્ડર વગર ખોરાક રાંધી શકે.