Fri Jun 19 2026

Logo

અમરેલીમાં સગાને બેરલમાં ડીઝલ અપાવવા સુરતના પીએસઆઈએ પંપ સંચાલકને ધમકાવ્યાનો આક્ષેપ

2026-05-23 19:32:50
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
ગુજરાતના અનેક જિલ્લામાં હાલ પેટ્રોલ-ડીઝલ સહિત ઈંધણની અછત વર્તાઇ રહી છે, ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ એક પેટ્રોલ પંપ પર ડીઝલ આપવા બાબતે સુરતના એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દ્વારા ધમકી આપવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હત. પેટ્રોલ પંપના સંચાલક પ્રદ્યુમનભાઈ ખુમાણે આ અંગે ડુંગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જયસુખ બારૈયાએ પોતાના સગાને ગેરકાયદે રીતે ડીઝલ અપાવવા માટે પોતાના પદનો દુરુપયોગ કરી પંપ માલિકને ફોન પર ધમકાવ્યા હતા.

મળતી વિગતો અનુસાર, પીએસઆઈના કોઈ સબંધી વાહન વગર બેરલમાં ખેતીના ઉપયોગ માટે ડીઝલ લેવા પંપ પર આવ્યા હતા. સરકારી નિયમો અને મામલતદારની સૂચના મુજબ, બેરલમાં છૂટક ડીઝલ આપવા માટે ખેડૂત હોવાના પુરાવા રૂપે 7/12 ની નકલ રજૂ કરવી ફરજિયાત હોઈ પંપના કર્મચારીઓએ આ નકલ માંગતા મામલો ગરમાયો હતો. ત્યારબાદ પીએસઆઈ જયસુખ બારૈયાએ પંપ સંચાલકને ફોન કરીને ધમકીભરી ભાષામાં કહ્યું હતું કે, "તમારા શેઠ શું ગુજરાતના પીએમ છે? ડીઝલ આપવું જ પડશે, નહિતર તમારા પર કેસ કરી દઈશ."

આ પ્રકારની ધમકી બાદ પંપના વેપારી પ્રદ્યુમનભાઈએ ડુંગર પોલીસ મથકમાં લેખિત અરજી આપીને સત્તાનો દુરુપયોગ કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર પીએસઆઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કે આ મામલે તંત્રનો સીધો સંપર્ક સાધી શકાયો નહોતો.