Tue Aug 18 2026

Logo

સુરતની મેટ્રોસાઈટ્સનું મનપા દ્વારા નિરિક્ષણ, 208 મોસ્ક્યુટો બ્રિડિંગ સ્પોટ્સ મળ્યા

2026-08-10 18:41:56
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ સુરતમાં ભારે વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ન ફાટી નીકળે તે માટે પાલિકા ઠેર ઠેર નિરિક્ષણ કરે છે અને મચ્છરો ઉત્પન થતા સ્થળોએ તાકીદના પગલા લે છે ત્યારે તાજેતરમાં તેમના નિરિક્ષણ દરમિયાન મેટ્રો કન્સ્ટ્રક્શન સાઈટમાં એક બે નહીં પણ 208 જેટલી મોસ્કયુટો બ્રિડિંગ સ્પોટ્સ મળી આવ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા) ના વેક્ટર-બોર્ન ડિસીઝ કંટ્રોલ વિભાગે મચ્છરજન્ય રોગોને નિયંત્રિત કરવાના અભિયાનના ભાગ રૂપે 8 ઓગસ્ટના રોજ 47 મેટ્રો કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર 3,063 સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું.

નિરીક્ષણ દરમિયાન, અધિકારીઓએ 208 મચ્છર-ઉત્પાદન સ્થળો શોધી કાઢ્યા અને મચ્છરોને નિયંત્રિત કરવા માટે  વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. મહાનગરપાલિકાની ટીમે 779 મજૂરના લોહીના નમૂના પણ લીધા હતા અને ઉલ્લંઘન માટે 17 નોટિસ પાઠવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

આ ઉપરાંત શહેરના વિવિધ ઝોનમાં વિવિધ બાંધકામ સ્થળો પરથી મનપાએ કુલ ₹61,500નો વહીવટી ખર્ચ એકઠો કર્યો હતો. 

પશ્ચિમ ઝોનમાં ભેંસાણ ગાર્ડન મેટ્રો સ્ટેશન સાઇટ પરથી સૌથી વધુ ₹15,000 ની રકમ એકત્રિત કરવામાં આવી હતી. અન્ય સ્થળોએ જ્યાં વહીવટી ખર્ચ એકત્રિત કરવામાં આવ્યો હતો તેમાં દિલ્હી ગેટ, રિંગ રોડ, કમેલા દરવાજા, નિર્મલ હોસ્પિટલ, અનવરનગર, ભટાર, ખાજોડ અને સરથાણા સહિતના મેટ્રો બાંધકામ સ્થળોનો સમાવેશ થાય છે.

મનપાએ રહેવાસીઓ અને બાંધકામ સ્થળ સંચાલકોને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા પગલાં લેવા અને અધિકારીઓ દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી હતી અને નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.