મુંબઈ: ગણપતિ બાપ્પાના આગમન સાથે મુંબઈમાં ઉત્સવનો માહોલ છે, પરંતુ આ ખુશી વચ્ચે મુંબઈગરાઓ માટે મુસાફરીની ચિંતા પણ વધી શકે છે. લોકલ ટ્રેનના મેગાબ્લોકથી ટેવાયેલા મુંબઈગરાઓ માટે હવે મેટ્રોમાં પણ મોર્નિંગ બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. મેટ્રો લાઈન નવ ફેઝ-2ની કામગીરીને આગળ વધારવા માટે આવતીકાલે 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર 2026 સુધી આ બ્લોક રહેશે. તેના કારણે લાઇન 2A, લાઈન 7 અને લાઈન 9 ફેઝ-1 પર પ્રવાસીઓ માટેની સેવા આ દિવસોમાં સવારે 6:30 વાગ્યાથી શરૂ થશે.
ગણેશોત્સવ દરમિયાન મુંબઈના રસ્તાઓ અને રેલવે સ્ટેશનો પર પહેલેથી જ ભીડ વધે છે. એવામાં વહેલી સવારના મેટ્રો મુસાફરો માટે આ ફેરફાર મહત્વનો છે. જોકે, આ કોઈ કાયમી ફેરફાર નથી. મેટ્રો લાઇન 9 ફેઝ-2ને હાલના નેટવર્ક સાથે જોડવા માટે જરૂરી ટેકનિકલ કામગીરી પૂર્ણ કરવા માટે માત્ર સવારના સમયગાળામાં આ ખાસ બ્લોક રાખવામાં આવ્યો છે.
સિંગ્નલિંગ સિસ્ટમ વચ્ચે યોગ્ય સંકલન છે કે નહીં તેની ચકાસણી કરાશે
હવે સવાલ એ છે કે મેટ્રોમાં મેગાબ્લોક શા માટે? લાઇન 9 ફેઝ-2ના ત્રણ નવા સ્ટેશનોને લાઈન 9 ફેઝ-1 અને હાલની મેટ્રો લાઇન 2A તથા લાઇન 7 સાથે સરળતાથી જોડવા માટે સિંગ્નલિંગ સિસ્ટમનું ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ જરૂરી છે. આ માટે સિંગ્નલિંગ સોફ્ટવેરનું માઈગ્રેશન, ટેસ્ટિંગ અને વેલિડેશન કરવામાં આવશે.આ કામગીરી દરમિયાન લાઈન 9 ફેઝ-2 પર સ્પીડ ટ્રાયલ માટે પણ જરૂરી પરીક્ષણો કરવામાં આવશે.
નવી સિંગ્નલિંગ સિસ્ટમ અને હાલની કાર્યરત સિસ્ટમ વચ્ચે યોગ્ય સંકલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. મેટ્રોની સલામતી અને નિયમિત કામગીરી માટે આ પ્રક્રિયા મહત્વપૂર્ણ હોવાથી મુસાફર સેવા શરૂ થાય તે પહેલાં નિયંત્રિત સમયગાળામાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર ટેકનિકલ કામગીરી ચારકોપ ડેપોમાં આવેલા ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર એટલે કે ઓસીસી મારફતે કરવામાં આવશે. એમએમએમઓસીએલ ના જણાવ્યા મુજબ, હાલની મેટ્રો લાઈનો પર નિયમિત મુસાફર સેવા ચાલુ હોવાથી સિંગ્નલિંગ સિસ્ટમના આવા મહત્વના ટેસ્ટ માટે એવો સમય પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે ટ્રેનોમાં મુસાફરો ન હોય. આથી મુસાફરો પર અસર પણ મર્યાદિત રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આવતીકાલથી શરુ થશે બ્લોક
મુંબઈગરાઓ માટે ખાસ વાત એ છે કે આવતીકાલથી 25 સપ્ટેમ્બર દરમિયાન લાઈન 2A, લાઈન 7 અને લાઈન 9 ફેઝ-1 પર સેવા સવારે 6:30 વાગ્યે શરૂ થશે. એટલે કે વહેલી સવારમાં મેટ્રો પકડનારા મુસાફરોએ આગામી 10 દિવસ પોતાની મુસાફરીનું આયોજનમાં ફેરફાર કરવાની ફરજ પડશે. ખાસ કરીને ગણેશોત્સવ દરમિયાન ભીડને ધ્યાનમાં રાખીને મુસાફરોને સમયનું અગાઉથી આયોજન કરવું ફાયદાકારક રહેશે.
એક તરફ મુંબઈમાં ગણેશોત્સવની ધામધૂમ અને બાપ્પાની ભક્તિનો ઉત્સાહ છે, તો બીજી તરફ મુસાફરીમાં થોડો ફેરફાર — એટલે મુંબઈગરાઓ માટે ખરેખર ‘કભી ખુશી કભી ગમ’ જેવી સ્થિતિ નિર્માણ થશે! જોકે, આ સવારનો મેટ્રો બ્લોક ભવિષ્યમાં વધુ સારી કનેક્ટિવિટી માટેનું મહત્વનું પગલું છે. લાઈન 9 ફેઝ-2ની ટેસ્ટિંગ અને ઇન્ટિગ્રેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ નવી મેટ્રો સુવિધા શરૂ કરવાની દિશામાં વધુ એક મોટું પગલું આગળ વધશે.