Sat Sep 12 2026

Logo

સુરત ડેપ્યુટી કમિશનરના રાજીનામા બાદની ચર્ચાઓનો અંત: 10 દિવસ બાદ રાજીનામું ખેંચ્યું પરત

2026-02-24 09:09:00
Author: Devayat Khatana
સુરત ડેપ્યુટી કમિશનરના રાજીનામા બાદની ચર્ચાઓનો અંત: 10 દિવસ બાદ રાજીનામું ખેંચ્યું પરત

સુરતઃ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વાતિ દેસાઈના રાજીનામા પ્રકરણમાં આખરે વિરામ આવ્યો છે. સ્વાતિ દેસાઈએ અંગત અને સ્વાસ્થ્યના કારણોસર આપેલું રાજીનામું આશરે 10 દિવસ બાદ પરત ખેંચી લીધું છે. આ અધિકારીના અચાનક રાજીનામાથી મનપાના વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી હતી, પરંતુ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા તેમનું રાજીનામું મંજૂર કરવામાં ન આવતા, તેઓ ફરી પોતાની ફરજ પર પરત ફર્યા છે. હાલમાં તેઓ એકાઉન્ટ્સ વિભાગ અને ઉધના ઝોન (સાઉથ ઝોન-A) ના વડા તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

મળતી વિગતો અનુસાર, સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ મહિલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત સ્વાતિ દેસાઈએ ગુરુવારે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા વહીવટી તંત્રમાં ચર્ચા જાગી હતી. તેમણે મ્યુનિસિપલ કમિશનરને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. 

છેલ્લા કેટલાક વર્ષોમાં સુરત મહાનગરપાલિકાના અનેક ઉચ્ચ અધિકારીઓએ મુદત પૂરી થાય તે પહેલાં જ અચાનક રાજીનામાં આપ્યા હોવાના કિસ્સાઓ બન્યા છે, જેને કારણે સ્વાતિ દેસાઈનું રાજીનામું પણ ચર્ચાનો વિષય બન્યું હતું. જોકે, તેમણે આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી. હાલમાં તેમને સ્માર્ટ સિટી સેલની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ અન્ય મહત્વના વિભાગોમાં તેઓ કાર્યરત રહેશે.

અહેવાલો એવા પણ હતા કે તેમના બે ૧૧ વર્ષના જોડિયા બાળકોની સંભાળ રાખવા માટે ઘરમાં અન્ય કોઈ સભ્ય નથી. તેમના સાસુ-સસરા હાલ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને પતિ ખાનગી પેઢીમાં કાર્યરત હોવાથી બાળકોની જવાબદારી તેમના શિરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "ડેપ્યુટી કમિશનર તરીકે મારે શનિવાર-રવિવાર સહિત રોજની ૧૨ કલાક ફરજ બજાવવી પડે છે, જેના કારણે હું બાળકોના અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકતી નથી. બાળકોના ભવિષ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે મેં આ પદ છોડવાનો નિર્ણય કર્યો છે."