Mon Sep 14 2026

Logo

સુરતના પોશ વિસ્તારમાં કૂતરાના હુમલાથી બાળકી લોહીલુહાણ, 4 દિવસમાં ચોથી ઘટનાથી ફફડાટ

2026-05-23 13:34:00
Author: Mayur Patel
સુરતના પોશ વિસ્તારમાં કૂતરાના હુમલાથી બાળકી લોહીલુહાણ, 4 દિવસમાં ચોથી ઘટનાથી ફફડાટ

સુરતઃ શહેરના પોશ વિસ્તારમાં કૂતરાએ બાળકી પર હુમલો કર્યો હતો. ચાર દિવસમાં કૂતરાના હુમલાની ચોથી ઘટનાથી ફફડાટ ફેલાયો હતો. મળતી વિગત પ્રમાણે, ઘોડદોડ રોડ પર આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં એક 8 વર્ષની બાળકી પરિવાર સાથે રમતી હતી ત્યારે અચાનક કૂતરાએ હુમલો કર્યો હતો. જેના કારણે લોહીલુહાણ થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

બાળકી તેના ભાઈ-બહેન અને માતા સાથે ગાર્ડનમાં રમવા ગઈ હતી. તેની માતા નજીકમાં આઈસ્ક્રીમ લેવા ગયા હતા. આઈસ્ક્રીમની થેલી લઈને બાળકી  અને તેની માતા ગાર્ડનમાં જતા હતા ત્યારે રખડતાં કૂતરાની નજર તેના પર પડી હતી. કૂતરાએ થેલીમાં ખાવાનું હશે તેમ સમજીને બાળકી પર હુમલો કર્યો હતો. થોડીવારમાં બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

ગઈકાલે કડોદરામાં ઘર પાસે રમતાં 6 વર્ષના બાળક પર 3 કૂતરાએ હુમલો કર્યો હતો. બાળક તેના પરિવાર સાથે સોસાયટી નજીક આવેલી કેનાલ તરફ ફરવા ગયો હતો. આ સમયે બાળક આગળ દોડી રહ્યો હતો ત્યારે અચાનક ત્રણ જેટલા કૂતરા તેના પર તૂટી પડ્યા હતા. અહીં ચાર-પાંચ અને સાત-આઠ કૂતરાઓ ઝુંડમાં ફરે છે અને બાળકોને જોતા જ હિંસક બની જાય છે. આ ઘટના સમયે પણ જો નજીકમાંથી પસાર થતી 14-15 વર્ષની બે હિંમતવાન છોકરીઓએ દોડી આવીને કૂતરાઓ પર પથ્થરમારો ન કર્યો હોત, તો તેનો જીવ બચાવવો મુશ્કેલ હોત.

બે દિવસ પહેલા આ વિસ્તારમાં જ એક બાળકના પેટ પર કૂતરાએ બચકું ભર્યું હતું. જેના કારણ તેની નસો બહાર દેખાવા લાગી હતી. 20 મેના રોજ  પીપોદરા ખાતે આવેલી એક ફેકટરીમાં મજૂરી કામ કરતા એક યુવકનો અઢી વર્ષનો દીકરો  ફેક્ટરીની અંદર રૂમ પાસે રમતો હતો. તે વખતે એક હડકાયા કૂતરાએ હુમલો કરી દીધો હતો. કૂતરાએ બાળકના ગાલે એટલું ભયાનક બચકું ભર્યું હતું કે ત્યાંથી માસૂમનો માંસનો લોચો  નીકળી ગયો હતો.   ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા અને બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બાળકના ચહેરા પર ગંભીર ઈજા થતાં પરિવારજનોમાં ભય અને ચિંતા છવાઈ ગઈ હતી.

સૂત્રો મુજબ, આ વર્ષે શહેરમાં ડોગ બાઈટના જાન્યુઆરીમાં 1148 કેસ, ફેબ્રુઆરીમાં 974 કેસ, માર્ચમાં 1136 કેસ, એપ્રિલમાં 1026 કેસ અને ચાલુ મહિને અત્યાર સુધીમાં 570થી વધુ કેસ નોંધાયા છે.